સરનામાં પૂછી લૂંટતી ગેંગ પકડાઈ:અમદાવાદમાં દિવસે હોટલમાં આરામ કરે અને રાત્રે લોકોને લૂંટતી ગેંગને પોલીસ પકડી પાડી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે રાતે રસ્તા પરથી એકલા જાઓ અને કોઈ સરનામું પૂછે તો જરા ચેતી જજો. કારણ કે અમદાવાદ શહેર અને રિંગ રોડની આસપાસ એક એવી ગેંગ એક્ટિવ છે. જે લોકોને પહેલા સરનામું પૂછે છે અને ત્યારબાદ છરી બતાવીને તેમની પાસેથી લૂંટ કરી લે છે. આ એકલદોકલ વ્યક્તિ નહીં પણ આખી ધાડપાડુ ગેંગ છે. દિવસે આરામ અને રાત્રે લૂંટને અંજામ આપતી આ ટોળકીને અમદાવાદ ઝોન 7 ડીસીપીની એલસીબી સ્કવોડે ઝડપી લીધી છે. આ ચાર આરોપીઓએ એક બે નહીં પણ અનેક ધાડને અંજામ આપ્યો હોવાની કબૂલાત હાલ પોલીસ સમક્ષ કરી છે.

એસપી રિંગ રોડ અને આસપાસ લૂંટ ચલાવાતી
આ અંગે ઝોન 7 ડીસીપી ભગીરથસિંહ જાડેજાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપ્યો છે. તેઓનો મુખ્ય ટાર્ગેટ એસપી રિંગ રોડ અને આસપાસના વિસ્તારોમાં લોકોને લૂંટવાનો હતો. તેમજ તેમણે અલગ અલગ વિસ્તારમાં ગુના કર્યો હોવાની કબૂલાત કરી છે. તેમજ હજુ પણ વધુ ગુનાની ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા છે.

ચાર શખસ વિવિધ વિસ્તારમાં લૂંટને અંજામ આપતાં
ઝોન 7 એલસીબી સ્કવોડે અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાંથી પ્રકાશ નેપાળી, રવિ રાજપુત, વિકાસ રાજપૂત અને મત્શેન્દ્ર નામના શખસની ધરપકડ કરી છે. તમામ ભેગા મળીને અલગ અલગ વિસ્તારમાં નાની મોટી લૂંટ ધાડને અંજામ આપે છે. તેમજ અલગ અલગ લોકોને પાસેથી રૂપિયા પડાવી દીધા છે. આ સમગ્ર મામલે તપાસ કરેલી પોલીસને જાણવા મળે છે કે, દિવસ દરમિયાન આ લોકો હોટલમાં આરામ કરતા હતા અને રાત્રે પોતાનો શિકાર શોધવા માટે બહાર નીકળતા હતા. આ સમયે તેઓ કોઈપણ જગ્યાએ સંતાઈને ઊભા રહે અને કોઈને સરનામું પૂછવું હોય કે લિફ્ટ માંગવાના બહાને મદદ માંગતા હતા. પરંતુ કોઈ ઊભું ના રહે તો તેને છરી મારીને તેની પાસેથી કિંમતી વસ્તુ પડાવી લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...