તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદમાં 25 હજાર લોકોને જ રસી આપી શકાય તેટલો જથ્થો, આજે નવો સ્ટોક નહીં આવે તો મંગળવારે રસીકેન્દ્રો બંધ રહેશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટાગોર હોલમાં સિક્યુરિટીએ પાછલા બારણે લોકોને ઘૂસાડતાં ભારે હોબાળો - Divya Bhaskar
ટાગોર હોલમાં સિક્યુરિટીએ પાછલા બારણે લોકોને ઘૂસાડતાં ભારે હોબાળો
  • અગાઉ ત્રણથી ચાર દિવસ ચાલે તેટલો સ્ટોક રહેતો હતો પણ ત્રણ દિવસથી મર્યાદિત જથ્થો આવે છે
  • મ્યુનિ.ની 1 લાખ ડોઝની માગણી સામે સરકારે માત્ર 10 હજાર ડોઝની ફાળવણી કરતાં ગણતરી ઊંધી વળી

એક તરફ સરકાર જાહેરાતો કરી લોકોને રસી લેવા આકર્ષિત કરી રહી છે તો બીજી તરફ લોકો રસી લેવા કેન્દ્રો પર પહોંચે ત્યારે રસીનો સ્ટોક ઉપલબ્ધ હોતો નથી. છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશન પાસે રસીનો ખૂબ મર્યાદિત સ્ટોક આવી રહ્યો છે. અમદાવાદમાં વેક્સિનેશન મહાભિયાનની શરૂઆત થઈ ત્યારથી સરેરાશ રોજે 40 હજાર લોકોને રસી અપાઈ રહી છે. મ્યુનિ. પાસે ત્રણ-ચાર દિવસનો એડવાન્સ સ્ટોક ઉપલબ્ધ રહેતો હતો. જોકે સોમવારે અમદાવાદમાં ફકત 25 હજાર લોકોને જ રસી આપી શકાય એટલો જ સ્ટોક ઉપલબ્ધ છે. જો સોમવાર સાંજ સુધી રસીનો વધુ સ્ટોક નહીં આવે તો મંગળવારે શહેરમાં વેક્સિનેશન બંધ રાખવું પડશે.

રાજ્ય સરકારે રવિવારે સાંજે પાંચ વાગ્યે કોર્પોરેશને ફકત 10 હજાર અને અમદાવાદ જિલ્લાને ફકત બે હજાર રસીના સ્ટોકનું એલોકેશન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે એક લાખ રસીના ડોઝની ડિમાન્ડ કરી હતી તેની સામે રાજ્ય સરકારે ફકત 10 હજાર ડોઝ એલોકેટ કર્યા હતા. શહેરના લગભગ 400 રસી કેન્દ્રો ઉપર છેલ્લા ત્રણ દિવસમાં 85 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી. રવિવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિએ મ્યુનિ. પાસે ફકત 15,700 રસીના ડોઝનો સ્ટોક ઉપલબ્ધ હતો જેમાં સાંજે 10 હજાર રસીનો સ્ટોક એલોકેટ થતા મ્યુનિ. પાસે રસીનો કુલ સ્ટોક 25,700 થયો હતો.

ટાગોર હોલમાં સિક્યુરિટીએ પાછલા બારણે લોકોને ઘૂસાડતાં ભારે હોબાળો
ટાગોર હોલમાં રવિવારે રસીનો મર્યાદિત સ્ટોક આવ્યો હોવાથી સ્ટોક મુજબ ટોકન ફાળવવામં આવ્યા હતા. ટોકન વિતરણની જવાબદારી ત્યાંના સુરક્ષાકર્મીઓને સોંપવામાં આવી હતી પણ તેમણે પાછલા બારણેથી લોકોને ઘૂસાડતા ટોકન લઈને લાઈનમાં બેઠેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ત્યાં ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારેલા વિડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.

રવિવારે સૌથી ઓછા 20 હજારને રસી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 21 જૂથથી વેક્સિનેશન મહાભિયાનનો પ્રારંભ કર્યો હતો જેમાં રવિવારે સૌથી ઓછુ 20,158 લોકોનું રસીકરણ નોંધાયું હતું. રવિવારે 11,817 પુરૂષ અને 8,341 મહિલાઓનો સમાવેશ થયો હતો. રવિવારે 18થી 44 વયજૂથના 11,903 અને 45 વર્ષ ઉપરના 7,264 લોકોને રસી આપવામાં આવી હતી. રવિવારે 307 સુપરસ્પ્રેડરને મ્યુનિ.એ સામે ચાલી રસી આપી હતી. આ સાથે અત્યાર સુધી શહેરના 10,090 સુપરસ્પ્રેડરને રસી અપાઈ હતી.

સરેરાશ જરૂરિયાત કરતાં પણ ઓછો સ્ટોક

  • રાજ્યના 41 જિલ્લાઓમાં રવિવારે સાંજે 1,62,990 રસીનો સ્ટોક હતો
  • કેન્દ્ર સરકારે રવિવારે રાજ્ય માટે ફકત 1,24,000 રસીનો સ્ટોક એલોકેટ કર્યો
  • રવિવારની સાંજે 5 કલાકે રાજ્યમાં રસીનો કુલ 2,86,990 રસીનો સ્ટોક હતો
  • દરરોજ રાજ્યમાં સરેરાશ 3,05,694 લોકોને રસી આપવામાં આવે છે
  • એટલે કે, સોમવારે રાજ્ય પાસે સરેરાશ વપરાશ કરતાં પણ રસીનો ઓછો સ્ટોક ઉપલબ્ધ છે.
અન્ય સમાચારો પણ છે...