ચૂંટણીનો માહોલ:અમદાવાદમાં 11 સીટ પર ભાજપ લીડ માટે, પાંચ પર નાક સાચવવા લડે છે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આપ-AIMIM ચાર બેઠક પર કોંગ્રેસનો ખેલ બગાડી શકે એમ છે

અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો પર હજુ ચૂંટણીનો માહોલ જામ્યો નથી. લોકોનું અકળ મૌન હજુ રાજકીય પક્ષોને સતાવે છે. મોટા ભાગની સોસાયટીઓમાં નેતાઓને સભા માટે નો એન્ટ્રી મળી રહી છે ત્યારે નેતાઓ માત્ર સોસાયટીઓની બહારથી રાઉન્ડ લઈ જતા જોવા મળી રહ્યા છે, પણ અમદાવાદ શહેરની 16 બેઠકોની વાત કરીએ તો ભાજપ માત્ર પાંચ બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

આ પાંચ બેઠકોમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા, બાપુનગર અને અમરાઈવાડી છે. 2017માં આમાંથી ચાર બેઠક કોંગ્રેસે જીતી હતી જ્યારે અમરાઈવાડી બેઠક ઓછા માર્જિનથી ભાજપે જીતી હતી. દરિયાપુર અને જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા એ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો છે. બાપુનગરમાં હિન્દી ભાષી મતદારો વધુ છે. બાકીની જે 11 બેઠક છે, તેમાં છેલ્લાં વર્ષોથી ભાજપ જ જીતે છે, પણ અહીં ઉમેદવારો જીતવા માટે નહીં પણ જંગી લીડ માટે લડી રહ્યા છે.

ભાજપના જ ઉમેદવારો વચ્ચે કોણ વધુ મતથી જીતે તેની માટે આકરી સ્પર્ધા ચાલી રહી છે. દરેક ઉમેદવાર એ પ્રયાસ કરી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના વિસ્તારમાં આવીને સભા કરે અથવા રેલી યોજે. તેનું એકમાત્ર કારણ એ છે કે, દરેક ઉમેદવાર પોતાની જીત જંગી લીડથી થાય તેવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. અલબત્ત, મોટા ભાગની બેઠકો પર ઉમેદવાર બદલાઈ ગયા હોવાના કારણે ભૂતપૂર્વ ધારાસભ્યો કરતાં વધુ મત મળે તે માટે પણ તેઓ મહેનત કરી રહ્યા છે.

2017ની ચૂંટણીનું માર્જિન
ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ 1.17 લાખ મતથી વિજયી થયા હતા
બેઠક નંબર બેઠક વિજેતા રનરઅપ માર્જિન
41 ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ (રીપિટ) શશિકાંત પટેલ 117750
42 વેજલપુર કિશોર ચૌહાણ મિહિર શાહ 22695
43 વટવા પ્રદીપસિંહ જાડેજા બિપીન પટેલ 62380
44 એલિસબ્રિજ રાકેશ શાહ વિજય દવે 85205
45 નારણપુરા કૌશિક પટેલ નિતીન પટેલ 66215
46 નિકોલ જગદીશ પંચાલ (રિપીટ) ઈન્દ્રવિજયસિંહ ગોહિલ 24880
47 નરોડા બલરામ થવાણી ઓમપ્રકાશ તિવારી 60142
48 ઠક્કરબાપાનગર વલ્લભ કાકડિયા બાબુભાઈ માંગુકિયા 34088
49 બાપુનગર હિંમતસિંહ પટેલ (રિપીટ) (કોંગ્રેસ) જગરૂપસિંહ રાજપૂત 3067
50 અમરાઈવાડી હસમુખ પટેલ સોમા અરવિંદસિંહ ચૌહાણ 49732
51 દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ (રિપીટ)(કોંગ્રેસ) ભરત બારોટ 6187
52 જમાલપુર-ખાડિયા ઈમરાન ખેડાવાલા (રિપીટ) (કોંગ્રેસ) ભૂષણ ભટ્ટ 29339
53 મણિનગર સુરેશ પટેલ શ્વેતા બ્રહ્મભટ્ટ 75199
54 દાણીલીમડા(SC) શૈલેષ પરમાર (રિપીટ)(કોંગ્રેસ) જિતેન્દ્ર વાઘેલા 32510
55 સાબરમતી અરવિંદ પટેલ ડો. જિતુ પટેલ 68810
56 અસારવા (SC) પ્રદીપ પરમાર કનુ વાઘેલા 49264

આ કારણોસર આ પાંચ બેઠકો પર રસાકસી
જમાલપુર-ખાડિયા | મતોમાં ભારે વિભાજન કોને ફળશે?

જમાલપુર-ખાડિયા ભાજપનો ગઢ ગણાતી બેઠક છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. 2012માં ભૂષણ ભટ્ટે કોંગ્રેસના વિખવાદના કારણે સમીરખાનને હરાવ્યા હતા. આ વખતે અહીં જીતવું એ ભાજપ માટે નાક રાખવા સમાન છે. આપ, ઓવૈસીની પાર્ટીને કારણે મતોમાં મોટાપાયે વિભાજન પણ થશે.

દરિયાપુર | કોંગ્રેસને પોતાના ગઢમાં મત વહેંચાવાનો ડર

આ બેઠક છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસ પાસે છે. 2017માં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે ભાજપના ભરત બારોટને હરાવીને બેઠક જીતી હતી. આ વખતે ભાજપે 30 વર્ષથી સંગઠન સાથે સંકળાયેલા પૂર્વ કોર્પોરેટર કૌશિક જૈનને ઉતાર્યા છે. તેમના માટે સંગઠન મહેનત કરી રહ્યું છે. જ્યારે આપ અને અપક્ષ ઉમેદવાર મુસ્લિમ હોવાથી કોંગ્રેસને વોટ વહેંચાવાનો ડર છે.

દાણીલીમડા | ભાજપ નિષ્ક્રિય, કોંગ્રેસને જીતનો વિશ્વાસ

આ બેઠક છેલ્લી ચાર ટર્મથી કોંગ્રેસ પાસે જ છે. 2017માં પણ કોંગ્રેસના શૈલેશ પરમારે 30 હજાર મતની લીડથી આ બેઠક હાંસલ કરી હતી. આ વખતે પણ અહીં શૈલેશ પરમારને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપે નરેશ વ્યાસને ઉતાર્યા છે. નરેશ વ્યાસ સામે ભૂતકાળમાં ઘણા બધા આક્ષેપો થયા છે. જોકે ભાજપ આ બેઠક પર અન્ય બેઠકો પર મહેનત કરે છે તેવું જોવા મળી રહ્યું નથી.
બાપુનગર | ભાજપ ઉત્તર ભારતીય મતદારોના ભરોસે

​​​​​​​આ બેઠક પર 2017માં કોંગ્રેસના હિંમતસિંહ પટેલે માત્ર 3 હજાર મતથી ભાજપ સામે જીત મેળવી હતી. આ વખતે તેમને રિપીટ કરાયા છે, પણ ભાજપે અહીં હિન્દી ભાષી વધુ હોવાના કારણે ઉત્તર ભારતીય કાર્ડનો ઉપયોગ કર્યો છે. મૂળ ઉત્તર ભારતના અને સરસપુર વોર્ડના કોર્પોરેટર દિનેશસિંહ કુશવાહને મેદાનમાં ઉતાર્યા છે.

અમરાઈવાડી | છેલ્લે હારને લીધે ભાજપના મરણિયા પ્રયાસ

અહીં કોંગ્રેસે બીજી વખત ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. 2017માં અહીં ભાજપના હસમુખ પટેલ જીત્યા હતા, પણ 2019માં પેટા ચૂંટણી થઈ હતી, જેમાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 5047 વોટથી હાર્યા હતા. તેમનું પ્રભુત્વ વધુ હોવાથી કોંગ્રેસે તેમને રિપીટ કર્યા છે. ભાજપ ઓછા માર્જિનથી પેટા ચૂંટણી જીત્યો હોવાથી અહીં પણ એડીચોટીનું ચોર લગાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...