મહિલા ડોક્ટરને સાસરિયાંનો ભયંકર ત્રાસ:મોટા સસરા કહેતા, તારા પપ્પા ના પાડતા હતા, અંતે તો અમારા ઘરમાં જ આવવું પડ્યું; અમદાવાદમાં મહિલાનું ક્લિનિક બંધ કરાવ્યું

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ સાસરિયાં અને પતિ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • સાસરિયાંને કારણે મહિલાએ નોકરી છોડી અને બાદમાં ક્લિનિક પણ બંધ કરાવ્યું

અમદાવાદમાં મહિલાઓ વિરુદ્ધ પારિવારિક ઝગડાઓ વધી રહ્યા છે. દહેજ અને કરિયાવર સહિત પતિના આડાસંબંધોને કારણે મહિલાઓની પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ વધવા માંડી છે. શહેરમાં ડોક્ટર મહિલાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ તેને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહે છે અને નહીં નીકળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. તેનાં સાસરિયાં પણ તેને પસંદ કરતાં નથી અને વારંવાર મહેણાંટોણાં માર્યાં કરે છે. મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાસુ અને સસરા નાની નાની બાબતોમાં ઝગડો કરતાં
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટરનો વ્યવસાય કરતી મહિલાના 2019માં સામાજિક રીતરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન બાદ ચાંદખેડા વિસ્તારમાં તેનાં સાસરિયાં સાથે રહેતી હતી. શરૂઆતમાં તેને સારી રીતે રાખવામાં આવતી હતી, પરંતુ લગ્નના થોડા સમય બાદ સાસુ અને સસરાએ તેની સાથે નાની નાની બાબતોમાં ઝગડા કરવાનું શરૂ કર્યું હતું. તેની સાસુની ચઢામણીમાં આવીને તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો.

સાસુની વાતમાં આવીને પતિ પત્નીને માર મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર)
સાસુની વાતમાં આવીને પતિ પત્નીને માર મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર)

પતિ તેની પત્નીને વારંવાર મારઝૂડ કરતો
ઘરમાં કામકાજને લઈને સાસુ અવારનવાર અપશબ્દો બોલતાં અને તેની ફરિયાદ સસરાને કરતાં તેઓ પણ મહિલા સાથે ઝગડો કરતા હતા. આ બાબતે સસરાના મોટા ભાઈને મહિલાએ વાત કરતાં તેઓ પણ મહેણાંટોણાં મારીને મહિલા સાથે વારંવાર ઝગડો કરતા હતા. સસરાના મોટા ભાઈ મહિલાને વારંવાર એવું કહેતા હતા કે તારા પપ્પાએ અમારે ત્યાં લગ્નની પહેલા ના પાડી હતી, પરંતુ તારે છેવટે અમારા ઘરમાં જ આવવું પડ્યું. આ બાબતે મહિલાનાં સાસુ અને સસરા પણ પતિને લગ્ન સંબંધ તોડી નાખવા માટે ચઢામણી કરતાં અને પતિ તેમની વાતોમાં આવીને મહિલાને માર મારતો હતો.

મહિલાએ સાસરિયાંના કહેવાથી ક્લિનિક બંધ કર્યું
સાસુ-સસરાની ચઢામણીમાં આવીને પતિ તેની પત્નીને વારંવાર કહેતો કે તું મારા ઘરમાંથી નીકળી જા, નહીં નીકળે તો તને જાનથી મારી નાખીશ. આટલેથી નહીં અટકતાં સાસુ અને સસરા સહિત નણંદ પણ વારંવાર મહિલાને ગંદી ગાળો બોલીને માર મારતાં હતાં. આ બાબતે મહિલાએ તેના પિતાને જણાવી હતી, પરંતુ પિતાએ સંસાર ટકાવી રાખવા માટે સમાધાનનું વલણ અપનાવ્યું હતું, જેથી મહિલા મૂંગા મોઢે બધું જ સહન કરતી હતી. મહિલાએ સાસરી પક્ષના કહેવાથી નોકરી અને ક્લિનિક પણ બંધ કરી દીધું હતું.

સાસુ-સસરા અને નણંદ પણ પરિણીતાને ગંદી ગાળો બોલતાં ( પ્રતીકાત્મક તસવીર)
સાસુ-સસરા અને નણંદ પણ પરિણીતાને ગંદી ગાળો બોલતાં ( પ્રતીકાત્મક તસવીર)

પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી
એક વર્ષ પહેલાં સસરા અને તેમના મોટા ભાઈ મહિલાને તેના પિયરમાં મૂકી ગયા હતા. એ સમયે તેમણે એવું કહ્યું હતું કે તેના પતિનો ગુસ્સો શાંત થશે પછી લઈ જઈશું, પરંતુ આજદિન સુધી તેઓ મહિલાને તેડવા માટે આવ્યા નથી. મહિલાના પતિએ છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી પણ કરી છે. આ અંગે સાસરીમાં પૂછપરછ માટે મહિલા અને તેનાં પરિવારજનો ગયાં હતાં, પરંતુ ત્યાં સાસરિયાંએ ફરીવાર ગંદી ગાળો બોલીને ઝગડો કર્યો હતો. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સાસરિયાં વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ)