કહીં ખુશી કહીં ગમ:અમદાવાદમાં એક મંત્રી સહિત સીટિંગ MLA કપાયા, AMCના પૂર્વ મેયરથી લઈ ચાલુ કોર્પોરેટરને ભાજપે ટીકિટ આપી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી દિનેશ કુશવાહા અને જમણે હર્ષદ પટેલ - Divya Bhaskar
ડાબેથી દિનેશ કુશવાહા અને જમણે હર્ષદ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે 182માંથી 160 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસની બીજી યાદીની રાહ જોવાઈ રહી છે. ત્યારે આજે ભાજપે જાહેર કરેલી યાદીમાં અમદાવાદમાં શહેરમાં ચાલુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે તેમાં પણ ખાસ કરીને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની નજીક ગણાતા પ્રદીપ પરમારને કાપ્યા છે. તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી છે. બીજી તરફ પ્રદિપસિંહની વટવા બેઠકની ટીકિટ ભાજપની આ યાદીમાં જાહેર કરવામાં નથી આવી. પ્રદિપસિંહના તેમના ખૂબ નજીક ગણાતા બાપુનગરના કોર્પોરેટર દિનેશ કુશવાહાને આ વખતે ટિકિટ મળી છે.

અમરાઈવાડીમાં નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો
અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભામાં પણ આ વખતે ભાજપે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. આ પહેલાં આ સીટ પર જગદીશ પટેલ ધારાસભ્ય હતા. જે આનંદીબેન પટેલના ખૂબ જ નજીક માનવામાં આવતા હતા પરંતુ આ વખતે તેમને રીપીટ કરાયા નથી. તેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ મહિલા તબીબને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ચાલુ ધારાસભ્યને કાપવામાં આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં વેજલપુર સીટ પર અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. તેમણે વિદ્યાર્થી નેતાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ભાજપમાં તેમના ખૂબ જ મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમરાઈવાડીમાં ભાજપનો નવો ચહેરો ડો. હસમુખ પટેલ
અમરાઈવાડીમાં ભાજપનો નવો ચહેરો ડો. હસમુખ પટેલ

સૈજપુર બોધા વોર્ડના કોર્પોરેટરની પુત્રીને ટિકિટ મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વટવા વિધાનસભા સિવાય બાકીની તમામ 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઘાટલોડીયા વિધાનસભા બેઠક પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરી એકવાર રીપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદની તમામ 15 બેઠકની વાત કરીએ તો ભાજપ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર, મેયર, ડેપ્યુટી મેયર જેવા હોદ્દા પર રહેલા નેતાઓને ટિકિટ આપી છે. અમદાવાદમાં સૈજપુર બોધા વોર્ડના કોર્પોરેટરની પુત્રીને ટિકિટ આપવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ટીકિટ અપાઈ
એલિસબ્રિજ બેઠક પરથી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત શાહ 1995થી વર્ષ 2020 સુધીની ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે અને વર્ષ 2005થી 2008 સુધીની ટર્મમાં તેઓ અમદાવાદના મેયર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. મણિનગર વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરાયેલા અમુલ ભટ્ટ પણ વર્ષ 2015 થી 2020 સુધીની ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ 2018 થી 2020 સુધીની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

ભાજપના જમાલપુરના ઉમેદવાર ભૂષણ ભટ્ટ
ભાજપના જમાલપુરના ઉમેદવાર ભૂષણ ભટ્ટ

ભૂષણ ભટ્ટને ફરી એકવાર તક આપવામાં આવી
અસારવા વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવાર દર્શનાબેન વાઘેલા પણ વર્ષ 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેઓ 2011થી 2013 સુધી ડેપ્યુટી મેયર તરીકે પણ કોર્પોરેશનમાં રહ્યા હતા. જમાલપુર ખાડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયેલા ભૂષણ ભટ્ટ વર્ષ 200 થી 2015 સુધી જમાલપુર વોર્ડ નંબર કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે અને વર્ષ 2012 થી 2017 સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર વિધાનસભા પરથી તેઓ ફરી એકવાર ચૂંટણી લડ્યા હતા પરંતુ કોંગ્રેસના ઇમરાનખેડા વાલા સામે તેઓની હાર થઈ હતી અને ફરી એકવાર આજે જે યાદી જાહેર થઈ છે તેમાં ભૂષણ ભટ્ટને ફરી એકવાર તક આપવામાં આવી છે.

હિન્દી ભાષી દિનેશ કુશવાહને ટિકિટ આપવામાં આવી
બાપુનગર વિધાનસભા બેઠક પર સૌપ્રથમવાર કોર્પોરેટર બનેલા એવા હિન્દીભાષી દિનેશ કુશવાહને ટિકિટ આપવામાં આવી છે. 2010 થી 2015માં તેઓ બાપુનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારબાદ વર્ષ 2015 થી 2020 સુધીની ટર્મમાં તેઓ બ્રેક લીધો હતો અને ત્યારબાદ વર્ષ 2021ની ચૂંટણીમાં સરસપુર રખિયાલ વોર્ડમાંથી તેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને પહેલીવાર તેઓ કોર્પોરેટર બન્યા અને તેઓને ભાજપ દ્વારા ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી છે.

ભૂષણ ભટ્ટને ટીકિટ મળતાં ઉજવણી શરૂ થઈ હતી
ભૂષણ ભટ્ટને ટીકિટ મળતાં ઉજવણી શરૂ થઈ હતી

કૌશિક જૈન પરિવાર સાથે PM મોદીને મળ્યા હતા
દરિયાપુરમાંથી ઉમેદવાર જાહેર કરાયેલા કૌશિક જૈન પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. કૌશિક જૈન હાલમાં અમદાવાદ શહેર ભાજપમાં મહામંત્રીનો હોદ્દો ધરાવે છે. કૌશિક જૈન ગુજરાત યુનિવર્સિટી મેમ્બર પણ છે અને અમદાવાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર પરિવહન સેવા એવી એએમટીએસમાં કૌશિક જૈન નો કોન્ટ્રાક્ટ પણ ચાલે છે.એક મહિના પહેલા વડાપ્રધાનનો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ હતો ત્યારે કૌશિક જૈન પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...