અમદાવાદના યુવકે ધંધો કરવા તથા પૈસાની જરૂર હોવાથી સગા મોટા ભાઈ, સાળા, સાઢું, મિત્રો અને સગા સંબંધી જોડેથી વ્યાજે 29.90 લાખ ઉછીના લીધા હતા. જેની સામે તેણે વ્યાજ સાથે 65.18 લાખ ચૂકવ્યા, છતાં સગા સંબંધીઓ વ્યાજખોરોની જેમ વધુ પૈસાની માંગણી કરતા યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવકે મુળ રકમની સામે ડબલ રકમ ચૂકવી
આ અંગેની મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા મહેશ રબારી નામના 28 વર્ષીય યુવકે ઇલેક્ટ્રિકના ધંધા માટે પોતાના સાળા હિતેશ રબારી પાસેથી 11 લાખ ઉછીના લીધા હતા. જેની સામે વ્યાજ સાથે 20 લાખ ચૂકવ્યા હતા. બીજા સાળા જીગ્નેશ પાસેથી 2 લાખ લીધા બાદ 6 લાખ ચૂકવ્યા હતા. આ ઉપરાંત સાઢું પાસેથી 5 લાખની સામે 9.78 લાખ ચૂકવ્યા હતા. સગા મોટા ભાઈ રાજુ દેસાઈ પાસેથી 6 લાખની સામે 7.50 લાખ ચૂકવ્યા હતા. મિત્ર પરેશભાઈને 2 લાખની સામે 9 લાખ ચૂકવ્યા હતા. સંબંધી રાજનને 1.5 લાખની સામે 3.53 લાખ ચૂકવ્યા હતા. હિતેશને 2 લાખની સામે 8.44 લાખ ચૂકવ્યા હતા. ભાવેશને 40 હજારની સામે 93,500 ચૂકવ્યા હતા.
આખરે ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી
આમ સગા સંબંધી પાસેથી કુલ 29,90,000 રૂપિયા લઈને વ્યાજ સાથે 65,18,500 રૂપિયા ચૂકવ્યા હતા. છતાં સગા સબધીઓ જ મહેશને વ્યાજ અને મૂડી માટે હેરાન પરેશાન કરતા તથા મારવાની ધમકી આપતા હતા. જેથી કંટાળી જઈને મહેશે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સગા મોટા ભાઈ, સાળા, સાઢું, મિત્રો તથા સંબંધીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.