ગુજરાતમાં કોરોના વિસ્ફોટ:ગુજરાતમાં એક સપ્તાહમાં 3.53 લાખ ટેસ્ટ કરાયા જેમાં 8 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા, 45 લોકોનાં મોત નીપજ્યાં

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • કોરોના સંક્રમણને કાબુમાં લેવા કેન્દ્રની 3 ડૉક્ટર્સની ટીમ ગુજરાત આવશે

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં 3.53 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં 8009 લોકો પોઝિટીવ આવ્યાં છે અને 45 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં એક તરફ કોરોના કેસોમાં ઘટાડો થવાનું ચિત્ર ઉપસ્યું હતું અને 5મી નવેમ્બર બાદ કેસનો આંકડો ફરી વાર એક હજાર કરતાં વધુ નોંધાવા માંડ્યો હતો. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં જે ઘટાડો થઇને સરેરાશ 12,000 કેસની આસપાસ રહેતી હતી તેને સ્થાને ગુરુવારે એક્ટિવ કેસોની સંખ્યા 12,677ની થઇ છે. 12 નવેમ્બરે એક્ટિવ કેસ માત્ર 12,221 હતાં. અર્થાત વધુ પ્રમાણમાં નવા નોંધાઇ રહેલાં કેસોને કારણે સારવાર હેઠળ હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

છેલ્લા સપ્તાહમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદ સહિત અનેક ઠેકાણે હોસ્પિટલો દર્દીઓથી ફરી ઊભરાવા લાગી છે. 12 નવેમ્બરે 1,68,958 દર્દીઓ સાજા થયેલાં હતાં જ્યારે આ આંકડો 19 નવેમ્બરે 1 લાખ 76 હજાર 475 પર પહોંચ્યો છે. ગુરુવારે 1,113 નવા દર્દીઓ સાજા થયાં હતાં.આ તરફ ગુરુવારે વધુ સાત દર્દીઓના મોત સાથે ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાં દર્દીઓનો આંકડો 3,830 પર પહોંચ્યો છે. 12 નવેમ્બરે આ આંકડો 3,785 હતો આમ કુલ 45 દર્દીઓએ એક જ સપ્તાહમાં જીવ ગુમાવ્યાં છે. હાલ 87 દર્દીઓની હાલત ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, આ આંકડો પણ છેલ્લાં સપ્તાહમાં 60-65 પરથી વધીને અંદાજે 90ની આસપાસ પહોંચ્યો છે.એક સપ્તાહમાં થયેલાં ટેસ્ટની સંખ્યા જોઇએ તો 3 લાખ 52 હજાર 656 ટેસ્ટ થયાં જે દૈનિક 50 હજાર કરતાં વધુ ટેસ્ટ થયાં હોવાનું સૂચવે છે. અત્યાર સુધીમાં 70,33 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે જ્યારે ગુરુવારે કુલ 54 હજાર જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં હાલ કુલ 4,90 લાખ કરતાં વધુ લોકો ક્વોરન્ટાઇન છે.

કોરોના સંક્રમણને કાબુમાં લેવા કેન્દ્રની 3 ડૉક્ટર્સની ટીમ ગુજરાત આવશે
રાજ્યમાં સંક્રમણને કાબુમાં લેવા માટે કેન્દ્રની આરોગ્ય વિભાગની ત્રણ ડૉક્ટર્સની ટીમ આવશે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જે વિસ્તારમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવશે અને આગળ શું પગલાં ભરવા તેના સૂચનો કરશે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ કે. સિંઘ ગુજરાતની ટીમની આગેવાની કરશે.

ગાંધીનગર સિવિલમાં ઓક્સિજનના અભાવે 17 દર્દીના મોતની આશંકા
દિવાળીના તહેવારની ઉજવણીના ઉન્માદમાં લોકો બેદરકાર બન્યાં. જેના કારણે ગાંધીનગરમાં પણ કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ. જેમાં એક સપ્તાહના આંકડાની વાત કરીએ તો 35 દર્દીઓના મોત નીપજ્યાં છે. બેસતા વર્ષે રાત્રે ગાંધીનગર સિવિલમાં દર્દીઓને ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં નહીં મળતાં ચાલુ સારવારે 17 દર્દીઓના મોત થયાં હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ગાંધીનગર સિવિલમાં 5 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક છે. પરંતુ તે 300 પથારી વાળી હોસ્પિટલ માટે પર્યાપ્ત નહીં હોવાથી સિવિલના તંત્રએ વધુ 15 હજાર લિટરની ઓક્સિજન ટેન્કની માંગણી કરી છે.