તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બાદ નવું સંકટ:ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા, પણ ટીબીના કેસ વધ્યા, રોજના 70 દર્દી નોંધાય છે, કોરોનાકાળમાં 87 ટકા દર્દીઓ સાજા થયા

અમદાવાદ20 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • રાજ્યના તમામ તાલુકાઓ અને શહેરી વિસ્તારોમાં કુલ 306 ટીબી યુનિટ કાર્યરત છે
  • 2017માં 1.38 લાખ, 2018માં 1.54 લાખ, 2019માં 1.59 લાખ, 2020માં 1.20 લાખ ટીબીના દર્દીઓ નોંધાયા

કોરોનાની બીજી લહેર બાદ રાજ્યમાં હવે ટીબી રોગના કેસોમાં ભારે વધારો થયો છે. રાજ્યમાં ટીબીના દરરોજ 450થી 500 કેસ નોંધાય છે. કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસ આવતા હતા, જે હવે વધીને 2500 કેસ આવે છે. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 5838 લોકોનું ટીબીને કારણે મોત થયાં હતાં. ગત વર્ષે 80650 ટીબીના દર્દીઓની ડ્રગ રેજિસ્ટન્ટ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 2820 દર્દીને ડ્રગ રેજિસ્ટન્ટ એટલે કે ગંભીર પ્રકારના ટીબીના કેસો સામે આવ્યા હતા.

ટીબીની તપાસ માટે લેબોરેટરી શરૂ કરવામાં આવી
ટીબી નિવારણ વિભાગ દ્વારા ટીબીની તપાસ માટે ગુજરાતમાં અત્યાધુનિક સાધનો ધરાવતી લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. ટીબીના નિદાન માટે ગુજરાતમાં 2071 ડેઝિગ્નેટેડ માઈક્રોસ્કોપિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી, 71 સીબીનાટ લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. શહેરી અને ગ્રામ્ય કક્ષાએ 38380 ડોટ સેન્ટરો બનાવવામાં આવ્યાં છે, જ્યારે ગંભીર પ્રકારના ડ્રગ રેજિસ્ટન્ટ ટીબીની સારવાર માટે 5 નોડલ ડીઆર ટીબી સેન્ટર કાર્યરત છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીબી હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીબી હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો.

દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે
રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્રના જોઈન્ટ ડાયરેક્ટર સતીશ મકવાણાએ જણાવ્યું હતું કે ટીબીને કારણે 10થી 15 ટકા દર્દીઓના માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એ દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને એના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

30થી 35 ટકા દર્દીઓ પ્રાઇવેટ સેક્ટરમાં ટ્રીટમેન્ટ લેશે
ટીબીના 30થી 35 ટકા દર્દીઓ પ્રાઇવેટ સેક્ટરમાં ટ્રીટમેન્ટ લેશે. ત્યારે પ્રાઇવેટ સેક્ટરને પણ સરકારના ટીબીમુક્ત અભિયાનમાં જોડવામાં આવ્યું છે. ગુજરાતમાં 1400થી વધારે પ્રાઇવેટ ડોકટરો ટીબીની સારવાર કરે છે. જેમની નોંધણી સરકારના નિક્ષય સૉફ્ટવેરમાં કરવામાં આવી છે. પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા સારવાર કરી રહેલા ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને ક્લિનિકમાં સારવાર કરતા 43372 દર્દીની નોંધણી 2020માં કરવામાં આવી છે.

તમામ મેડિકલ કોલેજોને ટીબીના કાર્યક્રમમાં સાંકળી લેવાઈ ( ફાઈલ ફોટો)
તમામ મેડિકલ કોલેજોને ટીબીના કાર્યક્રમમાં સાંકળી લેવાઈ ( ફાઈલ ફોટો)

ઇન્જેક્શન વગરની સારવાર કારગત સાબિત થઈ
ગુજરાતમાં 2017માં 1.38 લાખ, 2018માં 1.54 લાખ, 2019માં 1.59 લાખ અને 2020માં 1.20 લાખ ટીબીના દર્દીઓ નોંધાયા છે. ગંભીર પ્રકારના ટીબી માટે બેડાક્વિલિન અને ડેલામિનાડ નામની દવાની સારવાર માટે આખા રાજ્યને આવરી લેવામાં આવ્યું છે. ગુજરાતમાં બેડાક્વિલિન નામની નવી દવાની ઇન્જેક્શન વગરની સારવાર શરૂ કરવામાં આવી છે. આ સારવાર ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓ માટે કારગત સાબિત થઈ છે. આ ટૂંકા ગાળાની ઇન્જેક્શન વગરની સારવાર છે.

તમામ મેડિકલ કોલેજોને ટીબીના કાર્યક્રમમાં સાંકળી લેવાઈ
2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાના ભારત સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ડિજિટલ સાધનો અને આધુનિક સારવારની પદ્ધતિ દ્વારા ટીબીનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજોને ટીબીના કાર્યક્રમમાં સાંકળવામાં આવી છે. ન્યૂટ્રિશન સેન્ટરમાં દાખલ તમામ બાળકોનું ટીબીનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટીબીની સારવાર કરતા ખાનગી ક્ષેત્રના 80 ટકા ડોક્ટરોને સરકારના આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા છે.

પ્રાઇવેટ કેમિસ્ટને પણ ટીબી કાર્યક્રમમાં સાંકળવામાં આવ્યા
પ્રાઇવેટ કેમિસ્ટને પણ ટીબી કાર્યક્રમમાં સાંકળવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રના 80થી 90 ટકા ડોક્ટરોને સરકારના ટીબી નિવારણ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા છે. લોકોમાં ટીબીની નિદાન અને સારવાર માટે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને પ્રિવેન્ટની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. MDR જેવી ઝેરી ટીબીની તપાસ માટેની નેશનલ લેબોરેટરી ગુજરાતમાં અમદાવાદમાં છે.