ગરમીથી લોકો ત્રાહિમામ્:એપ્રિલમાં 18 હજાર લોકો બીમાર પડ્યા, 25 ટકા એકલા અમદાવાદમાં

અમદાવાદ21 દિવસ પહેલા
  • સૌથી વધુ કેસ ઝાડા-ઊલટીના, હીટ સ્ટ્રોકના કેસ 49
  • પશુ-પ્રાણીઓમાં એપ્રિલ કરતાં માર્ચમાં ઇમર્જન્સી કોલ વધારે રહ્યા

આખા ભારતમાં ગરમથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ગુજરાતમાં પણ સામાન્ય જીનજીવન પર ગરમીની અસર થઈ છે. ક્લાઇમેન્ટ ચેન્જને પગલે સરેરાશ ગરમી વધતાં લોકોના આરોગ્ય પર પણ અસર થઇ રહી છે. હાલમાં પૂરા થયેલા એપ્રિલ મહિનામાં પારો છેક 44 ડીગ્રી સુધી અડીને આવ્યો હતો. એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ ખરાબ હતી. અપ્રિલમાં રાજ્યમાં અંદાજે 18 હજાર લોકો ગરમી સંબંધિત બીમારીનો શિકાર બન્યા હતા, જેમાંથી 25 ટકાથી વધુ 4858 લોકો એકલા અમદાવાદમાં હતા.

એપ્રિલમાં ઇમર્જન્સી 32% વધી
આ અંગેની વિગત એવી છે કે આકારા તાપને પગલે રાજ્યમાં બીમાર પડતા નાગરિકોની સંખ્યા પણ વધી ગઈ છે, જેના આંકડા તપાસતાં સામે આવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં કુલ 14331 લોકો બીમાર પડ્યા હતા, જયારે માર્ચમાં આ આંકડો 17782એ પહોંચ્યો હતો. એપ્રિલમાં એમાં 32 ટકાનો વધારો થયો હતો, એટલે કે 18326 લોકો ગરમીથી થતી બીમારીઓમાં સપડાયા હતા. એવરેજ જોઈએ તો ફેબ્રુઆરીમાં દિવસના 512 કેસ આવતા હતા, જે એપ્રિલમાં 679એ પહોંચી ગયા હતા.

શેના કેસ સૌથી વધુ આવ્યા?
આ બધામાં લોકોને ચક્કર આવવાના કેસ સૌથી વધુ હતા. એમાંય ઝાડા-ઊલટીના કેસો નોંધપાત્ર રહ્યા હતા, જ્યારે હીટ સ્ટ્રોકના કેસ સૌથી ઓછા રહ્યા હતા, પરંતુ માર્ચના 10 કેસની સરખામણીએ એપ્રિલમાં હીટ સ્ટ્રોકના કેસ વધીને 49એ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ગરમીએ છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.

પ્રાણીઓમાં એપ્રિલ કરતાં માર્ચમાં ઇમર્જન્સી કોલ વધુ
દિવ્યભાસ્કરે જ્યારે આ અંગે ડેટા તપાસ્યા ત્યારે બે આશ્ચર્યજનક વાતો સામે આવી હતી. જેમાં માણસો કરતાં પ્રાણીઓ પર ગરમીની અસર ઓછી જોવા મળી હતી. બીજું, એપ્રિલની ગરમી કરતાં વધુ ઈમર્જન્સી કોલ માર્ચ મહિનામાં આવ્યા હતા. એનિમલ હેલ્પલાઇન 1962 પાસે માર્ચમાં 22,539 અને એપ્રિલમાં 16,845 પશુ-પક્ષીઓના કેસ આવ્યા હતા, જ્યારે ફાયરબ્રિગેડ પાસે માર્ચમાં 407 તથા એપ્રિલમાં 256 જ કેસ આવ્યા હતા. જોકે તમામમાં ડિહાઈડ્રેશનના કેસ ઘણા ઓછા હતા.

20 ટકાને દાખલ પણ કરવા પડે છે
આ અંગે જુહાપુરાની નૌશીન હોસ્પિટલના ડો. મોહમ્મદ શફી શેખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગરમીને કારણે હાલમાં ઝાડા-ઊલટી, સન સ્ટ્રોક, ડિહાઇડ્રેશન ઉપરાંત યુરિન સાથે જોડાયેલા રોગના દર્દીઓ વધી ગયા છે. ગરમીમાં શરીરમાં ડિહાઇડ્રેશન થવાને કારણે પાણી ઓછું થતાં પથરી જામવા લાગે છે. એને કારણે પથરીના પણ દર્દીઓ આવે છે. આ બધામાંથી 70 ટકા કેસ સન સ્ટ્રોક કે હીટ સ્ટ્રોકના જ આવે છે.અને આ દર્દીઓમાંથી ગંભીર હાલત હોવાને લીધે 20 ટકાને દાખલ પણ કરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...