દોસ્ત દોસ્ત ના રહા...!:અમદાવાદના દાણીલીમડામાં ઘરેથી પ્રસંગમાં જવાનું કહી નીકળેલા યુવકની તેના જ બે મિત્રોએ હત્યા કરી, દંડા-છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાણીલીમડા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

દાણીલીમડામાં એક યુવકને તેના મિત્રોએ દંડા અને છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘરેથી લગ્ન પ્રસંગમાં જવાનું કહીને નીકળેલા યુવકનો મૃતદેહ ઘરે આવતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે દાણીલીમડા પોલીસે બે વ્યકિતઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

પાંચ સંતાનોનો પિતા લગ્ન-પ્રસંગમાં જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો
ઘટનાની વિગતો મુજબ, દાણીલીમડામાં મુમતાઝબાનુ રફિકભાઈ શેખ તેમના પતિ અને પાંચ સંતાનો સાથે રહે છે. શુક્રવારે મુમતાઝબાનુનો પુત્ર સાહિલ શુક્રવારે રાતના 9 વાગે તેના મિત્ર આરિફના ઘરે પ્રસંગ હોવાથી ત્યાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન વહેલી પરોઢે તેમના બીજા દીકરા સલમાન પર ફોન આવ્યો હતો જેમાં કોઈએ કહ્યું હતું કે તારા ભાઈ સાહિલને છરી તથા દંડાથી માર મારવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

લોહીથી લથપથ શરીર જોઈને પરિવારજનો ડઘાયા
​​​​​​​
આ સાંભળી સલમાને પરિવારને જગાડી વાત કરતા સૌ ઘટના સ્થળે પહોચ્યા અને જોયું તો સાહિલ બેભાન હાલતમાં પડયો હતો અને શરીર લોહીલુહાણ હતું. ભેગા થયેલા લોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સાહિલને તેના મિત્ર અનસ પઠાણ અને મોંહમદ અયાન ઉર્ફે પાંડાએ દંડા અને છરી વડે ફટકાર્યો હતો ત્યારબાદ તેઓ નાસી ગયા હતા.

હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો
​​​​​​​
બીજી તરફ સાહિલને લઈને તેનો પરિવાર હોસ્પિટલ પહોચ્યો હતો જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે મુમતાઝબાનુ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અનસ પઠાણ અને અયાન ઉર્ફે પાંડા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...