ગુનેગારો બેફામ:અમદાવાદમાં ઉછીના આપેલા પૈસા પરત માગતાં યુવક પર છરીથી હુમલો, પોલીસે 2 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો

અમદાવાદ3 દિવસ પહેલા

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાના સરેઆમ ધજાગરા ઊડી રહ્યા છે. શહેરમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. નજીવી બાબતની તકરારમાં છરીથી હુમલાના બનાવો પણ સામે આવી રહ્યા છે. બાપુનગરમાં યુવકે ઉછીના આપેલા પૈસા પરત માગતા 2 શખસે તેની સાથે તકરાર કરી છરીથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે બાપુનગર પોલીસે બે યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

પૈસાની લેતીદેતી મામલે જાહેરમાં છરીથી હુમલો કર્યો.
પૈસાની લેતીદેતી મામલે જાહેરમાં છરીથી હુમલો કર્યો.

યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઈ ગયા
શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતા મોહંમદ આરિફ ઉર્ફે આરિફ લંગડા ખુરેશીએ યુસુફ ટકલા અને યુસુફ બટકા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરિફ પરિવાર સાથે રહે છે અને ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ બાપુનગર અંસારનગર ખાતે મિત્ર યુસુફ બટકાને મળવા માટે ગયો હતો. ત્યારે ત્યાં યુસુફ ટકલો પણ હાજર હતો. તેમની સાથે મોહંમદ આરિફે સિગારેટ પીધી હતી. બાદમાં યુસુફ ટકલાને આપેલા 8000 રૂપિયા મોહંમદ આરિફે પરત માગ્યા હતા. ત્યારે યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઇ ગયા હતા.

યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

બન્ને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા
ત્યાર બાદ બન્ને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન યુસુફ ટકલાએ તેની પાસેથી છરી કાઢી હતી અને હુમલો કર્યો હતો, જેથી પેટની નાભીના ભાગે મોહંમદ આરિફને છરી વાગી ગઇ હતી. જ્યારે બીજો ઘા છાતીના ભાગે વાગ્યો હતો તેથી મોહમદ આરીફ લોહીલુહાણ થઇ ગયો હતો. આ સમયે યુસુફ બટકાએ છરીથી કોણીના ભાગે હુમલો કર્યો હતો, જેથી મોહંમદ આરીફ ત્યાંથી ભાગ્યો હતો. બીજી તરફ બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા, જ્યારે લોહીલુહાણ હાલતમાં મોહંમદ આરિફ નીચે પટકાયો હતો. તેને 108 મારફત શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. બીજી તરફ બાપુનગર પોલીસે ગુનો નોંધી CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.