• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Elder Brother in law Sent A Message With A Fake ID To Break Up The Younger Brother's Family, And Finally The Quarrel Broke Out.

ઘર કા ભેદી લંકા ઢાયે!:અમદાવાદમાં નાના ભાઈના સંસારમાં ભંગાણ પડાવવા મોટાભાઈ-ભાભીએ ફેક IDથી મેસેજ મોકલ્યા, અંતે ભાંડો ફૂટ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પિતરાઈ બહેનના નામે ફેક ID બનાવી ખોટા મેસેજ મોકલતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો

વટવામાં એક અજીબ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં એક યુવકના લગ્નજીવનમાં ભંગાણ પડે તે માટે કોઈ અજાણી વ્યકિત દ્વારા તેમના સંબધીની 21 વર્ષીય યુવતીના નામનુ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી યુવક વિરુદ્ધના મેસેજ તેની પત્નીને મોકલ્યા હતા. આ મેસેજથી પતિપત્નીના સબંધમાં તિરાડ પડી ગઈ અને મામલો ડાઈવોર્સ સુધી પહોંચી ગયો હતો. જો કે આ મામલે વટવા પોલીસે ફેક આઈડી બનાવી યુવતીના નામે મેસેજ કરનારા યુવકના મોટાભાઈ અને ભાભીની ધરપકડ કરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.

વટવામાં રહેતા રૂપલભાઈ મહેતાના ઘરે તેમના સંબંધીઓ આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી 21 વર્ષીય દિકરીએ ઈન્સ્ટાગ્રામ આઈડીથી તેમના પરિવારના નાના ભાઈની પત્નીને તે કોઈ કામધંધો કરતો નથી વગેરે મેસેજ કર્યા છે જેના કારણે હવે તેની પત્ની ડાયવોર્સ લેવા માગે છે. આ બાબતે રૂપલભાઈએ તેમની દીકરીને પૂછપરછ કરતા તેણે આવા કોઈ જ મેસેજ કર્યા ન હોવાનું કહ્યું હતું. આ જોતા રૂપલભાઈએ સચ્ચાઈ સામે આવે તે માટે વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. સીસારાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ કરીને પોલીસે તપાસ આરંભી હતી. જેમાં ફેક એકાઉન્ટ બનાવવા પાછળ ખુદ યુવકના મોટાભાઈ વિશ્વ જયકુમાર મહેતા અને તેની પત્ની આંચલ મહેતા (બંને રહે સિદ્ધેશ્વરી બંગલોઝ, ઘોડાસર, વટવા) સંડોવાયેલા હોવાનંુ બહાર આવ્યું હતંુ. પોલીસ સૂત્રોના અનુસાર મોટાભાઈ અને ભાભીએ જ તેમના નાનાભાઈનો લગ્નસંસાર તૂટી જાય તે માટે પોતાની જ કૌટુંબિક બહેનના નામે ફેક આઈડી બનાવી લગ્નજીવનમાં તિરાડ પડે તેવા મેસેજ કર્યા હતા. આ મામલે વટવા પોલીસે ફેક આઈડી બનાવવા બદલ પતિ-પત્નીની ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયા થકી યુવકના લગ્ન થયા હતા
આ કેસનો ભોગ બનનાર યુવક અને તેની પત્ની સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસબંધ થતા પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યુવકના મોટાભાઈ અને ભાભીએ સબંધી યુવતીના નામનુ ફેક આઈડી બનાવી તેમના સબંધોમાં તિરાડ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળ થયા નહતા અને પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરીને બંનેનંુ કારસ્તાન પકડી પાડયું હતું. પોલીસે મોટાભાઈ અને ભાભીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

યુવતીના ઘરે ભાઈ-ભાભી સાથે ગયાં હતાં
યુવકની પત્નીને મેસેજ મળતા તેણે હોબાળો કરતા યુવકને જયારે લાગ્યું કે સબંધીની છોકરીના નામના આઈડીથી મેસેજ મોકલાયા છે ત્યારે તે સબંધીના ઘરે ગયો ત્યારે તેની સાથે આ કેસના આરોપી મોટાભાઈ અને ભાભી પણ સાથે ગયા હતા અને અજાણ બનીને યુવતી પર દોષનો ટોપલો નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતંુ.

અન્ય સમાચારો પણ છે...