નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 9 જૂન, જેઠ સુદ-નોમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
2) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો 2022નું ઉદ્ધાટન કરશે
3) ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારી સહિતની વિવિધ સમિતિની આજે ચૂંટણી
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અલકાયદાની ધમકી બાદ જગન્નાથ રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં, સઘન ચેકિંગ અને બંદોબસ્ત રાખવા આદેશ
આગામી 1 જુલાઈએ અમદાવાદ શહેરમાં જગન્નાથ રથયાત્રા છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આતંકવાદી સંગઠને ધમકી આપતા ગુજરાત પોલીસ એલર્ટ બની છે. અલકાયદાના આતંકી હુમલાના મેસેજ બાદ રાજ્યભરમાં એલર્ટ અપાયું છે. તેમજ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને બંદોબસ્ત રાખવા આદેશ આપ્યા છે.
2) ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ:રેવ પાર્ટીમાં એક ડોઝ ડ્રગ્સ માટે યુવતીઓ કોઈપણ સાથે સુઈ જતી, સૌરાષ્ટ્રની મહિલા મામલતદાર પણ ડ્રગ્સ મગાવતી
ગુજરાત ATSએ ઓન લાઇન ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ ગુજરાતનાં ખૂણે ખૂણે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે. ઓનલાઇન ડ્રગ્સ મગાવનારાઓમાં ગુજરાતની એક મહિલા મામલતદાર પણ સામેલ છે. આ મહિલા મામલતદાર એક રેવ પાર્ટીમાં પણ જોડાઈ હતી. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયેલી પાર્ટીમાં ડ્રગ્સ માટે અનેક યુવતીઓએ કોઈની સાથે પણ સેક્સ કરવા પણ તૈયાર થતી હતી. જ્યારે એક પાર્ટીમાં અનેક અજાણ્યા લોકો આ યુવતીઓનો ઉપયોગ કરતા હતા.
3) યુવરાજસિંહના સ્ફોટક ખુલાસા:2018 બાદ 6 પરીક્ષાનાં પેપર ફૂટ્યાં, ગૌણ સેવાની 8 ઉમેદવારોની નિયુક્તિ પર રોક, હાર્દિક પટેલે ભરી હતી OMR શીટ
યુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલ ગેરીરીતિ મામલે ખુલાસા કરી ચૂક્યા છે, ત્યારે હવે 2018 બાદ લેવામાં આવેલી 6 જેટલી પરીક્ષામાં પણ થયેલ ગેરીરીતિ મામલે યુવરાજસિંહ ઘટસ્ફોટ કર્યા છે. યુવરાજસિંહે કેટલાક લોકોને નામ સાથે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે હેડ ક્લાર્કની પરીક્ષામાં જે પ્રકારે પ્રાંતિજમાં ઉમેદવારોને ભેગા કરીને પેપર આપવામાં આવ્યા હતા તે પ્રકારે અન્ય પરીક્ષામાં પણ પેપર આપવામાં આવ્યા હતા.
4) ભરતીનો માર્ગ મોકળો થયો!:PSI ભરતીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ સાથે થયેલી પિટિશન ફગાવાઈ, હાઇકોર્ટે સરકારની પ્રક્રિયા યોગ્ય ગણાવી
PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ માટે થયેલી પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે. પ્રિલિમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે ગણાવ્યું છે. જેથી સરકારના નિર્ણયને કોર્ટ બહાલી આપી છે.
5) રેપો રેટ 0.50% વધીને 4.90% થયો, 20 વર્ષ માટેની 10 લાખની હોમ લોન પર લગભગ 300 રૂપિયા EMI વધશે
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેટમાં વધારો કર્યો છે. એને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો છે, એટલે કે તમારી લોન મોંઘી થશે અને તમારે વધુ EMI ચૂકવવો પડશે. વ્યાજદર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરમાં વધારાના નિર્ણયની માહિતી આપી છે.
6) ઈરાનમાં એક સાથે 12 લોકોને ફાંસી, ડ્રગ્સ હેરાફેરી અને હત્યાને લગતા કેસોમાં ફાંસીએ લટકાવી દીધા; તમામ લોકો સુન્ની મુસ્લિમ સમુદાયમાંથી,હૃુમન રાઈટ્સનો ભારે વિરોધ
ઈરાનમાં એક દિવસમાં 12 કેદીને ફાંસી આપી દેવામાં આવી છે. ઈરાને જે 12 કેદીને ફાંસી ઉપર લટકાવી દીધા છે તેમાં 11 પુરુષો અને 1 મહિલા કેદીનો સમાવેશ થાય છે. આ તમામ લોકો બલુચિસ્તાનના રહેવાસી હતા અને સુન્ની મુસ્લિમ સમુદાયમાં સાથે સંકળાયેલા હતા. આ તમામ ઉપર ડ્રગ્સ અને માદક પદાર્થોની હેરાફરી કરવાનો કે હત્યા કરવાનો આરોપ લાગેલો હતો. બીજી બાજુ ઈરાનમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ફાંસી આપવામાં આવી રહી છે ત્યારે માનવ અધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે અને તેનો ભારે વિરોધ કર્યો છે.
7) પંજાબ પોલીસે ગેંગસ્ટર બરાડ સામે ફરી રેડ કોર્નર નોટિસની માગ કરી, કહ્યું- CBI અગાઉ માની હોત તો હત્યા ન થઈ હોત
જો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબ પોલીસની ભલામણ સ્વીકારી હોત તો પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા જીવિત હોત. કેનેડાનો ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના ષડયંત્રને અંજામ આપી શક્યો ન હોત. આ દાવો પંજાબ પોલીસે કર્યો છે. 19 મેના રોજ પંજાબ પોલીસે CBIને બે જૂના કેસમાં ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવાની માંગ કરી હતી. જો આ નોટિસ આપવામાં આવી હોત તો પંજાબ પોલીસ પહેલા એક્શનમાં આવી હોત. સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. પંજાબ પોલીસે ફરીથી રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનું કહ્યું છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ચૂંટણીની રણનીતિ:ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સિવાયનું ‘આપ’નું માળખું વિખેરાયું, નવા માળખાની જાહેરાત ટુંક સમયમાં થશે
2) હડતાળની ચીમકી:જામનગરની જીજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ પર હુમલાનો મામલો, પોલીસે હળવી કલમો લગાવી હોવાનો આક્ષેપ
3) મોંઘવારીનો વધુ એક માર: રિક્ષા ચાલકોને ભાડું વધારવા રાજ્ય સરકારની મંજૂરી, મિનિમમ ભાડું વધીને રૂ.20 થશે
4) લોકમેળાની તૈયારી શરુ:રાજકોટ કલેકટરે બેઠક યોજી, જન્માષ્ટમી દરમિયાન સંભવિત તા.17થી 21 ઓગસ્ટ સુધી મેળો યોજાશે
5) નેધરલેન્ડના સાંસદે નૂપુર શર્માના પક્ષમાં ટ્વીટ કર્યું, ગુજરાતના પૂર્વ અધિકારીથી લઈને તારિક ફતહ સુધીના લોકો આવ્યા સમર્થનમાં
6) ગેમ માટે માની હત્યા,મર્ડર કર્યા પછી પુત્રએ ઈંડા કરીની પાર્ટી કરી, મૃતદેહની દુર્ગંધને છુપાવવા રૂમ-ફ્રેશનર છાટ્યું
7) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:અસિત મોદીએ કહ્યું, દિશા વાકાણી સિરિયલમાં જોવા મળશે નહીં, ટૂંક સમયમાં જ નવાં દયાબેન આવશે
8) મિતાલી રાજે નિવૃત્તિ લીધી:ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરે તમામ ફોર્મેટને અલવિદા કહ્યું, વર્લ્ડ કપમાં અંતિમ મેચ રમી હતી
આજનો ઈતિહાસ
વર્ષ 1964માં આજના દિવસે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન બન્યા હતા
અને આજનો સુવિચાર
માનવી જેટલો કર્મ અને સત્ય પર ભાર મૂકશે, તેને આશાથી હંમેશા વધારે જ મળશે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.