પતિએ કાવતરૂ રચી પત્નીને છેતરી:અમદાવાદમાં 6 વર્ષની દીકરીના પિતાના અન્ય યુવતી સાથે સંબંધ, પ્રેમિકા સાથે મળી ઘરમાંથી પાંચ લાખની ચોરી કરી ફરાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં લગ્નેત્તર સંબંધ લગ્નજીવનમાં ભંગાણ સર્જે છે, એવા અનેક કિસ્સા રોજ બની રહ્યાં છે. સોશિયલ મીડિયા દ્વારા આવા અનેક કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પણ આવોજ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પોતાની પ્રેમિકા સાથે પોતાના જ ઘરમાંથી પાંચ લાખ રોકડા અને બે સોનાની બંગડીઓની ચોરી કરીને ભાગી ગયો હોવાની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શંકા જતા પતિની મિત્રો અંગે પુછપરછ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન સાત વર્ષ પહેલાં થયા હતાં. તેની હાલમાં 6 વર્ષની દીકરી છે. તેના ઘરમાં 20 ડિસેમ્બરે તેની નણંદના લગ્ન હતાં. આ પ્રસંગમાં તેના પતિના મિત્રો આવ્યાં હતાં. આ પૈકી એક મિત્ર મુકેશ શાહ અને તેની બહેન હર્ષિતા તિવારી તરીકેની ઓળખાણ આપી હતી. પરિણીતા તેના પતિના તમામ મિત્રોને ઓળખતી હતી. પરંતુ આ લોકોને પહેલીવાર જ મળી હતી, જેથી તેને થોડી શંકા ગઈ હતી. આ બાબતે તેણે પતિ સાથે પૂછપરછ કરી હતી, પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી વધુ ચર્ચા થઈ નહોતી.

ઈન્સ્ટાગ્રામમાં યુવતી સાથેની રિલ્સ જોવા મળી
ઘરમાં પ્રસંગ પુરો થતાં જ પત્નીએ તેના પતિના ઈન્સ્ટાગ્રામમાં એક રિલ્સ જોઈ હતી. જેમાં તેનો પતિ અને આ હર્ષિતા એક ગાડીમાં જતા હોય તેવી રિલ્સ હતી. આ અંગે તેણે પતિ સાથે ચર્ચા કરતાં તેઓ ખાલી મિત્રો છે, બીજુ કંઈ નથી એવું જણાવ્યું હતું. પરંતુ પત્નીએ પતિના મોબાઈલથી હર્ષિતાને કોલ કરીને કહ્યું હતું કે, મારા પતિ સાથેના સંબંધોનો અંત લાવી દેજે, તે મેરિડ છે અને એક દીકરીનો બાપ છે. તથા મારા સસરાને હજી આ વાતની કોઈ ખબર નથી.

પતિ પત્નીની જાણ બહાર સંબંધ રાખતો
એક વખત તેનો પતિ મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા ગયો હતો અને ત્યાર બાદ ઘરે પરત પણ આવી ગયો હતો. ત્યાર બાદ તે સતત ટેન્શનમાં દેખાતો હોવાથી તેની સાથે વાતચીત કરી હતી. ત્યારે તેના પતિએ કહ્યું હતું કે, હર્ષિતા સતત પાછળ પડી ગઈ છે અને તેની સાથે વાત કરવાનું કહે છે. જો વાત નહીં કરુ તો આત્મહત્યા કરવાની ધમકીઓ આપે છે. ત્યાર બાદ પણ પરિણીતાનો પતિ જાણ બહાર હર્ષિતા સાથે સંબંધ રાખતો હતો.

પત્નીના કરિયાવરમાં આવેલું સોનું વેંચી દીધું
આ બાબતે પરિણીતાએ તેના સસરાને આ અંગે વાત કરી હતી અને સસરાએ પણ તેમના દિકરાને સમજાવ્યો હતો. ત્યારે તે પત્ની અને પિતા સાથે ઝગડો કરીને ઘર છોડીને જતો રહ્યો હતો. ત્યાર બાદ પણ સમજાવટ બાદ તે પરત ફર્યો હતો. પરંતુ એક દિવસ પત્નીને કરિયાવરમાં આવેલું સોનું ઘરમાં મળયું નહોતું. ત્યારે તેણે તે વેચી દીધું હોવાનું જણાવ્યું હતું. તેણે તેના પિતાની પાસે પણ પૈસાની માંગ કરી હતી. ત્યારે હર્ષિતાએ કહ્યું હતું કે, પૈસા આપશો તો જ તમારો દિકરો ઘરે પાછો આવશે. ત્યારે પરિણીતાના સસરાએ પણ પૈસા આપવાની ના પાડી દીધી હતી.

પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
આ ઘટના બાદ થોડા સમયમાં તેનો પતિ પાછો ઘરે આવ્યો હતો અને પત્નીને સમજાવીને રહેવા લાગ્યો હતો. પરંતુ આ બધુ તેનું પૂર્વ નિયોજિત કાવતરૂ હતું. જે બાદ તે ઘરમાંથી પાંચ લાખ રૂપિયા તથા દાગીના લઈને જતો રહ્યો છે અને અમારી સાથે વિશ્વાસ ઘાત કર્યો છે. એવી તેની પત્નીએ સોલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...