છેલ્લા 6 મહિનાથી પતિ નાની - નાની બાબતમાં ઝઘડો કરી ચારિય અંગે શંકા રાખીને પત્નીને ઘરની બહાર પણ જવા દેતો ન હતો. પતિના શંકાશીલ સ્વભાવથી તંગ આવી ગયેલી પત્નીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તેમના જમાઈ વિરુદ્ધ મૃતક યુવતીના પિતાએ દુષ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
ગુલબાઈ ટેકરા અણદામુખીના વાસમાં રહેતા કાનાભાઈ ગોમાભાઈ સોલંકી(57) ના દીકરી અંજુબહેન(26) ના લગ્ન 27 - 01 - 2019 ના રોજ મોડાદેવાના વાસમાં રહેતા રવિ ભગાભાઈ પરમાર સાથે થયા હતા. આ દંપતિને સંતાનમાં તેમને 1 વર્ષની દીકરી છે.
લગભગ 6 મહિના પહેલા અંજુબહેન પીયર આવ્યા હતા ત્યારે પિતાને કહ્યું હતુ કે તેનો પતિ રવિ તેની સાથે નાની - નાની વાતમાં ઝગડા કરે છે અને મારઝુડ કરી હેરાન પરેશાન કરે છે. જો કે અંજુનો ઘર સંસાર બગડે નહીં એટલે પિતાએ તેને સમજાવીને સાસરીમાં મોકલી દીધી હતી. ત્યારબાદ અઠવાડિયા પહેલા અંજુએ ફોન કરીને માતા માલુબહેન અને બહેન આશાને કહ્યું હતુ કે રવિ તેને બહુ જ હેરાન કરે છે. તેના ચારિત્ર્ય અંગે શંકા રાખી તેની સાથેે મારઝુડ કરીને તેને ઘરની બહાર પણ જવા દેતો નથી. જેથી અંજુ રીસાઈને તેના કાકાના ઘરે આવી ગઈ હતી.
જો કે થોડી જ વારમાં રવિ ત્યા પહોંચી ગયો અને પત્ની અજુંને સમજાવીને પોતાના ઘરે પરત લઇ ગયો હતો. ત્યારબાદ 7 ઓગસ્ટે રાતે 8.30 વાગ્યે રવિએ કાનાભાઈને ફોન કરીને જાણ કરી હતી કે અંજુએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જેથી આ અંગે કાનાભાઈએ ગુજરાત યુનિર્વસીટી પોલીસ સ્ટેશનમાં જમાઈ રવિ પરમાર વિરુધ્ધ અંજુને આત્મહત્યા કરવા મજબુર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.