તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરો ત્રાસ:દાણીલીમડામાં વ્યાજખોરોએ રિક્ષાચાલકનું અપહરણ કરી માર મારી પગ તોડી નાખ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 40 હજારની સામે વ્યાજખોરોને 50 હજાર ચૂકવી દીધા છતાં વધુ 30 હજારની માગણી કરતા હતા
  • વટવામાં એકાંત સ્થળે લઈ જઈને પગ પર લાકડાના ફટકા માર્યા હતા, 4 વ્યક્તિ સામે ફરિયાદ

દાણીલીમડા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકે પૈસાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી ઉછીના પૈસા લીધા હતા. પૈસા ચૂકવી દીધા છતાં વધુ 30 હજારની માગણી કરતા હતા. વ્યાજખોર અને તેના સાગરીતોએ રિક્ષાચાલકનું અપહરણ કરી વટવામાં એકાંત સ્થળે લઈ ગયા હતા. ત્યાં લાકડાના ફટકા મારી બંને પગ ફ્રેકચર કરીને ખેતરમાં ફેંકી નાસી ગયા હતા. રિક્ષાચાલકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસને જાણ કરતા દાણીલીમડા પોલીસે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાણીલીમડામાં મતાદાર ફલેટમાં રહેતા સોહીલભાઈ મેમણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલા સોહીલભાઈને પૈસાની જરૂર હોવાથી તેમણે નવાબની ચાલીમાં રહેતા સોહેબભાઈ પાસેથી રૂ.40 હજાર વ્યાજે લીધા હતા. બાદમાં સોહીલભાઈએ વ્યાજ સાથે રૂ.50 હજાર ચૂકવી પણ આપ્યા હતા. તેમ છતાં સોહેબે બીજા ત્રીસ હજારની માગણી કરી ધાકધમકી આપતો હતો. જેથી સોહિલભાઈએ થોડા દિવસમાં બીજા ત્રીસ હજાર ચૂકવી આપવાની વાત કરી હતી.

બુધવારે સાંજે સોહીલભાઈ રિક્ષા લઈને અંજલી ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સોહેબ તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે રિક્ષા લઈને આવ્યો અને સોહીલભાઈની રિક્ષા ઉભી રખાવીને ‘પૈસા કેમ આપતો નથી’ કહી ધમકી આપવા લાગ્યા હતા. બાદમાં સોહેબના ત્રણ મિત્રો પણ ત્યાં આવીને રિક્ષામાં બેસી ગયા અને છરી બતાવીને વટવા ખાતે આકૃતિ ફલેટ નજીક લઈ ગયા હતા. બાદમાં એક ખેતરમાં લઈ જઈને લાકડાના દંડાથી ઢોર માર મારીને ચાલુ રિક્ષામાંથી આકૃતિ ફલેટ આગળ ફેકી દીધા હતા.

ત્યારબાદ આસપાસના લોકોએ સોહીલભાઈને જોતા 108 માં ફોન કરીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બાદમાં સોહીલભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સોહેબ, તેના મિત્ર ટકન અને તેના અન્ય બે મિત્રોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માર મારીને ચાલકને ખેતરમાં ફેંકીને ફરાર થયા
રિક્ષાચાલક સોહીલભાઈ મેમણની રિક્ષામાં બેસી અન્ય રીક્ષા સાથે લઈ અપહરણ કરીને વટવા એકાંત વિસ્તારમાં લઈ ગયા બાદ ચારે આરોપીઓએ વારાફરતી દંડાથી તેમને પગના ભાગે ફટકા માર્યા હતા. જેથી તેઓ નીચે પડી જતા ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન સોહેબ કહેવા લાગ્યો હતો કે, તેના બંને પગ તૂટી ગયા છે તેને ફેંકી દો જેથી બાકીના લોકો સોહીલભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં ફેંકીને ચાલ્યા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...