ભાજપના નેતા નૂપુર શર્માએ મોહમંદ પયગંબર પર કરેલ ટિપ્પણી મામલે દેશભરમાં વિવાદ થયો છે. ગઈકાલે વડોદરા તથા અમદાવાદમાં લોકોએ રસ્તા પર પોસ્ટર્સ લઈને ઉતર્યા હતા. ત્યારે હવે વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં નૂપુર શર્માના વિરોધ સાથે રોડ પર પોસ્ટર લાગ્યા છે. રોડ પર લાગેલા પોસ્ટરમાં નૂપુર શર્માના મોઢા પર ચોકડી પણ મારી છે. બીજી તરફ સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન મળી રહ્યું છે.
રખિયાલથી ગોમતીપુર જતા રસ્તે પોસ્ટર લાગ્યા
ગઈકાલે શહેરના લાલ દરવાજા-ત્રણ દરવાજા તથા મિર્ઝાપુર સહિતના અન્ય વિસ્તારમાં વેપારીઓએ દુકાન બંધ કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં રેલી કાઢી હતી. ત્યારે આજે નૂપુર શર્માના વિરોધમાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે. સારંગપુર બ્રિજ ઉતરીને ગોમતીપુર તરફ જવાના રસ્તા પર જ 500 મીટર સુધીમાં જાહેર રોડ પર નૂપુર શર્માના ફોટા સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં નૂપુર શર્માના મોઢા પર ચોકડી પણ દોરવામાં આવી છે. બ્રિજ ઉતરતા કાળીદાસ ચાર રસ્તા સુધી પોસ્ટર લાગ્યા છે. રખિયાલથી ગોમતીપુર આવતા રસ્તા પર પણ આ પ્રકારે જ રોડ પર નૂપુર શર્માના પોસ્ટર લાગ્યા છે.
પોલીસ સાથે SRPની ટુકડી તૈનાત કરાઈ
શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં પણ આ પ્રકારે જ નૂપુર શર્માના પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટર પરથી વાહન પસાર થતા કેટલાક પોસ્ટર ઉખડી ગયા છે તો કેટલાકનો કલર નીકળી ગયો છે. મિર્ઝાપુરમાં ઇમ્પ્રેરિયલ બેકરી સુધી આ પોસ્ટર લાગ્યા હતા. ગઈકાલે થયેલ વિરોધ બાદ આજે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારમાં પોલીસ સાથે SRPની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે.
સુરતમાં નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા બ્રાહ્મણ સમાજના વડિલો
સુરતના પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડિલો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહીને નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું. બ્રાહ્મણ સમાજના યુવા અગ્રણી મોનલ ઠાકરે જણાવ્યું કે, નૂપુર શર્માએ આપેલા નિવેદનમાં કોઈ જ ભૂલ ન હતી. જે પણ લખવામાં આવ્યું છે. એ જ પ્રકારની વાત તેણીએ કરી હતી. છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને. પરંતુ જે રીતે હાલ તેમને મુંબઇ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ છે. સાથે દેશમાં જે રીતે ખોટા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેણી સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે લોકો નૂપુર શર્માના સમર્થન માટે રસ્તાઓ ઉપર ઉતરી જઈશું. દેશના અખંડિતતા માટે અમે નૂપુર શર્માએ સાથે ઊભા રહીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.