રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક બહેન પોતાના ભાઈ પાસે પોતાની તકલીફ લઈને જાય છે અને ભાઈ તેને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે છે. આ સમયે પોલીસ વિભાગમાં ખડેપગે ફરજ અદા કરતી મહિલા પોલીસ કર્મીઓને પણ પોલીસ અધિકારીઓ દ્રારા ગિફ્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગઈકાલે સમગ્ર શહેરની મહિલા પોલીસ કર્મીઓ પોતાની મુશ્કેલીઓ જણાવવા માટે પોલીસ કમિશ્નર અને મહિલા IPS અધિકારી પાસે પહોંચી હતી. જ્યાં તેમણે પોતાની સમસ્યાઓ રજુ કરી હતી. કેટલીક મહિલા કર્મીઓ પોતાના બાળક સાથે પણ પહોંચી હતી. તેમની મુશ્કેલીઓ સાંભળીને ટુંક સમયમાં તેમની સમસ્યા દૂર કરી આપવાની તૈયારી પોલીસ કમિશનર દર્શાવી છે.
મહિલા પોલીસ કર્મચારીની પણ મહત્વની ભૂમિકા
પોલીસ કમિશ્નરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે કે અમદાવાદની મહિલા પોલીસ કર્મચારીઓને રક્ષાબંધનની ગિફ્ટ આપવાનો પ્રયાસ કરીશું. અમદાવાદ શહેરમાં 24 કલાક 365 દિવસ પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાની ફરજ બજાવે છે. આ પોલીસ ફોર્સની અંદર મહિલા પોલીસ કર્મચારીની પણ મહત્વની ભૂમિકા છે. મહિલા પોલીસ કર્મચારી પોતાના પરિવારને બાજુ પર રાખીને પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે. કોરોના હોય કે કોઈ રમખાણ થયા હોય મહિલા કર્મચારીઓ ત્યાં પણ હાજર જ હોય છે.
મહિલા કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને સાંભળી
આ તમામ તકલીફોની વચ્ચે હવે કેટલીક મહિલા કર્મચારીઓને શારીરિક અને પારિવારિક સમસ્યાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે પોલીસ અધિકારીઓએ નક્કી કર્યું છે કે મહિલા કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને સાંભળીને તેને ઝડપથી દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવે જે માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા બુધવારે ખાસ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ મહિલા અધિકારીઓએ ભેગા મળીને કોન્સ્ટેબલથી લઈને સામાન્ય મહિલા પોલીસ કર્મચારીઓને સાંભળ્યા હતા જેમની સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કર્યો હતો.
મહિલા કર્મચારીઓને રક્ષાબંધનની ગિફ્ટ આપવા પ્રયાસ
શહેર પોલીસના મહિલા આઈપીએસ અધિકારી આનંદ દેસાઈ તેમજ અન્ય મહિલા અધિકારી અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી સમક્ષ મહિલાએ પોતાની મકાન બીમારી ઘરથી દૂર પોલીસ સ્ટેશન અને અન્ય સમસ્યાઓ જણાવતા તેમને પોલીસ સ્ટેશન બદલવા તેમજ ઝડપથી મકાન ફાળવવા કે તેમને જરૂર હોય તે વિસ્તારમાં મકાન ફાળવવા માટે તૈયારી બતાવી હતી. ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મહિલા પોલીસ કર્મચારીઓને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેઓ હંમેશા ફરજ માટે તત્પર રહે છે તે બહેનોને રક્ષાબંધનની ગિફ્ટ સ્વરૂપે તેમની સમસ્યાઓ સાંભળીને તેનો નિકાલ કરવા પ્રયાસ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.