પરિણીતાને ત્રાસ:અમદાવાદમાં પરિણીતા પર દિયરે નજર બગાડી, પતિએ એસિડ નાખી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રહેતી એક મહિલાએ તેના પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ ચાર દીકરીઓને જન્મ આપતા તેનો પતિ તેને દીકરો જોઈતો હતો, તેમ કહી ત્રાસ આપી માર મારવા લાગ્યો હતો. એટલું જ નહીં, એક દીકરીની સગાઈ તો તેની માતાને કહ્યા વગર જ ઉત્તરપ્રદેશ નક્કી કરી દીધી હતી. મહિલાની ત્રીજા નંબરની દીકરીનું અવસાન થતાં તેનો દિયર આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.

મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ અમદાવાદમાં રહેતી 32 વર્ષીય મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ કારખાનામાં નોકરી કરે છે. વર્ષ 2006માં તેના લગ્ન થયા હતા અને તે લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં ચાર દીકરીઓ છે. આ મહિલાએ પહેલી દીકરીને જન્મ આપ્યો ત્યારે તેના પતિએ છોકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. અને આ મહિલાને તેનો પતિ લઈ ગયો નહોતો.

મહિલાની દીકરી આઠ માસની થઈ ત્યારે તેનો પતિ તેને લેવા આવ્યો હતો. તેનો પતિ કોઈ કામ ધંધો કરતો નહોતો અને યુવતીને કહેતો કે તું કમાઈ લાવ અને મને પૈસા આપ તેમ કહી માર મારતો હતો. યુવતીએ ત્રણ દીકરીઓને જન્મ આપ્યા બાદ પણ તેનો પતિ ઝઘડો કરી શંકાઓ રાખી તેને માર મારતો હતો. મહિલાની ત્રીજા નંબરની દીકરી જ્યારે મરણ ગઈ હતી, ત્યારે તે મકાન બદલી અન્ય જગ્યાએ રહેવા ગઈ હતી. જ્યાં બાજુમાં તેનો દિયર પણ રહેતો હતો, જે તેને ખરાબ નજરથી જોવા લાગ્યો હતો અને આ બાબતે મહિલા તેના પતિને વાત કરે તો તે ઝઘડો કરી બીભત્સ ગાળો બોલી માર મારતો હતો.

એટલું જ નહીં, મહિલાનો દિયર તેના ભાઈને તારી પત્નીને ઘરમાંથી કાઢી મૂક તેમ કહી ઉશ્કેરતો હતો અને પાંચેક મહિના પહેલા મહિલાના પતિએ મોટી દીકરીની સગાઈ આ મહિલાને કહ્યા વગર યુપી ખાતે કરી દીધી હતી. ત્યારે મહિલાએ તેના પતિને પૂછતા તેના પતિએ કહ્યું કે, તું કોણ પૂછવાવાળી તેમ કહી ઝઘડો કરી ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂકી હતી. તું ઘરમાંથી નીકળી જા મારે તને રાખવી નથી, નહીં તો તારા ઉપર એસિડ નાખી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...