કાર્યવાહી:બાપુનગરમાં યુવકનું અપહરણ કરનારા 2 વૃદ્ધ સહિત 3 પકડાયા, પરિવારની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી પાઠ ભણાવવો હતો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાંચે ઔડાના બંધ મકાનમાં રેડ કરી યુવકને છોડાવ્યો

બાપુનગરમાં રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં ચારથી વધુ લોકોએ બાપુનગર ડી માર્ટ પાસેથી યુવકનું અપહરણ કરી માર મારી એક બંધ મકાનમાં ગોંધી રાખ્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચે જાણ થતાં ગણતરીના કલાકોમાં યુવકને છોડાવી અપહરણકર્તા પૈકી યુવતીના પિતા અને તેમના જમાઈ મળી કુલ 3ની ધરપકડ કરી હતી.

બાપુનગરમાં રહેતા વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ દંતાણીની દીકરીને રાહુલ પરમાર (ઉં.23 રહે.પંજાબી સોસાયટી, મેઘાણીનગર) સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ વિનુભાઈને થતા સાથીદારો સાથે મળીને 1 ઓકટોબરે રાહુલનું બાપુનગર ડી-માર્ટ પાસે ટવેરા કારમાં અપહરણ કર્યું હતું. રાહુલનું અપહરણ થયું હોવાની વાત ફેલાતા ક્રાઈમ બ્રાંચ સક્રિય બની હતી અને પીઆઈ વાય જી ગુર્જર તથા સ્કોડના માણસોએ વિજયમીલના નેળીયામાં ઔડાના બંધ મકાનમાંથી અપહૃત રાહુલ પરમારને છોડાવ્યો હતો.

આ અંગે રાહુલની ફરિયાદ આધારે બાપુનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેના પગલે ક્રાઈમ બ્રાંચે અપહરણકર્તા પૈકી મુખ્ય આરોપી વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ દંતાણી (ઉ.74 રહે બાપુનગર), મોટા જમાઈ રમણભાઈ તમાયચે (ઉં.65 રહે. કુબેરનગર) અને પ્રિતેશ દાતણીયા (ઉં.45 રહે. ઔડાના મકાનમાં અનિલસ્ટાર્ચ રોડ શહેરકોટડા)ની ધરપકડ કરી હતી.

યુવકને વધુ સારવાર માટે સિવિલ ખસેડાયો
પોલીસે જયારે ઔડાના બંધ મકાનમાં રેડ પાડી ત્યારે અપહૃત યુવક રાહુલ પરમાર બંને હાથ તથા પગે રસ્સી બાંધેલી હાલતમાં તેમજ મોંઢાના ભાગે તથા શરીરે માર મારેલી હાલતમાં હતો. પોલીસે તેને પ્રથમ વી.એસ. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.

અન્ય સમાચારો પણ છે...