અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ નશો કર્યો હોય તે રીતે આતંક મચાવ્યો હતો. મહિલાએ દુકાનોમાં તોડફોડ કરી અભદ્ર ગાળો આપી હતી. મહિલાએ લોકોને પથ્થર પણ માર્યા હતા. જેના કારણે લોકોને ઇજા થઈ હતી અને લોકોમાં મહિલાનો ખોફ પણ જોવા મળ્યો હતો. મહિલાને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી. ત્યાં પણ મહિલાએ તોડફોડ કરી હતી. મહિલાએ મચાવેલા આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મહિલાની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ
વટવા પાસે આવેલ કોસરમાં એક મહિલાએ તોડફોડ કરી હતી. રાતના સમય મહિલાએ બિલ્ડીંગમાં આવેલી અનેક દુકાનોમાં તોડફોડ કરી હતી તથા વેપારીઓને ગંદી ગાળો આપી હતી. રસ્તા પર આવતા જતા લોકો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત નજીકના કારખાનાઓમાં પણ આતંક મચાવ્યો હતો. લોકો મહિલાને જોઈને ડરી પણ રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. મહિલાની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મહિલાને જોઈને જાણે નશો કરેલો હોય તેવું લોકોને લાગતું હતું, લોકોએ પોલીસને પણ જણાવ્યું હતું. સોશિયલ મીડિયામાં પણ મહિલાએ નશો કરીને તોફાન કર્યું હોવાના મેસેજ પણ ફરતા થયા હતા.
પોલીસ સ્ટેશનમાં ધમપછાડા બાદ તોડફોડ કરી
રાતે કરેલી તોડફોડ અંગે પોલીસને જાણ થતાં નારોલ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ભારે જહેમત બાદ મહિલાને ગાડીમાં બેસાડી હતી. મહિલાને રાતે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ સાથે પણ મહિલાએ ઘર્ષણ કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કરીને તોડફોડ શરૂ કરી હતી. મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કર્યું હતું. જોકે, પોલીસની તપાસમાં આ મહિલા માનસિક અસ્થિર હોવાનું જણાયું હતું.
મહિલાએ કોઈપણ નશો કર્યો નહતો
પોલીસે માનસિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને મહિલાને સોંપી હતી. મહિલાનું નામ સબિના શેખ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ રામદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મહિલા માનસિક અસ્થિર હોવાથી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. મહિલાની માનસિક હાલત સુધરે તે માટે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. મહિલાએ કોઈપણ નશો કર્યો નહતો, લોકો સાથે રકઝક માનસિક સ્થિતિના કારણે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.