તંત્ર સામે સવાલ:અમદાવાદમાં પોલીસ કમિશ્નરના ઘરની બહાર રોડ પર પડેલા ખાડા પુરવા PSI ઝાલા દોડ્યા

અમદાવાદ8 મહિનો પહેલા
પોલીસ કર્મીઓએ મળીને પોલીસ કમિશ્નરના ઘરની આજુબાજુ 4થી 5 ખાડા પુરી દીધા
  • આ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ ખાડા છે તો ત્યાં પોલીસ કેમ જઈને ખાડા નથી ભરતી તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું

અમદાવાદ શહેરમાં ઘણા વિસ્તારોમાં રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે. તૂટેલા રસ્તાને લઈને લોકો અનેક વાર તંત્રમાં ફરિયાદો કરે છે પણ આ ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં અમદાવાદ પોલીસ કમિશ્નરના ઘરની બહાર જ રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. પોલીસ કમિશ્નરની આ તકલીફ દૂર કરવા માટે શાહીબાગ પોલીસ સ્ટેશન ના PSI એમ.એચ ઝાલા એ પોતે ખાડા પુરવા માટે જવું પડ્યું હતું. PSI એમ.એચ. ઝાલા અને અન્ય પોલીસ કર્મીઓએ મળીને પોલીસ કમિશ્નરના ઘરની આજુબાજુ 4થી 5 ખાડા પુરી દીધા છે.

કમિશનરના ઘરની સામે જ પુરેલા ખાડાને જોઈ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું
કમિશનરના ઘરની સામે જ પુરેલા ખાડાને જોઈ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું

કપચી નાખીને રોડનું સમારકામ શરુ કરી દીધું
પોલીસ કમિશનરના ઘરની આજુબાજુના 1 એક કિ.મી વિસ્તારમાં 10થી 12 ખાડા પડેલા છે. રોડની હાલત એટલી ખરાબ છે કે કેટલીક વખત અકસ્માત પણ થાય છે. શાહીબાગ અને મેધાણીનગર વચ્ચે રોડનું ધોવાણ થવાના કારણે આખો રસ્તો ખરબચડો થઈ ગયો છે. પરંતુ તે બાબત PSI એમ.એચ. ઝાલા ને ધ્યાનમાં ન આવી કારણ કે પોલીસ કમિશ્નરને તે માર્ગ પરથી પસાર થવાનું થતું નથી. એટલે એ ખાડાની હાલત એમની એમ જ છે. જો કે PSIએ પોલીસ કમિશનરના ઘરની સામે જ પુરેલા ખાડાને જોઈ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું અને PSI એ પુરેલા ખાડાની જગ્યાએ રેતીને બદલે કપચી નાખી રોડનું સમારકામ કરવાનું શરૂ કરી દીધું હતું.

રોડનું ધોવાણ થવાના કારણે આખો રસ્તો ખરબચડો થઈ ગયો છે
રોડનું ધોવાણ થવાના કારણે આખો રસ્તો ખરબચડો થઈ ગયો છે

તૂટેલા રોડની ફરિયાદ લોકોએ કરવી પડશે
તેઓ એ જણાવ્યું કે અમને અહીયા 4-5 ખાડા પુરવાની જ સૂચના મળી છે. બાકી આ વિસ્તારના અન્ય ખાડા અને રોડ રસ્તાની ફરિયાદ તો લોકોએ કરવી પડશે. આ જોતા લાગે છે કે એક ઉચ્ચ અધિકારીને તકલીફ પડે તો કેટલા અધિકારીઓ ઉચા નીચા થઈ જાય છે. અને તાત્કાલિક તેઓ તેમની તકલીફ દૂર કરવા માટે દોડી આવે છે અને બીજી બાજુ સામાન્ય જનતા કે જે કોર્પોરેશનનો ટેક્સ પણ સમયસર ભરે છે પણ તેને તેનો હક લેવા માટે પણ ધક્કા જ ખાવા પડે છે.આ રોડ રસ્તા માટેની જવાબદારી AMCની હોય છે.

અન્ય સમાચારો પણ છે...