પોલીસને મારવા પ્રયાસ:અમદાવાદમાં સિગ્નલ જમ્પ કરી કારચાલકે ત્રણવાર પોલીસને કચડી મારવા પ્રયાસ કર્યો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવરંગપુરા ખાતેની ઘટના, પોલીસે કાર રોકી પછી બે કિમી ભગાવી
  • સ્વસ્તિક ચાર રસ્તાથી સહજાનંદ કોલેજ સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયાં

નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને એક કારચાલકે કાર હંકારી મૂકી હતી જેનો ટ્રાફિક પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્ય સર્જાયું હતું. આગળ જઈને પોલીસે કાર રોકતા ફરી કાર કોન્સ્ટેબલ ઉપર ચઢાવાનો પ્રયાસ કરીને એક ટુ વ્હીલર ચાલકને પણ અડફેટે લીધો હતો. અંતે પોલીસે કારચાલકને પકડીને તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

બુધવારે સાંજે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ સ્વસ્તિક ચાર રસ્તા પાસે ફરજ પર હતા. પોણા આઠ વાગે એક કાળા કલરના કાચવાળી કાર સિગ્નલ ભંગ કરીને નીકળતા કૃષ્ણદેવસિંહે કાર રોકી દંડની રકમ ભરવાનું કહી લાઇસન્સ માગતા કારચાલકે ગુસ્સે થઈને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન કારચાલક કાર થોડી રિવર્સમાં લઈને ભાગી ગયો હતો. જેથી કૃષ્ણદેવસિંહે બાઈક પર તેનો પીછો કરી એક્સિસ બેંક પાસે કાર ઉભી રાખી દીધી હતી. ત્યાં પોલીસ આવતા તેણે ફરીથી પોલીસ પર કાર ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં કૃષ્ણદેવસિંહે કારનો સાઈડનો કાચ પકડી લીધો હતો જો કે તેમ છતાં તેણે કાર ઉભી નહીં રાખી કોન્સ્ટેબલને ઢસડી બોડીલાઈન ચાર રસ્તા સુધી લઈ ગયો હતો.

આ દરમિયાન રસ્તામાં એક એક્ટિવા ચાલકને પણ અડફેટે લેતા ચાલકને પણ જમણા પગે ઈજા થઈ હતી. પોલીસે તેનો પીછો કરીને સહજાનંદ કોલેજ પાસે જઈને રોકી કારચાલક પરેશકુમાર હરેશભાઈ ચૌધરી ( ઉં.22 રહે, ગોદરેજ ગાર્ડન સીટી, જગતપુર)ના વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઈરાદાપૂર્વક હત્યાના પ્રયાસ સહિતની કલમો
સ્વસ્તિક ચાર રસ્તાથી સહજાનંદ કોલેજ સુધી પોલીસ કર્મચારીને ચકમો આપીને વારંવાર કાર લઈ નાસી જનારા પરેશકુમાર ચૌધરી વિરુદ્ધ પોલીસે આઈપીસીની કલમ 308 ઈરાદાપૂર્વક હત્યાનો પ્રયાસ તેમજ આઈપીસીની કલમ 278, 337 અને 427 મુજબનો ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...