AMCએ પ્રજાને મૂર્ખ બનાવી:અમદાવાદમાં 48 કલાકથી બે ગરનાળા વરસાદના પાણીથી ભરાયેલા છે, કાળીગામ ગરનાળામાં મુકેલો કોર્પોરેશનનો પંપ બંધ

અમદાવાદ3 મહિનો પહેલા
પાણીથી ભરાયેલા ગરનાળામાં ગંદકીનું સામ્રાજ્ય
  • હેવી વોટર પંપ મૂકીને પાણીના નિકાલના કામગીરી કરી હોવાની પોલ ખુલી

અમદાવાદ શહેર વરસાદમાં જળબંબાકાર થઇ ગયું હતું. મ્યુનિસિપલ તંત્ર દ્વારા મંગળવારે મોડી સાંજ સુધીમાં શહેરમાંથી પાણી ઓસરી ગયા હોવાનો અને ક્યાંય પણ પાણી નહીં ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે 48 કલાક બાદ પણ શહેરના ગરનાળા પાણીથી ભરાયેલા જોવા મળ્યાં છે. તે ઉપરાંત ગંદકી પણ જોવા મળી છે. દિવ્યભાસ્કરે વરસાદ બાદ શહેરમાં આવેલા ગરનાળા અને ગંદકીનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. રાણીપ વિસ્તારમાં આવેલું કાળીગામ ગરનાળુ આખું ગટરના પાણીથી ભરેલું જોવા મળ્યું હતું. કચરા અને વરસાદી પાણી ભરાયેલું આ ગરનાળામાં ત્રણ દિવસથી પાણીનો કોઈ નિકાલ થયો નથી. શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે.

GST અંડરબ્રિજ પણ આજે પણ પાણીથી ભરાયેલો છે
શહેરના રાણીપ વિસ્તારમાં જ આવેલો GST અંડરબ્રિજ પણ આજે પણ પાણીથી ભરાયેલો છે. વરસાદ બંધ થયાના આજે ત્રીજા દિવસે પણ આ બંને જગ્યાએ પાણી ભરાયેલા છે અને એક જગ્યાએ તો પંપ મૂકેલો છે પરંતુ બંધ હાલતમાં છે. તેથી કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો પ્રજાને મૂર્ખ બનાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા મંગળવારે સાંજે જણાવવામાં આવ્યું હતું કે 75થી વધુ જગ્યાએ હેવી વોટર પંપ મૂકી અને પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી છે અને વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે.

પંપ મુક્યો હોવા છતાં પાણી બહાર કાઢી શક્યા નથી
પંપ મુક્યો હોવા છતાં પાણી બહાર કાઢી શક્યા નથી

માટીના કારણે રોડ બેસી જવાની પુરી શકયતા છે
દિવ્ય ભાસ્કરે શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ કરનારા જ્યાં વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું હતું કે આખું ગરનાળુ ગંદકી અને ગટરના પાણીથી ખદબદતું જાણે કોઈ ગંદી નદી ભરાયેલી હોય તેવા સ્થિતિમાં જોવા મળ્યું હતું. ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પંપ ક્યાં મૂકવામાં આવ્યો હતો પરંતુ તે પણ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. કાળીગામથી સુભાષબ્રિજને જોડતા મુખ્ય રસ્તા ઉપર આવેલુ ગરનાળુ ત્રણ દિવસથી બંધ છે. રાણીપ વિસ્તારમાં આવેલો GST અંડરબ્રિજ જેને હજી સુધી પૂરો નથી કરી શક્યા તે પાણીમાં જોવા મળ્યો હતો. માટીના કારણે રોડ બેસી જવાની પુરી શકયતા છે. જો ઝડપી કામગીરી નહિ થાય તો કોઈપણ જાનહાનિ થઈ શકે છે.

ગરનાળામાં 48 કલાક બાદ પણ પાણી ઉતર્યા નથી
ગરનાળામાં 48 કલાક બાદ પણ પાણી ઉતર્યા નથી

અનેક જગ્યાએ રોડ અને માટી બેસી ગઈ હોવાની ફરિયાદો
સોમવારે વહેલી સવારે વરસાદ બંધ થયા બાદ આજે બુધવારે બપોરે 11 વાગ્યા સુધી પણ આખું ગરનાળુ પાણીમાં જોવા મળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ શહેરમાં તમામ મશીનરી અને કર્મચારીઓને કામે લગાવી અને વરસાદી પાણીનો નિકાલ કર્યો હોવાની મસમોટી વાત કરી હતી પરંતુ દિવ્યભાસ્કરના રિપોર્ટમાં કરેલી કામગીરીની પોલ ખૂલી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં હજી પણ અનેક જગ્યાએ રોડ અને માટી બેસી ગઈ હોવાની ફરિયાદો સામે આવી છે. પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા થી પરિમલ ગાર્ડન તરફ જવાના રોડ ઉપર આખો રોડ બેસી ગયો છે અને ભુવો પડી ગયો છે.

સુરધારા સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો હતો
સુરધારા સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો હતો

સુરધારા સર્કલ પાસે પણ મોટો ભુવો પડી ગયો
જ્યારે સુરધારા સર્કલ પાસે પણ મોટો ભુવો પડી ગયો છે જેના કારણે વાહનચાલકો અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેટલીક જગ્યાએ તો નાના રોડ બેસી ગયા અને ભુવાની ફરિયાદમાં બેરીકેડ અથવા ત્યાંથી રોડને સરખો કરવા કોઈ કામગીરી કરાઈ નથી. કેટલાક વિસ્તારોમાં હજી પણ પાણીના કાદવ-કીચડના કારણે ગંદકી ફેલાયેલી છે જેના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા છે અનેક જગ્યાએ દવાનો છંટકાવ કરવાની જરૂર છે પરંતુ છંટકાવ કરવામાં આવ્યો નથી. દવાના છંટકાવ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને ભાજપના સત્તાધીશોએ મંજૂર કર્યો છે પરંતુ ક્યાંય પણ તેની કામગીરી જણાઇ નથી.