અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યના પોલીસવડાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડી દારૂ-જુગારના અડ્ડા પકડવામાં આવે છે. વિજિલન્સની સતત વધતી ભીંસને કારણે હવે બૂટલેગરો અવનવા કીમિયાઓ અજમાવી રહ્યા છે. આવો જ એક કીમિયો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં વિજિલન્સની ટીમે નાકામ કર્યો છે. પોતાના હાથમાં પાવડા અને ત્રિકમ લઈને પહોંચેલી વિજિલન્સની ટીમ ખાડા ખોદતા ગયા અને દારૂની બોટલો નીકળતી ગઈ....
બંકરમાંથી એકાદ-બે, નહીં પણ આખી વાઈનશોપ મળી આવી હતી. આટલો દારૂનો જથ્થો તો કદાચ તમે બારમાં પણ નહીં જોયો હોય. આ મામલે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી અને સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
અગાઉ કોઈપણ જગ્યાએ દારૂ મળ્યો નહોતો
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં દારૂ હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અર્બનનગર પાસે દારૂ હોવાની બાતમીના આધારે પોલીસ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી. વિજિલન્સની ટીમ અલગ અલગ જગ્યાએ દારૂ શોધી રહી હતી, પણ ક્યાંય કોઈ કડી મળતી નહોતી. ત્યારે એક વ્યક્તિએ વિજિલન્સને જણાવ્યું કે અર્બનનગરનાં બે- ત્રણ ઘરમાં દારૂ સંતાડ્યો હોવાની પાક્કી માહિતી છે અને પછી પોલીસ એ ઘરમાં ઘૂસી હતી.
પોલીસને શંકા ગઈ અને ખોદકામ શરૂ કર્યું.......
પોલીસ જ્યારે ઘરમાં ઘૂસી ત્યારે ઘરમાં કશું દેખાતું નહોતું. પછી નજીકમાં એક જગ્યા જોઈને પોલીસને શંકા ગઈ હતી. ત્યાર બાદ થોડીવારમાં પોલીસના હાથમાં પાવડા આવી ગયા અને ધીમે ધીમે એ જગ્યા પર ખોદકામ શરૂ થયું. પોલીસે જેમ જેમ ખોદવાનું શરૂ કર્યું એમ એમાં એક બાકોરું જોવા મળ્યું. એની અંદરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નીકળતી ગઈ હતી. એ બોટલોને પ્લાસ્ટિકની થેલીની અંદર પેક કરીને બંકરમાં દાટવામાં આવી હતી. જ્યારે બીજી જગ્યાએ માટીની નીચે દારૂ દબાવવામાં આવ્યો હતો.
બે જણાની ધકપકડ કરી, જ્યારે 7ને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે કલાકો સુધી ખોદકામ ચાલુ રાખ્યું અને દારૂ કાઢવાનું પણ ચાલુ રાખ્યું હતું, જેમાંથી આશરે 3 હજારથી વધુની દારૂની બોટલો બહાર આવી હતી. ત્યારે પોલીસે ત્યાંથી બે વ્યક્તિની ધરપકડ કરે હતી, જ્યારે આ ગુનામાં સાત લોકોની વોન્ટેડ જાહેર કર્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.