તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોદ્ધાઓનું યોગદાન:ગુજરાતમાં પહેલી લહેરમાં 60 તો બીજી લહેરમાં 37 ડોક્ટર્સે કોરોનાને કારણે જીવ ગુમાવ્યા, વેક્સિનેશન બાદ મોતની સંખ્યા 50 ટકા ઘટી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતીકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતીકાત્મક છે.
  • રેસિડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો સહિતના 720થી વધુ હેલ્થકેરવર્કર કોરોનાથી સંક્રમિત થયા છે
  • બીજા વેવમાં વેક્સિન લીધા બાદ હેલ્થકર્મી 60% ઓછા સંક્રમિત થયા છે

રાજ્યમાં કોરોના મહામારી ધીરે-ધીરે શાંત પડી રહી છે. છેલ્લા સવા વર્ષના કોરોનાકાળમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ડોક્ટર્સ તેમજ મેડિકલ સ્ટાફની રહી છે. પોતાના પરિવારથી દૂર રહી અનેક ડોક્ટરોએ 15-15 કલાક ઓન ડ્યૂટી રહી કોવિડ દર્દીઓની સારવાર કરી છે, જેમાં અનેક ડોક્ટર્સે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પહેલી લહેરમાં અંદાજે 60થી વધુ ડોક્ટર્સના, જ્યારે બીજી લહેરમાં 35ની આસપાસ ડોક્ટર્સનાં મોત નીપજ્યાં છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોક્ટર્સનું માનવું છે કે વેક્સિનેશનના કારણે બીજી લહેરમાં મોતની સંખ્યા ઘટી છે.

વેક્સિન બાદ મોતમાં ઘટાડો
માર્ચ 2020થી શરૂ થયેલી કોરોના મહામારીમાં અત્યારસુધીમાં અનેક લોકોએ માતા-પિતા, ભાઈ-બહેન સહિતના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ડોક્ટર્સ તેમજ મેડિકલ ટીમ પણ કોવિડ દર્દીઓના સતત સંપર્કમાં આવતાં તેઓ પોતે પણ સંક્રમણનો ભોગ બન્યા છે. પહેલી લહેરમાં અંદાજે 60થી વધુ ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે. જોકે બીજી લહેર ઘાતક હતી, પરંતુ સમયસર તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન થતાં તેમનાં મોતની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. વેક્સિન લઈ લેવાથી ડોક્ટર્સ સંક્રમિત થયા બાદ પણ જીવનું જોખમ ઓછું થયું છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

સૌથી વધુ દિલ્હીમાં 109 ડોક્ટર્સનાં મોત
સમગ્ર દેશમાં અંદાજે 745ની આસપાસ ડોક્ટરોનાં મોત કોરોનાને કારણે થયાં છે, જેમાં સૌથી વધુ દિલ્હીમાં 109 ડોક્ટર્સે પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ગુજરાતમાં બીજી લહેરમાં 60માંથી 37 જેટલી પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર્સનાં મોત થયાં છે. એમાં ખાસ કરીને જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સની સંખ્યા વધુ છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં 7થી વધુ ડોક્ટરનાં મોત નીપજ્યાં છે. ત્યાર બાદ વડોદરા, રાજકોટ તેમજ અન્ય નાના જિલ્લામાં એક-બે એક-બે ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે.

કોરોના સંક્રમિત 720થી વધુ હેલ્થકેરવર્કર ફરી ફરજ પર હાજર
400 દિવસથી પણ વધુ સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા સરકારી હોસ્પિટલ્સના સિનિયર તબીબોથી લઇ રેસિડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો સહિતના 720થી વધુ હેલ્થકેરવર્કર કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થઇને આ સેવાવીરોએ ઘરે ગભરાઈને બેસવાના બદલે દર્દીઓની સેવા માટે પુન:ફરજ પર હાજર થઇને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલના ઘણા કોરોના યોદ્ધાઓ એવા છે, જેમણે દિવસ-રાત જોયા વિના, પોતાના જીવની પરવા કર્યા વિના, કોઇ સામાજિક – ધાર્મિક પ્રસંગમાં પોતાની હાજરી ટાળીને, તહેવાર-ઉત્સવની ઉજવણીનું બલિદાન કરીને ફક્ત દર્દીઓની સેવાને જ પ્રાથમિકતા આપી છે. આ તમામ હેલ્થકેરવર્કર્સે સ્વને ભૂલીને સમષ્ટિની ભાવના અપનાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીનારાયણની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. આ તમામ હેલ્થકેરવર્કર્સનાં બલિદાન અને સેવાભાવને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

તસવીર પ્રતીકાત્મક છે
તસવીર પ્રતીકાત્મક છે

બીજા વેવમાં હેલ્થકર્મી 60% ઓછા સંક્રમિત થયા છે
* હેલ્થકર્મચારીઓમાં, જેમણે વેક્સિન નથી મુકાવી તેઓ સંક્રમિત થઈ રહ્યા છે અને સિરિયસ પણ થયા છે, પરંતુ જેમણે વેક્સિન મુકાવી છે તેઓ કોરોના વખતે ઘરે જ સાજા થયા છે. મતલબ એ છે કે વેક્સિનેશનને કારણે ફાયદો થઇ રહ્યો છે. - ડો.નિર્મલ ચોરારિયા.
* બીજા વેવમાં જે હેલ્થકર્મીઓ સંક્રમિત થયા છે તેમાં માઈલ્ડ લક્ષણો જોવા મળ્યાં તેમજ ઘરે રહીને જ તેઓ સાજા થઈ જાય છે, કેમ કે મેડિકલ પેરામેડિકલ સ્ટાફને વેક્સિનના બે ડોઝ અપાઈ ગયા છે. ઈન્જેક્શનની લાઈન કરતાં વેક્સિનની લાઈનમાં ઊભા રહેવું સારું છે. - ડો.પ્રતીક સાવજ.
* સેકન્ડ વેવ શરૂ થયાનાં 3 અઠવાડિયાં પહેલાં જે હેલ્થકર્મીઓએ રસીના 2 ડોઝ લીધા હતા તેઓ બીજા વેવમાં સંક્રમિત થયા નથી. બીજા વેવમાં મેડિકલ પેરામેડિકલ સ્ટાફના સંક્રમિતોના આંકડા પહેલા વેવની સરખામણીએ 60 ટકાથી પણ ઓછા કહી શકાય છે. - ડો.પારુલ વડગામા.
* કોરોનાના બીજા વેવમાં ડોક્ટર, નર્સ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે, પરંતુ તેમને વધારે અસર થતી નથી અને ઘરે રહીને જ તેઓ સાજા થઈ જાય છે. એનું મુખ્ય કારણ વેક્સિનના બે ડોઝ છે. જેમણે રસી લીધી છે તેમને કોરોના થાય તોપણ ઘરે રહીને જ સાજા થઈ જાય છે. - ડો.સમીર ગામી.