અમદાવાદમાં છેતરપિંડીના કેસો વધી રહ્યાં છે. ભૂમાફિયાઓ બેખૌફ થઈને જમીનો લે-વેચમાં ઠગાઈ આચરી રહ્યાં છે. ત્યારે શહેરમાં એક વ્યક્તિને જમીન ખરીદવી મોંઘી પડી છે. જમીન લેવા માટે એડવાન્સ આપેલા દોઢ કરોડ બાદ દસ્તાવેજ નહીં થતાં મામલો મારી નાખવાની ધમકી સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ જમીનનો રેકોર્ડ ચેક કરતાં તે બીજા કોઈ વ્યક્તિને વેચી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી જમીન ખરીદવા માટે પૈસા આપનાર વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
2016માં એક જમીન વેચવા માટે બતાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતાં મુસ્તાકખાન જમીન લે-વેચનો ધંધો કરે છે. તેમના જમીન દલાલીના જુના ભાગીદાર મોહસીન મુનાવરહુસૈને તેમની ઓળખાણ કનુ ભરવાડ સાથે કરાવી હતી. કનુ ભરવાડે 2016માં વટવાના પીપળજમાં એક જમીન બતાવી હતી. આ જમીન પસંદ પડતાં મુસ્તાકખાને તેને ખરીદવાની તૈયારી દર્શાવી હતી.
જમીનનો ઉચ્ચક સોદો 2.20 કરોડમાં થયો
ત્યારબાદ કનુ ભરવાડે તેમને કહ્યું હતું કે, જમીનમાં એક જુનુ લીટીગેશન છે એ ક્લીયર કરાવી આપીશ અને આ જમીન નવી શરતની છે, જે જુની શરતની કરાવી આપીશ. પરંતુ જમીન શરત ફેરબદલ કરવા માટેનો ખર્ચો તમારે કરવો પડશે. આ માટે મુસ્તાખખાને તૈયારી દર્શાવી હતી. આ જમીનનો ઉચ્ચક સોદો 2.20 કરોડમાં થયો હતો. ત્યાર બાદ મુસ્તાકખાને કનુ ભરવાડને ટુકડે ટુકડે કરીને 1.50 કરોડ આપ્યા હતાં અને બાકીના પૈસા જમીનનો દસ્તાવેજ થયા પછી આપવાની વાત કરી હતી.
દસ્તાવેજની નોંધણી નહીં થતાં ધમકી આપી
જે બાદ દસ્તાવેજની નોંધણી માટે કનુ ભરવાડ ગલ્લા તલ્લા કરવા માંડ્યો હતો. મુસ્તાકખાને જમીનનો રેકોર્ડ કઢાવતાં તે જમીન બીજા વ્યક્તિને વેચાણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કનુ ભરવાડે તેને કહ્યું હતું કે, જમીનના માલિકે જમીન બીજા વ્યક્તિને વેચી દીધી છે, તો અમે તમને બીજી જમીન વેચાણ કરાવીશું અને એવું હશે તો પૈસા પરત આપી દઈશું. આમ વિશ્વાસ કેળવીને કનુ ભરવાડે મુસ્તાકખાનને લટકાવી રાખ્યા હતાં. પરંતુ દસ્તાવેજની નોંધણી નહીં થતાં કનુ ભરવાડે મુસ્તાકને ધમકી આપી હતી કે, જો પૈસા માંગ્યા તો જાનથી મારી નાંખીશ. આ ધમકી મળ્યા બાદ મુસ્તાકખાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.