અમદાવાદ શહેરના રોડ-રસ્તા પર ટ્રાફિક જામની મુખ્ય સમસ્યા રોડ, ફૂટપાથ અને જગ્યાઓ પર લારી-ગલ્લા અને અન્ય દબાણ મુખ્ય કારણ છે. અમદાવાદ શહેરમાંથી લારી ગલ્લાના દબાણ દૂર કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની છે. એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવાના ચોંકાવનારા આંકડાઓ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એસ્ટેટ વિભાગ માત્ર કાગળનો વાઘ બની ગયું છે. કાગળ ઉપર એસ્ટેટ વિભાગે રોડ ઉપરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હોવાનું બતાવવામાં આવે છે પરંતુ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે કે એક વર્ષમાં માત્ર 2834 લારી ગલ્લાઓ એસ્ટેટ વિભાગ દૂર કરી શક્યું છે. રોડ પર દબાણ કરી અને જપ્ત કરાયેલા સામાન અને અન્ય બાબતો માટે રૂ. 22.98 લાખનો જ વહીવટી ચાર્જ વસુલ કર્યો છે.
કામગીરીની વાતો માત્ર કાગળ પર
શહેરમાં દબાણો દૂર કરવા અને માર્જિનની જગ્યા દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને કામગીરી થતી હોવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ ખરેખર કાગળ ઉપર કોઈ કામગીરી દેખાતી નથી જેથી સ્પષ્ટ જણાય છે કે કામગીરી જોવા માટે અધિકારીઓ કે ભાજપના શાસકો ફિલ્ડમાં ઉતરતા જ નથી અને ભ્રષ્ટાચાર કરતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને જલસા પડી ગયા છે. મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું ભાજપના શાસકો સુધી પણ અનેક ફરિયાદો આવી છે છતાં પણ તેઓની સામે કાર્યવાહી કરતાં કેમ ગભરાય છે શુ ભાજપના શાસકો અને અધિકારીઓની પણ મિલીભગત છે
ચોંકાવનારા આંકડા સામે આવ્યાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ ભ્રષ્ટાચારમાં ડૂબેલું હોવાનો અવાર-નવાર ફરિયાદો ઊઠે છે ઉપરથી લઈ અને નીચેના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની અનેક ફરિયાદો પણ આવે છે જોકે આ બાબતો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી શહેરના રસ્તા પર લારી ગલ્લાના દબાણો, પરચુરણ માલસામાન દૂર કરવાના, ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનો અને વહીવટી ચાર્જ અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં 2934 લારી ગલ્લાના દબાણો, 491 રોડ પર ગેરકાયદેસર રીતે દબાણ કરેલા અને ઉપાડેલા વાહનો, 25948 અન્ય પરચૂરણ માલસામાનનો, 80 ભયજનક મકાનોને નોટિસ અને ઉતારી લેવાયા છે. 22.98 લાખનો જ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
દર મહિને હપ્તા વેપારીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે
આ આંકડાઓ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એસ્ટેટ વિભાગ દ્વારા માત્ર નામની કામગીરી કરવામાં આવે છે. શહેરના મોટાભાગના રસ્તાઓ ઉપર લારી ગલ્લાના દબાણો કરી દેવામાં આવે છે આખેઆખું બજાર પણ રોડ ઉપર જોવા મળે છે જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થાય છે સૌથી મોટું ભદ્ર બજાર જે મોટું દબાણ છે અને કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારી તડવી સહિત ભાજપના સત્તાધીશો પણ જાણે છે છતાં ત્યાંથી દૂર કરવામાં નથી આવતું. બીજી તરફ શહેરમાં રોડ પર સાંજે લારીઓ લાઇનસર અસર ઊભી રહે છે એસ્ટેટ વિભાગ તેને દૂર કરતું નથી. અધિકારીઓથી અને કર્મચારીઓ દ્વારા દર મહિને હપ્તા વેપારીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે. તેના કારણે આવી નબળી કામગીરી હોવાનું સ્પષ્ટ પુરવાર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.