સપનાનું ઘર જલદી મળશે!:ગુજરાતમાં 'ઘરના ઘર'ની સરકારી યોજનાઓ ઝડપથી પૂરી કરવા અધિકારીઓની એક ટીમ બનશે, વિસંગતતા દૂર કરી સરળ બનાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના વિવિધ વિભાગોની ઘરની યોજનાઓમાં અડચણો હોવાથી લાભાર્થીઓને મકાન મળવામાં મુશ્કેલી પડે છે
  • લાભાર્થીઓને મકાન મળવામાં થતી મુશ્કેલીઓ નિવારવા બધી જ યોજના એક છત્ર હેઠળ લાવી ઉકેલ કરાશે

ગુજરાતમાં ઘરવિહોણા લોકોને ઘરનું ઘર આપવાની રાજ્ય સરકારની ચાલી રહેલી અલગ અલગ યોજનાઓમાં અનેક વિસંગતતા ઊભી થતી હોવાને કારણે આ યોજનાઓ વિલંબમાં મુકાઈ જાય છે. પરિણામે, બિલ્ડર એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની તમામ ઘરની યોજનાઓની સમીક્ષા અને અભ્યાસ કરી સમયસર પૂર્ણ કરવાના આયોજન માટે અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવા આદેશ કર્યો છે.

પાંચ IAS અધિકારીની કમિટી યોજનાઓની સમીક્ષા કરશે
ગુજરાત સરકાર દ્વારા ચાલતી જુદી-જુદી હાઉસિંગ યોજનાઓને હવે એક છત્ર હેઠળ આવરી લઈ આવાસ યોજનાને વેગવાન બનાવવામાં આવશે અને વધુમાં વધુ લોકોને લાભ આપી લક્ષ્યાંક પૂરો કરવાની કવાયત હાથ ધરી છે. આ કામગીરી માટે અલગ-અલગ વિભાગના પાંચ IAS અધિકારીની કમિટી બનાવીને તમામ હાઉસિંગ યોજનાઓની સમીક્ષા અને એનો અભ્યાસ કરવા માટે સુચના આપી છે. ત્યારે આ કમિટી સરકારને સર્વગ્રાહી રિપોર્ટ સુપરત કરશે અને ત્યાર બાદ રાજ્ય સરકાર એની સત્તાવાર જાહેરાત કરશે.

દસ્તાવેજોની ઊભી થતી વિસંગતતા દૂર કરવા પ્રયાસો
રાજ્ય સરકાર ઘરવિહોણા પરિવારોને ઘર આપવાની યોજનાઓના લક્ષ્યાંકને પાર પાડવા માટે મથામણ કરી રહી છે. તો બીજી તરફ વિવિધ વિભાગો હસ્તકની અલગ-અલગ હાઉસિંગ યોજનાઓની ઊભી થતી વિસંગતતાને કારણે સરકાર ધાર્યો લક્ષ્યાંક પૂરો કરી શકતી નથી, કારણ કે વહીવટીતંત્રમાં પંચાયત વિભાગ ઉપરાંત અન્ય વિભાગોમાં અલગ અલગ હાઉસિંગ યોજનાઓ કાર્યરત છે, જેમાં લાભાર્થીને સમયસર લાભ મળતા નથી. જ્યારે કેટલીક હાઉસિંગ યોજનાઓમાં તો જડ વલણને કારણે અથવા દસ્તાવેજોની ઊભી થતી વિસંગતતાને કારણે લાભાર્થીને યોજનાથી વંચિત રહેવાની વ્યાપક ફરિયાદો સરકાર સમક્ષ આવી છે. ત્યારે સરકાર દ્વારા હવે જુદી જુદી હાઉસિંગ યોજનાઓને એક જ છત હેઠળ આવરી લેવા માટે કવાયત શરૂ કરી છે.

ત્રણ મહિનામાં કાર્યરત તમામ યોજનાઓના અભ્યાસ માટે સૂચના આપી
તાજેતરમાં મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં પંચાયત વિભાગ ઉપરાંત નાણાં સહિત સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં અલગ-અલગ વિભાગના અધિકારીઓને આગામી ત્રણ મહિનાની અંદર જ કાર્યરત તમામ હાઉસિંગ યોજનાઓનો અભ્યાસ અને તેનાં લેખાંજોખાં કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે કમિટી દ્વારા સર્વગ્રાહી અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે અને એ પછી રાજ્ય સરકાર ઘરના ઘરની યોજનાઓની વિસંગતતા દૂર કરવાનો કોઈ મોટો નિર્ણય કરી શકે છે.

યોજનાઓને એક છત્ર હેઠળ આવરી લેશે તો લાભાર્થીઓને સીધો ફાયદો
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર હવે તમામ હાઉસિંગની અલગ અલગ યોજનાઓને એક છત્ર હેઠળ આવરી લેશે તો એનો સીધો ફાયદો સરકાર અને લાભાર્થીઓને થઈ શકે તેમ છે, કારણ કે આ નિર્ણયથી રાજ્ય સરકાર દ્વારા યોજનાકીય નાણાંની ફાળવણીમાં પણ મોટો ફાયદો સરકારને થઈ શકે છે.

આ ઉપરાંત ઘરવિહોણા પરિવારોને ઘર આપવાનો લક્ષ્યાંક પણ આસાનીથી પૂરો કરી શકાશે. માત્ર એટલું જ નહીં, આ યોજના સૌથી ઝડપી અને વેગવાન બનશે, સાથે સાથે અરજદારોને હાઉસિંગ યોજનાનો લાભ મેળવવામાં પણ સરળતા રહેશે. પરિણામે, અલગ-અલગ કચેરીના ધક્કાથી લાભાર્થીને સંપૂર્ણ મુક્તિ રહેશે.

અન્ય સમાચારો પણ છે...