એક તરફી પાગલ પ્રેમીનું કારસ્તાન:અમદાવાદમાં મકાન માલિકના દીકરાએ ઘરમાં ઘુસીને યુવતીનો હાથ પકડી લીધો, ગભરાયેલી યુવતીએ પોલીસ બોલાવી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવક બે વર્ષથી યુવતીની પાછળ પાછળ ફરીને તેનો પીછો કરતો હતો

અમદાવાદના ઘાટલોડિયામાં એક યુવતીએ પોતાના મકાનમાલિકાના દીકરા સામે છેડતી અને પીછો કરવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મકાનમાલિકનો દીકરો છેલ્લા બે વર્ષથી યુવતી સામે ખરાબ દાનતથી જોઈને હસતો હતો અને તે ઘરની બહાર નીકળે તો પાછળ પાછળ ફરતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક દિવસે તેણે ઘરમાં ઘુસીને યુવતીનો હાથ પકડી લીધો.

બે વર્ષથી યુવતીનો પીછો કરતો હતો યુવક
ઘટનાની વિગતો મુજબ, ઘાટલોડિયાની એક સોસાયટીમાં ભાડે રહેતી યુવતીના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. તે પોતાની માતા તથા ભાઈ સાથે રહે છે અને નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવતીના મકાનમાલિકનો દીકરો હાર્દિક બે વર્ષથી તેની સામે ખરાબ દાનતથી જોતો અને તે ઘરની બહાર નીકળે એટલે તેની પાછળ પાછળ પીછો કરતો. જેથી પરિવારે મકાન ખાલી કરીને સોસાયટીમાં જ અન્ય વ્યક્તિના ઘરે ભાડેથી રહેવા જતો રહ્યો. જોકે આ બાદ પણ યુવતી ધાબા પર સૂવા જાય ત્યારે હાર્દિક પોતાના ધાબેથી તેને જોતો હતો.

ઘરમાં ઘુસીને હાથ પકડી લીધો
10મી જૂનના રોજ યુવતી નોકરીથી પોતાના ઘરે આવી હતી અને તેણે ઘરની જાણીને અંદરથી બંધ કરી દીધી હતી. ત્યારે જ બાજુમાં રહેતો હાર્દિક દરવાજો ખોલીને અંદર ઘુસી આવ્યો. જેથી યુવતીએ તેના આવવાનું કારણ પૂછતા હાર્દિકે તેનો હાથ પકડી લીધો અને કહ્યું, 'મારે તારી સાથે લગ્ન કરવા છે.' જેથી એકાએક ગભરાઈ ગયેલી યુવતીએ બુમાબુમ કરતા તેની માતા ત્યાં આવી ગયા હતા. યુવતીએ સમગ્ર બાબત જણાવતા તેની માતા પણ ગભરાઈ ગઈ હતી. જોકે થોડીવારમાં હાર્દિકની માતા ત્યાં આવી અને હાથ પકડીને દીકરાને લઈને જતી રહી. જે બાદ ગભરાયેલી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...