ફરાર:અમદાવાદમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી સાધુના વેશમાં આવેલા બે રૂ.17 લાખ લઈ ફરાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઈસનપુરની ઘટના, ગઠિયાઓએ વિધિ કરી પૈસા ડબલ કરી આપવાનું કહી છેતર્યા
  • વેપારીએ પૈસાની થેલી આપતા ગઠિયાઓએ આંખ બંધ કરી ધ્યાન ધરવાનું કહ્યું હતું

ઈસનપુર વિસ્તારમાં સાધુના વેશમાં આવેલા બે ગઠિયા વેપારીને પૈસા ડબલ કરવાની લાલચ આપી 17.50 લાખ લઈને ફરાર થઈ ગયા હતા. સાધુના વેશમાં આવેલા ગઠિયાઓએ વેપારીને વિશ્વાસમાં લઈ અમે વિધિ કરીને પૈસા ડબલ કરી આપીશું તેમ જણાવ્યું હતું. વેપારી પાસેથી રૂ.17.50 લાખ ભરેલી થેલી લઈ થોડીવાર માટે આંખ બંધ કરીને ધ્યાન ધરવાનું કહીને સાધુના વેશમાં આવેલા બે ગઠિયા થેલી લઈ ફરાર થઈ જતાં વેપારીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરાઈવાડીમાં રહેતા સુરેશભાઈ બપોરે દુકાનમાં હતા ત્યારે સાધુ વેશમાં બે ગઠિયા તેમની પાસે આવ્યા હતા. જેમાંથી એકે વેપારીને કહ્યું કે, મારા ગુરુ તમારી દુકાનમાં પગલાં પાડવા આવ્યા છે, જેથી વેપારીએ તેમને દુકાનમાં બેસાડી ચા-પાણી કરાવ્યા હતા. બાદમાં આ બાવાએ સુરેશભાઈને રૂદ્રાક્ષ આપ્યો હતો અને મુઠ્ઠીમાં બંધ કરીને સૂંઘવાનું કહ્યું હતું. એટલું જ નહીં તમારા પાસે જે પૈસા હોય તે મને આપો હું તેને ડબલ કરી નાખીશ તેમ જણાવ્યું હતું. જેથી વેપારીએ બે ગઠિયા પર વિશ્વાસ કરીને દુકાનમાં મુકેલા રૂ.17.50 લાખ ભરેલી થેલી ગઠિયાને આપી હતી. બાદમાં વેપારીએ સુરેશભાઈને વિધિ કરું છું , આંખ બંધ કરી દો તેમ કહીને આંખો બંધ કરાવી હતી. જો કે તે સમયે બંને ગઠિયા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

વેપારીએ આંખ ખોલી ત્યારે સાધુના વેશમાં આવેલા બંને ગઠિયા પૈસા ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા હતા.વેપારીને પૈસા ડબલ કરી આપવાનું કહીને વિશ્વાસઘાત અને પોતે છેતરાયા હોવાનું જણાતા તેમણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મંત્ર બોલી 3 મિનિટ સુધી આંખ ન ખોલવા કહ્યું હતું
સાધુના વેશમાં આવેલા બંને ગઠિયાએ વેપારીને પૈસા ડબલ કરવા માટે આંખો બંધ કરાવી પહેલા મંત્ર બોલવાનું ચાલુ કર્યુ હતું. બાદમાં ત્રણ મિનિટ સુધી આંખો ન ખોલવી તેમ જણાવીને આંખો બંધ કરાવી હતી. જો કે ચોથી મિનિટે વેપારીએ આંખ ખોલી તો પૈસા લઈ ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...