વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં NSUIના આગેવાનોએ PPE કીટમાં ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા દેખાવો કર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
NSUIના આગેવાનોએ રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરી
  • પરીક્ષા રદ નહીં થાય તો આગામી સમયમાં DEO અને શિક્ષણ મંત્રીનો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી.
  • ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર વિદ્યાર્થી નોંધાયા.

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ રીપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અમદાવાદમાં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનના આગેવાનોએ PPE કીટ પહેરીને DEO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર આપ્યું હતું.

શિક્ષણમંત્રીનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી
ધોરણ 10 ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તે માટે અમદાવાદમાં NSUIના આગેવાનો અને કાર્યકરો PPE કીટ પહેરીને DEO કચેરી પહોંચ્યા હતા .DEO કચેરી બહાર NSUIના કાર્યકરોએ નારા લગાવ્યા હતા અને પરીક્ષા રદ કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તેમણે PPE કીટ પહેરીને DEOને આવેદન આપ્યું હતું. NSUIના મહામંત્રી તૌશિત મકવાણાએ જણાવ્યું હતું કે કોરોના વચ્ચે રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવે. પરીક્ષા રદ નહિ થાય તો આગામી સમયમાં DEO અને શિક્ષણ મંત્રીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

NSUIના આગેવાનોએ PPE કીટ પહેરીને વિરોધ કર્યો
NSUIના આગેવાનોએ PPE કીટ પહેરીને વિરોધ કર્યો

રીપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશન ઈચ્છે છે
વિદ્યાર્થીઓના આરોગ્યના હિતમાં કેન્દ્ર સરકારના CBSE સ્કૂલના વિદ્યાર્થીઓના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10ની માફક ધોરણ 12ના માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને લઈ ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની સાથે હવે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની માગ કરી રહ્યાં છે.

PPE કીટ પહેરીને શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપ્યું
PPE કીટ પહેરીને શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપ્યું

ધોરણ 10 અને 12માં આટલા રીપિટર વિદ્યાર્થીઓ નોંધાયા
બોર્ડની પરીક્ષામાં રિપીટર વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવશે.

NSUI દ્વારા ઉગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી
NSUI દ્વારા ઉગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી

યુનિવર્સીટીની લો ની ઓફલાઈન પરીક્ષા મુદ્દે પણ વિરોધ
તાજેતરમાં જ ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે લો ની પરીક્ષા પણ ઓફલાઈન ના યોજાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સીટીના પરીક્ષા નિયામકને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં લો ની પરીક્ષા ઓફલાઈન ના યોજવા માંગણી કરવામાં આવી છે.અગામી 10 જુનથી લો ની પરીક્ષા શરુ થઇ રહી છે જે માટે યુનિવર્સીટી દ્વારા તૈયારી ચાલી રહી છે. પરંતુ હાલની સ્થિતિને જોતા ઓફલાઈન પરીક્ષા ના યોજવા યુથ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પની વ્યવસ્થા નહિ કરવામાં આવે તો NSUI દ્વારા ઉગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.