અસામાજિક તત્વોનો આતંક:અમદાવાદના અમરાઇવાડીમાં 4 પીધેલાએ 12 વાહનમાં તોડફોડ કરી, ટોકનારી 2 મહિલાને ફટકારી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમરાઈવાડીમાં શનિવારે રાતે નશામાં ચાર શખસોએ ધમાલ મચાવી
  • ઈજાગ્રસ્ત​​​​​​​ મહિલાએ ઉત્પાત મચાવનારા ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

અમરાઈવાડીમાં શનિવારની રાતે ચાર વ્યકિતઓએ દારૂ પીધેલી હાલતમાં રામદેવનગરની સામે પડેલા બાર જેટલા વાહનો તથા એક નાસ્તાની લારીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ સમયે બે મહિલાઓએ નુકસાન નહીં કરવા સમજાવવા જતા દારૂડીયાઓએ તેમના પર પણ પાઈપથી હુમલો કરતા એક મહિલાને ઈજા થઈ હતી. આ અંગે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચાર વ્યકિતઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બાપુનગરના રામદેવનગરમાં રહેતા વિધવા મહિલા નીતાબેન મુરજાની ગત શનિવારે રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે તેમની નણંદ મીરાબેન સાથે તેમની ચાલીના નાકે બાકડા પર બેઠા હતા. આ વખતે યોગેન્દ્રસિંહ ઉર્ફે હની રાજપૂત, તેનો મિત્ર રાજ કરણસિંહ રાજપૂત, દિપક પીન્ટુભાઈ મરાઠી અને સોનું ઉર્ફે શુટર વગેરે દારૂ પીધેલી હાલતમાં રામદેવનગરની આગળ જાહેર રોડ પર પડેલા લોડિંગ રીક્ષાઓ અને વાહનો પર લોખંડની પાઈપના ફટકા મારી નુકસાન કરતા હતા.

આ જોઈને નીતાબેન તથા તેમના નણંદ મીરાબેને તેમને આમ ન કરવા કહેવા જતા આ તમામે તેમને ગાળો આપી હતી. દરમિયાન રાજ રાજપૂતે તેના બંને મહિલાને માર માર્યો હતો. આ અંગે નીતાબેને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ
દારૂ પીધેલી હાલતમાં આવેલા ચાર વ્યકિતઓએ લોખંડની પાઈપોથી રામદેનગરની પાસે રોડ પર પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવતા 12 જેટલા વાહનોને નુકસાન પહોચ્યું હતું. બીજી બાજુ સ્થાનિક લોકોમાં આ કૃત્યથી ભયનો માહોલ સર્જાયો હતો. આ મામલે આરોપીઓને સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...