પોલીસે કુખ્યાતની ધાક દૂર કરી:અમદાવાદમાં ધાક જમાવનારા કાલુ ગરદનને જ્યાં જ્યાં જમીન પચાવી તે તમામ સ્થળે પોલીસ લઈ ગઈ, લોકોનો ડર દૂર કર્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સાથે કુખ્યાત કાલુ ગરદન - Divya Bhaskar
પોલીસ સાથે કુખ્યાત કાલુ ગરદન

અમદાવાદ શહેરના જુહાપુરા, વેજલપુર અને સરખેજ જેવા વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર કાલુ ગરદનની વેજલપુર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી છે. આરોપી કાલુ ગરદન હાલ રિમાન્ડ પર છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં આજે કાલુ ગરદનએ જુહાપુરામાં જ્યાં જ્યાં સરકારી અને પ્રાઇવેટ જમીન પચાવી પાડીને દબાણ કર્યા હતા, તે તમામ જગ્યાએ જઈને પંચનામુ કર્યું હતું. આરોપી કાલુ ગરદનને જાહેરમાં તેની ધાક જમાવેલા વિસ્તારમાં જ ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ ચલાવી અને તેનો ડર દૂર કર્યો હતો. ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.

જુહાપુરાનો ગુનેગાર મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન દ્વારા જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને ડીસીપીએ તોડાવી નાખ્યું હતું. ગેરકાયદે રીતે જમીન પચાવી પાડતાં હવે મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદને સંકલિત નગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ઉપરાંત અન્ય બે જગ્યા વેજલપુર અને સંકલિતન ગરમાં પણ આવેલી કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે રીતે બે માળની બિલ્ડીંગ ઉભી કરી દીધી હતી. ડીસીપીના ધ્યાને આવતા તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી નોટિસ આપવા છતાં બાંધકામ ન તોડતાં બંદોબસ્ત સાથે તેણે કરેલા ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી અને બાંધકામ કરી દેતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.