ફરિયાદ:અમદાવાદમાં કંકોત્રીમાં નામ ન લખવાનો વિવાદ પોલીસ સુધી પહોંચ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પિતરાઈએ પિતાનું નામ ન લખવા ધમકી આપી
  • ઘાટલોડિયા​​​​​​​ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

લગ્નની કંકોત્રીમાં કાકાનું નામ લખવાનો વિવાદ છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બે પિતરાઈ ભાઈ વચ્ચે 8 મહિનાથી મતભેદ ચાલી રહ્યો હોવાથી પિતરાઈને લગ્નની કંકોત્રીમાં પિતાનું નામ ન લખવા ધમકી આપી હતી.

ઘાટલોડિયા કે.કે.નગર રોડ અંકિત સોસાયટીમાં રહેતા મુકેશભાઈ વાડીલાલ પટેલ(59) નારોલ સુદામા એસ્ટેટમાં પુષ્પ કોર્પોરેશન નામથી ગોડાઉન - ઓફિસ ધરાવીને કેમિકલનો ધંધો કરે છે. મુકેશભાઈને તેમના સગા કાકાના દીકરા કીર્તિભાઈ શાંતિભાઈ પટેલ (સિલ્વર સ્પ્રીંગ બંગલોઝ, સાયન્સ સીટી રોડ) સાથે છેલ્લા 8 મહિનાથી મનમેળ ન હતો. હાલમાં મુકેશભાઈના દીકરા જ્યોતના લગ્ન ફેબ્રુઆરી-2023માં હોવાથી જ્યોતના લગ્નની કંકોત્રીમાં કાકા શાંતિભાઈનું નામ ન લખવા માટે કિર્તીભાઈએ મુકેશભાઈને જણાવ્યું હતુ. કંકોત્રીમાં કાકા શાંતિભાઈનું નામ લખવું જરૂરી હોવાથી સમાજના આગેવાનો આ બાબતે કિર્તીભાઈને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમ છતાં તેઓ આ બાબતે તૈયાર નહોતા થયા અને પોતાની જીદ પર અડગ રહ્યા હતા. આ દરમિયાનમાં 5 નવેમ્બરે બપોરે 2 વાગ્યે મુકેશભાઈ ઘરે હાજર હતા, ત્યારે અચાનક જ તેમના ફોનમાં કિર્તીભાઈનો ફોન આવ્યો અને તેમણે મુકેશભાઈને કહ્યું કે મારા પપ્પા શાંતિભાઈનું નામ તમારા દીકરાના લગ્નની કંકોત્રીમાં લખતા નહીં. નહીંતો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એટલું જ નહીં એ પછી તેમને અપશબ્દો પણ કર્યા હતા. આ પ્રકારની ઘટનાથી ડઘાઈ ગયેલા મુકેશભાઈએ તેમના પરિવારમાં વાત કરી અને અંતે તેમના કાકાના દીકરા કીર્તિભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...