ગુજરાતમાં રહેતા શીખ સમાજે દેશ પ્રત્યેની પોતાની એકતા અને અખંડિતતા દર્શાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર થતા ખાલિસ્તાની વિરોધ સામે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે વિદેશમાં થયેલા ભારતના તિરંગાનું અપમાન તથા ખાલિસ્તાનની હરકતનો આજે અમદાવાદમાં શીખ સમુદાયે નારા સાથે ભારતનો તિરંગો બતાવી વિરોધ કર્યો હતો. તો છત્તીસગઢમાં ઊલટી ગંગા વહી હતી. એમાં રાયપુરમાં પંજાબના ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. વારિસ પંજાબ દેના વડાના સમર્થનમાં ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા.
તિરંગાના થયેલા અપમાનની શીખ સમાજે નિંદા કરી
આ અંગે શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પરમજિત કૌર છાબડાએ જણાવ્યું હતું કે ધર્મ હંમેશાં રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર રહ્યો છે અને દેશના નાગરિક તેમજ ભારતીય હોવાનો અમને ગર્વ છે. કેનેડા ઓસ્ટ્રેલિયા અને વિશ્વ કે અન્ય દેશોમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે એની ઘોર નિંદા શીખ સમાજ કરી રહ્યો છે. વિશ્વના અન્ય દેશો કે ધાર્મિક સ્થાનો, દીવાલો પર અસામાજિક તત્ત્વોએ ખલિસ્તાનનું નામ લખ્યું અને નારા લગાવ્યા, જેની નિંદા શીખ સમાજ કરી રહ્યું છે.
સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
વિશ્વ કે અન્ય દેશોમાં ભારતીય તિરંગાનું જે અપમાન થયું છે એની નિંદા શીખ સમાજ કરી રહ્યો છે. શીખ સમાજ માટે ભારત દેશનો તિરંગો સર્વોપરી છે. આજે અમદાવાદના શીખ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યપાલને પણ આવેદનપત્ર આપવામાં આવશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં જ્યાં શીખ સમાજ વસે છે તે લોકો પણ આવેદનપત્ર આપીને ખાલિસ્તાનનો વિરોધ કરશે.
લંડનમાં તિરંગાના અપમાનનો વિરોધ, કહ્યું- ભારત અમારું ગૌરવ છે...વાંચવા અહીં ક્લિક કરો.
છત્તીસગઢમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલના સમર્થનમાં નારા લાગ્યા
છત્તીસગઢના રાયપુરમાં પંજાબના ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. વારિસ પંજાબ દેના વડાના સમર્થનમાં ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા.
આ રેલીમાં તેલીબાંધા ગુરુદ્વારાથી મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો જોડાયા હતા. દેખાવકારોએ રાયપુરના આપ પાર્ટીના કાર્યાલય ખાતે પંજાબ સરકારની સામે વિરોધ દર્શાવતા પૂતળું સળગાવી દેખાવ કર્યા હતા.
દેખાવકારોએ કહ્યું હતું કે અમૃતપાલ સિંહ પંજાબમાં નશા વિરુદ્ધ કામ કરી રહ્યો હતો. તે યુવાઓને માદક દ્રવ્યોના નશાના સકંજામાંથી બહાર લાવવા માટેના પ્રયાસો કરી રહ્યો હતો, પરંતુ પંજાબ સરકાર ડ્રગમાફિયા સામેના તેના અવાજને દબાવવા માટે તેને બદનામ કરી રહી છે. આ સિવાય સરકાર તેને આતંકવાદી પણ જાહેર કરવામાં પણ વ્યસ્ત છે.
આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ બાબતે બુધવારે વિધાનસભામાં કહ્યું હતું કે જ્યારથી પંજાબમાં નવી સરકાર બની છે ત્યારથી ત્યાંની સ્થિતિ સતત બગડી રહી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પંજાબ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલું રાજ્ય છે, ત્યાંની આ સ્થિતિ ચિંતાજનક છે. અહીં અનેક લોકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, એ બાદ પંજાબ શાંતિપૂર્ણ રાજ્ય બન્યું હતું.
હજારો ભારતીયો તિરંગા લઈને ઈન્ડિયન હાઇ કમિશન પહોંચ્યા...વાંચવા અહીં ક્લિક કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.