તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Dariapur, Ahmedabad, There Was A Gambling Den In 7 Houses Between CCTV Surveillance, It Was Difficult For A Single Person To Go Here.

હાઈટેક જુગારધામ:અમદાવાદના દરિયાપુરમાંથી ઝડપાયેલા જુગારધામમાંથી 31 વાહનો-11 લાખ રોકડા મળી 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, નોટો ગણવાનું મશીન રાખ્યું હતું

અમદાવાદ20 દિવસ પહેલા
સોમવારે રાત્રે વિજિલન્સની ટીમે રેડ કરી હતી
  • એક મકાનમાં CCTV કંટ્રોલરૂમ અને નોટો ગણવાની કામગીરી કરવામાં આવતી હતી.
  • બે મહિનાથી ચાલતા જુગારધામને જાંબાઝ IPS અધિકારીઓનું નેટવર્ક પણ ન શોધી શક્યું.
  • 183 જુગારીઓ રેડમાં જુગાર રમતા ઝડપાયા જેમાં 179 પુરુષ અને 1 મહિલા સામેલ છે.

રાજયમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે અને જુગારધામ ચલાવતાં લોકો સામે કડક કાર્યવાહી માટે પાસા જેવા કાયદા છતાં અમદાવાદ શહેરમાં બેફામ જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કર્યો છે. રાજ્યમાં સૌથી મોટું જુગારધામ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જિમખાના ક્લબમાંથી સોમવારે મોડી રાતે સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું છે. મોડી રાતથી હજી બપોર સુધી જુગારના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. 183 જુગારીઓ રેડમાં જુગાર રમતા ઝડપાયા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે 9 મકાનમાં ચાલતા જુગારની પ્રવૃત્તિ પર રેડ કરી હતી. જેમાં રૂ.11 લાખ 910 રોકડા, 10.56 લાખની કિંમતના 166 મોબાઈલ ફોન 62.75 લાખની કિંમતના 31 વાહનો, 85 હજારનો અન્ય મુદ્દામાલ મળી કુલ 85 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગોવિંદ ઉર્ફે ગામા પટેલે જણાવ્યું કે, તેઓ 2013થી જુગારની પ્રવૃત્તિ ચલાવે છે. 2013થી અત્યાર સુધીની આ સૌથી મોટી રેડ

જુગારધામનો સંચાલક ગામા પણ પોલીસ પકડમાં
મનપસંદ જીમખાના પર અગાઉ અનેક વખત રેડ પાડવામાં આવી છે. જો કે દરવખતે તેનો સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા નાસી છૂટવામાં સફળ થતો હતો. જોકે આ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુખ્ય સંચાલક ગોવિંદ પટેલને પણ દબોચી લીધો હતો.

જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી
દરિયાપુર વિસ્તારમાં વિજિલન્સના મહિલા આધિકારીએ ખુદ પહોંચીને રેડ કરીને શહેરના સોથી મોટા જુગરધામને પકડી લીધું છે. આ એવી જગ્યાએ છે જ્યાં એકલ દોકલ વ્યક્તિનું જવું મુશ્કેલ હતું. બીજી તરફ જીમખાનાની આડમાં ચાલતા જુગરધામમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર અને શહેરની એક એજન્સીના PIને તેની જાણ હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી છે. જે પીઆઈ તાજેતરમાં એક બુટલેગરની ધરપકડ થયા બાદ ચર્ચામાં હતા. વિજિલન્સની ટીમે રેડ કરી ત્યારે સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ 32 SRP સહિત કુલ 50નો સ્ટાફ ઉભો રાખ્યો હતો. જો કે રાતે જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી.

રાતે જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી
રાતે જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી

પોળમાં તમામ જગ્યાએ CCTV લગાડેલા છે
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પોળમાં તમામ જગ્યાએ CCTV લગાડેલા છે. એક મકાનમાં CCTV કંટ્રોલરૂમ અને નોટો ગણવાની કામગીરી કરવામાં આવતી હતી. પોલીસે નોટો ગણવા માટે બે મશીન અને હજારો કેટના ખોખા મળી આવ્યા હતા. પોલીસને વોકી ટોકી પણ મળી આવ્યા છે. જેના પર વાત કરી અને વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો હતો. દરિયાપુર મોટી વાઘજીપુરા પોળમાં મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટના નામે ક્લબની આડમાં 7 બિલ્ડીંગમાં જુગાર રમવા દરરોજ 300 જેટલા જુગારીઓ આવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ટ્રસ્ટની આડમાં રહી ક્લબમાં જુગાર ચલાવતાં હતા
મનપસંદ ટ્રસ્ટ દ્રારા કોરોના મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. ટ્રસ્ટની આડમાં રહી ક્લબમાં જુગાર ચલાવતાં હતા. તાજેતરમાં જ નિવૃત્ત IPS એ.કે સુરેલીયા જેઓનો સાધુના વેશમાં ફોટો બહાર આવ્યો હતો. જે ફોટોને ફ્રેમમાં બનાવી ટ્રસ્ટની ઓફિસમાં લગાડવામાં આવ્યો હતો. એક નિવૃત્ત IPS અધિકારીનો ફોટો કેમ લગાડવામાં આવ્યો હતો તેના પર મોટો સવાલ ઉભો થયો છે.

સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ 32 SRP સહિત કુલ 50નો સ્ટાફ ઉભો રાખ્યો હતો
સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ 32 SRP સહિત કુલ 50નો સ્ટાફ ઉભો રાખ્યો હતો

તમામની અટકાયત કરાઈ
શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના DySP જ્યોતિબેન પટેલે પોતાની ટીમ સાથે રાખીને દરોડા પાડ્યા હતા. SMCની ટીમે 7થી વધુ બિલ્ડિંગમાં રેડ કરીને અંદાજે 180 જેટલા જુગાર રમતાં શખસોને ઝડપી પાડ્યા હતા. તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિજિલન્સની ટીમને રેડ દરમિયાન 10.99 લાખ રૂપિયા રોકડા મળ્યા છે
વિજિલન્સની ટીમને રેડ દરમિયાન 10.99 લાખ રૂપિયા રોકડા મળ્યા છે

ઓફિસ ભાડે રાખીને જુગાર રમાડાતો હતો
9 મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેડિયમ રોડ પર નવનિધી કોમ્પલેક્ષમાં ઉષા કોર્પોરેશન એન્ડ પટેલ ટ્રેડર્સ શોપ નામની દુકાનમાં જુગારધામ ઝડપ્યું હતું. સેલની ટીમે દુકાનમાં રેડ કરી 9 જુગારીઓની ધરપકડ કરી હતી. આરોપી આહુજા કોમ્પ્લેક્સમાં રોજના રૂ. 2000 લેખે 15 દિવસથી દુકાન ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો.

કેટના ઢગલા બંધ બંડલ પણ મળ્યાં હતાં.
કેટના ઢગલા બંધ બંડલ પણ મળ્યાં હતાં.

પોલીસ કમિશનર ઓફિસથી એક કિમી દૂર જુગારધામ ઝડપાયું હતું
4 મહિના અગાઉ શાહીબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર ઓફિસની પાછળ એક કિલોમીટર દૂર દરિયાખાન ઘુમ્મટ અને જહાંગીર વકીલ મિલની ચાલીમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરલી મટકાના સટ્ટાનું મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતું. દાઉદના જુગારધામ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 18 જુગારીઓ અને દાઉદના માણસોની ધરપકડ કરી હતી. જ્યારે કેટલાક નાસી જવામાં સફળ રહ્યાં હતાં. ત્યારે પોલીસે રોકડ 1.16 લાખ, 14 મોબાઈલ, 4 વાહન સહિત રૂ. 2.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

રેડ પાડનાર Dy.SP જ્યોતિ પટેલ દબાણ સામે ઝૂક્યા નહીં
2013થી બિનધાસ્ત ધમધમતા મનપંસદ જિમખાના નામે જુગારધામ પર રેડ કરનાર સ્ટેટ મોનિટરિંગ સેલનાં ડીવાયએસપી જ્યોતિ પંકજ પટેલે જ્યારે મનપસંદ જીમખાના પર રેડ કરી ત્યારે તેમની પર કાર્યવાહી નહીં કરવા માટે રાજકારણીઓથી માંડીને વિવિધ ક્ષેત્રના માંધાતાઓના ફોન આવ્યા હતા અને તેમને આ કાર્યવાહી નહીં કરવા માટે અસહ્ય દબાણ ઊભંુ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જો કે ડીવાયએસપી જ્યોતિ પટેલે દબાણ સામે નહીં ઝૂકી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

100 CCTVથી જુગાર નગરી પર નજર રખાતી
મનપસંદ જુગારધામ ચલાવનારો મુખ્ય આરોપી ગોવિંદ પટેલ ઉર્ફે ગામા જુગારધામ પર સુપરવિઝન રાખવા માટે અલગથી એક સીસીટીવી રૂમ વીથ વોકીટોકી રાખતો હતો. સીસીટીવી કેમેરાનું એક મોનિટર આરોપી ગોવિંદ પટેલે તેના મકાનમાં રાખ્યુ હતુ. જેથી પોલીસ કે અન્ય એજન્સીની પોળમાં એન્ટ્રી થતાંની સાથે જ તેની પર ચાંપતી નજર રાખી જુગાર રમનારાને તેમજ જુગારની કેશ સંભાળનાર તેમજ પોતે રાખેલા પગારદાર માણસોને એલર્ટ કરી તેઓને ભગાડી શકે. જો કે 100 સીસીટીવીમાંથી કેટલાક કેમેરા બહાર રોડ ઉપર તેમજ પોળના નાકે પણ લગાવવામાં આવ્યા હતા.

આ અધિકારીની સીધી જવાબદારી છે
દરિયાપુર ફર્સ્ટ-સેકન્ડ PIએ કંઈ કર્યું નહીં
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે આર.આઈ.જાડેજા અને સેકન્ડ પીઆઈ તરીકે જે.બી.ચાવડા ફરજ બજાવે છે. જો કે ગોવિંદ ગામાની જુગાર નગરી દરિયાપુર પોલીસ સ્ટેશનથી માંડ 700 થી 800 મીટર દૂર જ ચાલતી હતી. તેમ છતાં દરિયાપુરના બંને પીઆઈએ કોઈ જ કાર્યવાહી કરી ન હતી. આ જુગાર નગરી ચલાવવા માટે દરિયાપુર પોલીસ સ્ટેશનના બંને પીઆઈ પણ જુગાર નગરીના સંચાલકો જેટલા જ જવાબદાર હોવાથી તે બંને સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

F ડિવિઝન ACPની પણ જવાબદારી બને છે
દરિયાપુર પોલીસ સ્ટેશન સંકુલમાં જ એફ ડિવિઝન એસીપીની ઓફિસ છે. એફ ડિવિઝન એસીપી તરીકે જે.કે.ઝાલા છે. જો કે ગોવિંદ ગામાની જુગાર નગરી ચાલતી હોવાની જાણ એસીપીને ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. તેમ છતાં સુપરવિઝન અધિકારી તરીકે એસીપી ઝાલાએ આ જુગાર નગરી બંધ કરાવવા માટે કોઇ જ કાર્યવાહી કરી ન હતી. જેથી દરિયાપુર પીઆઈની જેમ જ એસીપી ઝાલાની પણ આ જુગાર નગરી ચાલુ હોવામાં બરાબર જવાબદારી બની રહી હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે.

ઝોન-4 ડીસીપી તરફ આંગળી ચિંધાય છે
દરિયાપુર પોલીસ સ્ટેશન ઝોન - 4 ડીસીપીના તાબા હેઠળ આવે છે. હાલમાં ઝોન - 4 ડીસીપી તરીકે રાજેશ ગઢીયા ફરજ બજાવે છે. ડીવાયએસપી તરીકે પોલીસ ખાતામાં ભરતી થયેલા રાજેશ ગઢિયા હાલમાં આઈપીએસના પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે. જો કે રાજેશ ગઢિયાને ઝોન - 4 ડીસીપી તરીકે મુકાયા બાદ તેમના તાબા હેઠળના વિસ્તારોમાં દારૂ - જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં પાછી પાની કરવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે.