અમદાવાદમાં દહેજનું દૂષણ હવે મર્યાદાઓ વટાવી રહ્યું છે. શહેરમાં દહેજને લઈને સંસાર વિખેરાઈ ગયો હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પરિણીતાને તેની સાસુએ તું બહુ જાડી છે એમ કહીને રિપોર્ટ કરાવવાનું જણાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એ ઉપરાંત પરિણીતાએ તેના પતિનો ફોન જોતાં એમાં થાઈલેન્ડની કોલ ગર્લ સાથે ભાવતાલ કરતું ચેટિંગ મળી આવ્યું હતું. તેણે સાસરિયાંને આ બાબતની જાણ કરતાં તેમણે કહ્યું હતું કે તારે અહીં રહેવું હોય તો બધું એડજસ્ટ કરવું પડશે. પતિ પણ તેને માર મારીને ત્રાસ આપતો હતો. આખરે કંટાળેલી પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તું બહુ જાડી છે, બોડી રિપોર્ટ કરાવવો પડશે
પોલીસ ફરિયાદ પ્રમાણે, અમદાવાદમાં વેજલપુરમાં પિયરમાં રહેતી 23 વર્ષીય યુવતીના એકાદ વર્ષ પહેલાં ભીમજીપુરા ખાતે રહેતા અને દુબઇમાં સેટ થયેલા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પહેલાં સાસરિયાંએ યુવતીના પરિવારને કહ્યું હતું કે તેમનો દીકરો ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે અને લગ્ન બાદ તમારી દીકરીને પર્મનન્ટ ત્યાં મોકલી આપજો અને દહેજમાં 5 લાખ આપી દેજો. કોર્ટ મેરેજ કરીશું તો ખર્ચો બચી જશે. લગ્ન બાદ યુવતીની સાસુએ કહ્યું હતું કે તું જાડી છે, બોડી રિપોર્ટ કરાવવો પડશે.
થાઈલેન્ડની કોર્લગર્લ સાથે ભાવતાલ કરતું ચેટિંગ મળ્યું
ત્યાં બીજી બાજુ પતિએ પણ કહ્યું હતું કે દહેજમાં ત્રણ લાખ જ લાવી છે. દુબઇ આવવું હોય તો બીજા બે લાખ અને ખર્ચો લઈ આવ. યુવતીએ એક દિવસ પતિનો ફોન અને પાસપોર્ટ ચેક કર્યો તો પતિના ફોનમાં થાઈલેન્ડની કોલગર્લ સાથે ચેટિંગ અને ભાવતાલ કરતી ચેટ મળી આવતાં એનો સ્ક્રીન શોટ લઈ તેના પિતાને મોકલી આપ્યો હતો. સાસરિયાંને આ વાત કરતાં આ બધું એડજસ્ટ કરવું પડશે, કહીને પતિ ત્રાસ આપી મારઝૂડ કરતો હતો.
સાસરિયાં અવારનવાર દહેજ માગી મારઝૂડ કરતા
થોડા સમય બાદ આ બધી માથાકૂટ થતાં સમાજની રાહે સમાધાન માટે બધા ભેગા થયા ત્યારે યુવતીનો પતિ આવ્યો નહોતો અને તેને જાણ થઈ કે તે એકલો દુબઇ જતો રહ્યો છે. બાદમાં યુવતીને દુબઇ મોકલવાનું કહી બે લાખની માગ અને કોર્ટ મેરેજ કર્યા હોવાથી જમણવાર કરવાનું કહી એ ખર્ચ માગી યુવતીના સાસરિયાંએ ત્રાસ આપ્યો હતો.અવારનવાર દહેજ માગી ત્રાસ આપી મારઝૂડ કરતાં યુવતીએ લગ્નના થોડા જ સમયમાં પોલીસ ફરિયાદ કરતાં હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.