તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકભંગનો દંડ:અમદાવાદમાં ટ્રાફિક-પોલીસે રોડ પર બાકી ઇ-મેમો નહીં ભરનારા વાહનચાલકો પાસેથી ડેબિટકાર્ડ અને ક્રેડિટકાર્ડથી દંડ વસૂલ્યો

અમદાવાદ19 દિવસ પહેલા
અમદાવાદીઓ ચેતી જજો, હવે પોલીસ દંડ વસૂલશે.
  • ઇ-મેમોની વેબસાઈટ પર મેમો ભરવાનો બાકી હોય તો પોલીસ રોડ પર જ વસૂલ કરે છે
  • અમદાવાદીઓએ ઇ-મેમો ભરવાનું જ માંડી વાળ્યું છે એટલે પોલીસે ડ્રાઈવ યોજી છે

અમદાવાદ શહેરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહનચાલકો પાસેથી ઈ-મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે. ત્યારે લોકોએ પણ દંડ નહીં ભરવા પોલીસ સામે અનેક બહાનાં કાઢ્યાં છે. પોલીસ જ્યારે વાહનચાલકને રોકે તો પહેલા તે એવું કહે છે કે સાહેબ, મારા કાકા પોલીસમાં છે. કોઈ પોલીસને ભલામણ માટે ફોન પર વાત કરાવે છે, પરંતુ આ વખતે આવા બહાનાને સાંભળ્યા વિના પોલીસે ડિજિટલ પેમેન્ટથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં પોલીસની ટીમ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી યોગ્ય હોવાનું દેખાઈ રહ્યું હતું.

ઈ-મેમોની વેબસાઈટ પર દંડ બાકી હોય તો તરત વસૂલે છે
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોને થયેલા દંડની રકમને ટ્રાફિક- પોલીસે વસૂલવાનું શરૂ કર્યું છે. પોલીસ સ્થળ પર જ વાહનચાલકને રોકડ રકમનો દંડ વસૂલે છે. એ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ થકી પણ દંડ વસૂલાઈ રહ્યો છે. ઉપરાંત CCTVથી ઇ-મેમો મોકલીને દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ઇ-મેમોની પદ્ધતિમાં લોકોએ દંડ ભરવાનું માંડી વાળ્યું છે, જેથી ટ્રાફિક- પોલીસે ખાસ દંડ વસૂલાત સ્ક્વોડ કાર્યરત કરી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારમાં કુલ 26 પોલીસકર્મીના સ્ટાફની સ્ક્વોડ રોડ પર જે વાહનચાલક આવે તેને રોકી ઓનલાઇન તેમનો વાહનનંબર ઈ-ચલણ પેમેન્ટ વેબસાઈટ પર જોઈને જો મેમોની રકમ બાકી હોય તો સ્થળ પર જ વસૂલ કરે છે અથવા ઓનલાઇન પેમેન્ટ કરાવે છે.

પોલીસે વાહનચાલકોને ઊભા રાખીને કાર્યવાહી કરી.
પોલીસે વાહનચાલકોને ઊભા રાખીને કાર્યવાહી કરી.

પોલીસે વાહનચાલકોને ઊભા રાખીને દંડ કરવાનું શરૂ કર્યું
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ટ્રાફિક ડીસીપીના માર્ગદર્શન હેઠળની આ ખાસ સ્કવોડની વાહનચાલકોના દંડ વસૂલાત અંગે દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. પશ્ચિમ વિસ્તારની સ્કવોડ દ્વારા સુભાષબ્રિજ, નારણઘાટ પાસે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર બહાર રોડ પર 2 ASI અને 9 જેટલા પોલીસકર્મી સાથે વાહનચાલકોને રોકી ચેકિંગ શરૂ કર્યું હતું. રોડ પર આવતાં બાઇક, રિક્ષા, ગાડી સહિતનાં વાહનોને રોકવામાં આવ્યાં હતાં. એક પોલીસકર્મી પાસે સ્થળ વસૂલાતનો મેમો હતો. પોલીસકર્મીઓ વાહનચાલકને રોકી તેમનો વાહન નંબર ઓનલાઇન https://payahmedabadechallan.org/ માં નાખવામાં આવતા હતા. જે વાહનચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમનો સ્થળ પર જ દંડ લેવામાં આવતો હતો.

ડિજિટલ પેમેન્ટનો ઓપ્શન પણ પોલીસ પાસે છે
મોબાઈલમાં ઓનલાઇન જ તેમનો વાહન નંબર નાખતાં જો દંડ ભરવાનો બાકી છે એટલા મેમા સિલેક્ટ કરી તેમનો લાઇસન્સ નંબર નાખવામાં આવે છે. બાદમાં મોબાઈલ નંબર નાખી પે કરતાં પેમેન્ટ થઈ જાય છે. આ પેમેન્ટની પાવતી તેમના ઓનલાઈન મેમાં નંબર સાથે આપવામાં આવે છે. પાવતી લઈ અન્ય એક પોલીસકર્મી હાજર હોય છે તે મોબાઈલમાં નંબર અને પાવતી અંગેની માહિતી નાખી અપલોડ કરતાં તરત જ વેબસાઈટ પર આ માહિતી અપલોડ થઈ જાય છે અને વાહનચાલકે તમામ મેમા ભર્યા હોવાની વિગતો દર્શાવે છે.

ટ્રાફિક ASI જે.વી. પટેલ.
ટ્રાફિક ASI જે.વી. પટેલ.

શહેરમાં રોજના 30 જેટલા મેમા બને છે
ટ્રાફિક ASI જે.વી. પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાહનચાલકોના નંબર ઓનલાઈન ચેક કરવામાં આવે છે, જેમાં કેટલાકને પાંચ-પાંચ મેમા ભરવાના બાકી હોય છે, જેની સ્થળ પર જ દંડ વસૂલાત કરવામાં આવે છે. જો કોઈ વાહનચાલક એમ કહે કે પૈસા રોકડા નથી અને ઓનલાઇન પેમેન્ટ કરવા માગે તો ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કરી શકે છે. રોજના 30 જેટલા મેમા બને છે.