ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતાં વેપાર-ધંધા અને રોજગાર અનલોક થતાં જ ધમધમવા લાગ્યા છે, જેની સાથે સાથે ભાજપ સરકાર અને સંગઠન પણ અનલોકમાં ફાસ્ટ ટ્રેક મોડ પર આગળ વધવા લાગ્યાં છે. છેલ્લા બે મહિનામાં સંખ્યાબંધ કાર્યક્રમો, ઉદઘાટનો, નિર્ણયો કર્યા છે. ભાજપ સરકાર અને સંગઠન બાદ હવે સંઘ પણ સાથે આવ્યો છે અને ગુજરાતમાં એકદમ એક્ટિવ થઈ ગયો છે.
અનલોક બાદ સરકાર એક્ટિવ થઈ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો, જેમાં પ્રજા બિચારી બનીને મહામારીનો સામનો કરી રહી હતી. બીજી લહેરના સમયે સરકારની કામગીરી સામે પ્રજાનો ભારે રોષ ફેલાયો હતો, પણ જેવી બીજી લહેર ધીમી પડી અને ગુજરાત અનલોક થતાંની સાથે સરકાર પણ એકદમ એક્ટિવ થઈ ગઈ હતી અને પ્રજાની સેવામાં લાગી ગઈ હતી. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના અનેક પ્રોજેક્ટો, યોજનાઓના ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પાંચ વર્ષની ઉજવણી પણ એક-બે નહીં, નવ દિવસ સુધી કરવામાં આવી હતી, જેમાં પણ મંત્રીઓ, ધારાસભ્યોએ ગુજરાતના અલગ-અલગ જિલ્લા તાલુકામાં જઈને આપણી સરકારના સ્લોગન સાથે અનેકવિધ કાર્યક્રમો યોજ્યા હતા.
પાટીલની સંગઠન રચનાએ ઝડપ પકડી
તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સંગઠનની રચના ઝડપથી કરવા લાગ્યા હતા, જેમાં વિવિધ જિલ્લા, તાલુકા, સહિત ગ્રામ્યકક્ષા સુધીના સંગઠન બનાવી દીધા, એની સાથે પ્રદેશકક્ષાએ પણ અલગ-અલગ ફિલ્ડના આગેવાનોના વિભાગો બનાવી નિમણૂકો કરવામાં આવી હતી. આ ઉપરાંત નવા પ્રદેશ મહામંત્રી પણ આવી ગયા છે, સંગઠનમાં પ્રજા સુધી પહોંચવા માટે કાર્યક્રમો પણ ઘડાઈ રહ્યા છે.
ત્રીજી લહેર સામે લડી લેવા ભાજપના કાર્યકરોની ફોજ તૈયાર
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત થઈ રહી છે. એ સંજોગોમાં ભાજપ સરકાર અને સંગઠનની વહારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આવી ગયો છે, ગુજરાતમાં સંઘના સ્વાસ્થ્ય અંગેના રાષ્ટ્રીય એકમની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડી લેવા સંઘના સ્વયંસેવકો અને ભાજપના કાર્યકરોની ફોજ તૈયાર કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.