લોકો પોતાની તકલીફો દુનિયામાં સૌથી વધુ છે એમ માનીને નિરાશા તરફ ધકેલાઈ જાય છે, પણ આપણી આસપાસ પણ એવા અનેક લોકો છે, જેમને માથે છત નથી તો રહેવા જે ઝૂંપડું હતું એ પણ વાવાઝોડાએ ઉજાડી દીધું છે. આ બધાની વચ્ચે તેમનો જીવન પ્રત્યેનો અભિગમ અને ચાહ લોકોને પ્રેરણા આપી જાય છે. થલતેજ સ્મશાનગૃહ પાસે રહેતા લોકો વાવાઝોડા બાદ રસ્તા પર છે, પણ તેમના એક બાળકનો જન્મદિવસ હતો અને કોઈ મોટા લોકોને પણ બે ઘડી વિચારતા કરી દે એ રીતે તેમણે ક્યાંકથી રૂપિયા ભેગા કર્યા અને બર્થ ડે કેક કાપી તેમજ ડાન્સ પણ કર્યો હતો.
પરિવારમાં 1 વર્ષના દીકરા યુવરાજનો બર્થ ડે ઊજવ્યો
બુધવારે રાતે થલતેજ સ્મશાનની બહાર આવેલી શિવજીની વિશાળ પ્રતિમાની બહાર કેટલાક લોકો મસ્તીમાં નાચી રહ્યા હતા. અહીં સ્ત્રી-પુરુષ બધાં હતાં. આ લોકોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારી પાસે તો કશું જ નથી સાહેબ, જે હતું એ વાવાઝોડું કાલે લઈ ગયું, પણ અમે ફરી મહેનત કરીશું. આજે અમારા પરિવારમાં 1 વર્ષના દીકરા યુવરાજનો બર્થ ડે છે. તેના માટે ક્યાંકથી વ્યવસ્થા કરીને કેક લાવ્યા છીએ.
વાવાઝોડું આવવાથી આ ગરીબોનાં ઝૂંપડાં ઊડી ગયાં
કોરોનાનીબીજી વેવ શરૂ થઈ ત્યારથી દરેક સ્મશાન 24 કલાક ચાલે છે. અનેક લોકોનાં મૃતદેહોને થલતેજ સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે લવાય છે. એક તરફ અહીંથી નીકળતાં પણ લોકો ફફડે છે, ત્યારે આ સ્મશાનની સામે જ અનેક ગરીબ લોકો કાચાં ઝૂંપડાંમાં રહે છે. તાઉ-તે વાવાઝોડું આવવાથી આ ગરીબ લોકોનાં ઝૂંપડાં ઊડી ગયાં, પોતાની પાસે કંઈ હતું તો નહીં, જે મળે એનાથી દિવસો ટૂંકા કરે છે. આ પરિવાર પણ પોતાના જીવન જીવવાનો અભિગમ ઊડીને આંખે વળગે એવો છે. ભલે ગરીબ છે, પણ તેમણે આ કપરી પરિસ્થિતિમાં પણ નાની ખુશી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.