• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Government granted Schools, There Will Be A Decrease Of 5141 Classrooms In Standard 11 Against 9635 Classrooms In Standard 10, 4494 Classrooms In Standard 11 In The New Academic Year.

માસ પ્રમોશનની અસર:સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 10ના 9635 વર્ગખંડ સામે ધોરણ 11માં 5141, નવા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 11માં 4494 વર્ગખંડની ઘટ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી ધો.9થી 12ના વર્ગોના આંકડા મગાવ્યા, સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ પ્રવેશની મુશ્કેલી વધશે
  • અત્યારની સ્થિતિએ એક ક્લાસમાં માત્ર 30 વિદ્યાર્થી ગણીએ તો પણ 1.34 લાખ વિદ્યાર્થીઓને અસર થશે

ધોરણ 10માં માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ માટે મુશ્કેલીઓ વધી શકે છે. શિક્ષણ વિભાગે રાજ્યની દરેક સ્કૂલ પાસેથી ધો.9થી 12ના વર્ગખંડોની સંખ્યાની માહિતી મગાવી હતી, જેમાં જાણવા મળ્યું કે, માત્ર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.10ના 9635 વર્ગ ખંડો સામે ધો.11માં 5141 વર્ગખંડો છે. આથી નવા શૈક્ષણિક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ ધો.11ના 4494 વર્ગખંડોની ઘટ ઊભી થશે. એક વર્ગ ખંડમાં 30ની સંખ્યા પણ ગણીએ તો 1.34 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી ઊભી થશે. તજજ્ઞોના મતે ગ્રાન્ટેડ સ્કૂલો સૌથી વધુ શહેરી વિસ્તારમાં હોવાથી પ્રવેશની મુશ્કેલી શહેરી વિસ્તારમાં જ ઊભી થશે.

ધો.10ના માસ પ્રમોશન બાદ સૌથી મોટી સમસ્યા વિદ્યાર્થીઓને ધો.11માં સમાવવાની છે. ખાનગી સ્કૂલો પાસે યોગ્ય સંખ્યામાં ક્લાસરૂમ હોવાનો દાવો બોર્ડના અધિકારીઓ કરે છે, પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વર્ગખંડોની જરૂરિયાત ઊભી થશે. આ માટે શિક્ષણ વિભાગ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં વધુ સમય લાગી શકે છે. નવા વર્ગોની મંજૂરી માટે બોર્ડે જુલાઈ સુધીનો સમય આપ્યો છે. એવું બની શકે છે કે, નવા વર્ગોની મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર કરાય. ગ્રાન્ટેડ સ્કૂલો સૌથી વધુ શહેરી વિસ્તારોમાં હોવાથી મુશ્કેલી શહેરી વિસ્તારમાં થશે.

ખાનગીમાં ધો.10ના 6500 સામે ધો.11માં 6300 વર્ગ
ગુજરાત બોર્ડ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ખાનગી સ્કૂલોમાં ધોરણ 10ના 6500 વર્ગો સામે ધોરણ 11ના 6300 વર્ગો છે. આથી ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં મુશ્કેલી નહિ થાય. શહેરી વિસ્તારમાં ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા વધારે છે. કોઈ વિદ્યાર્થી પ્રવેશ વગર રહેશે નહીં તે અમે નિશ્ચિત કરીશું.

યુવાનોને પ્રવાસી શિક્ષકો તરીકે ઊજળી તક ઊભી થશે
વધુ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રવેશ મેળવવાની સ્થિતિએ દરેક સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી કરવી પડશે. સ્કૂલોમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે. પ્રવાસી શિક્ષકને તાસદીઠ રૂ.90 ચૂકવાય છે, જે 13,500ની મર્યાદામાં હોય છે. માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો પ્રવાસી શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.

શિક્ષકોના વેરિફિકેશનમાં 25% ઉમેદવાર ગેરહાજર
ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરીમાં 25 ટકા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. ભરતી પહેલાં અમદાવાદ ડીઈઓ કચેરી દ્વારા 573, અમદાવાદ ગ્રામ્ય દ્વારા 185 ઉમેદવારના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવાનું હતું.

મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો પર અસર થશે
શિક્ષણ તજજ્ઞોના મતે, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે. આથી જો ગ્રાન્ટેડ અને સરકારી હાઈ સ્કૂલોમાં વર્ગખંડોની ઘટ ઊભી થશે તો તેની સૌથી વધુ અસર આ વર્ગને થશે. ઉપરાંત અંતરિયાળ ગામડાંમાં જ્યાં સરકારી હાઈ સ્કૂલો છે ત્યાં અત્યારથી જ વ્યવસ્થા શરૂ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...