પબજીની લત ભારે પડી:અમદાવાદમાં પબજી ગેમના રવાડે ચઢેલી સગીરા ઘરેથી ભાગી જવાની ધમકીઓ આપતી, લત છોડાવવા માતા-પિતાએ ભણાવવાનું બંધ કરાવ્યું

અમદાવાદ18 દિવસ પહેલા
  • સગીરા પાસેથી મોબાઇલ છીનવી લેતાં તે મિત્રોનો મોબાઇલ લાવીને પણ પબજી ગેમ રમતી
  • ઘરમાં પરિવારના સભ્યો સાથે ઝઘડા કરીને જોર જોરથી બૂમો પાડે છે

હાલના સમયમાં મોબાઇલમાં ગેમ રમવાની આદત માતા-પિતા માટે મોટી આફત બની ગઈ છે. અમદાવાદમાં મોબાઈલ ગેમની લત લાગી જતાં સગીરા ઘર છોડીને ભાગી જતી હતી. ઘરના સભ્યોએ સગીરા પાસેથી મોબાઈલ લઈ લેતાં તેણે મિત્રો પાસેથી મોબાઈલ મગાવીને ગેમ રમવાનું શરૂ કર્યું હતું. આવી હરકતોથી સગીરાનું ભણવાનું પણ બંધ થઈ ગયું હતું, જેને કારણે સગીરાની માતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને મોબાઈલનો ઉપયોગ નહીં કરવાની સમજ આપી હતી. માતા-પિતાને પણ સગીરાનું ફરી સ્કૂલમાં એડમિશન કરાવી ભણતર ચાલુ કરાવવા જણાવ્યું હતું.

સગીરા વારંવાર ખોટું બોલી ઘરમાંથી જતી રહે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમ 181ની ટીમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારી દીકરી પબજી ગેમના રવાડે ચડી ગઈ છે. ઘરના તમામ સભ્યો સાથે ઝઘડા કરે છે અને ઘરેથી ભાગી જવાની ધમકી આપે છે, જેથી અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં સગીરાનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની 16 વર્ષીય દીકરી અવારનવાર ઘરેથી ખોટુ બોલી નીકળી જાય છે.

મોબાઈલ છીનવી લેતાં સગીરા ગુસ્સે ભરાઈને ઘરમાં ઝઘડા કર્યા કરે છે ( પ્રતીકાત્મક તસવીર)
મોબાઈલ છીનવી લેતાં સગીરા ગુસ્સે ભરાઈને ઘરમાં ઝઘડા કર્યા કરે છે ( પ્રતીકાત્મક તસવીર)

જોર જોરથી બૂમો પાડીને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરે છે
તેનાં માતા-પિતા તેને સમજાવે તો ઘરમાં જોર જોરથી બૂમો પાડીને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરે છે. તેની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો તે ઘરેથી ભાગી જવાની ધમકી આપે છે. કોઈપણ રીતે તેના મિત્રનો મોબાઈલ લઈ આવે છે અને પબજી ગેમ રમવા લાગે છે. તેના મિત્રો સાથે ફર્યા કરે છે. એટલુ જ નહીં, તેને મોબાઈલમાં પબજી ગેમ રમવાની લત લાગી ગઈ હોવાથી આખો દિવસ પબજી ગેમ રમ્યા કરે છે.

પબજી ગેમની લત છોડાવવા માતા-પિતાએ ભણાવવાનું બંધ કરાવ્યું ( પ્રતીકાત્મક તસવીર).
પબજી ગેમની લત છોડાવવા માતા-પિતાએ ભણાવવાનું બંધ કરાવ્યું ( પ્રતીકાત્મક તસવીર).

હેલ્પલાઇનની ટીમે 16 વર્ષીય સગીરાનું કાઉન્સેલિંગ કર્યું
સગીરાની આવી હરકતોને કારણે સગીરાનાં માતા-પિતાએ તેને ભણાવવાનું બંધ કરાવી દીધું હતું. તેને સમજાવવા છતાં ન માનતાં પબજીની આદત છૂટતી ન હોવાથી મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માગી હતી. હેલ્પલાઇનની ટીમે 16 વર્ષીય સગીરાનું કાઉન્સેલિંગ કરીને મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવાનું સમજાવ્યું હતું. માતા-પિતાને તેમની સગીર દીકરીને ભણવા માટે પરત સ્કૂલમાં એડમિશન લેવા માટે જણાવી તેને ગેમની આદતમાંથી છોડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...