કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ:જગદીશ ઠાકોરે કહ્યું, મોઘવારીના વિરોધમાં આજે બંધનું આયોજન હતું, વેપારીઓને દુકાનો બંધ નહીં કરવા ભાજપે ધમકીઓ આપી

અમદાવાદ19 દિવસ પહેલા
  • અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી
  • પોલીસે કોંગ્રસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની ટીંગાટોળી કરીને અટકાયત કરી

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે. ત્યારે આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે. આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. હાલમાં વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં NSUIના કાર્યકરોએ AMTS બસ અને ઇન્ડિયન ઓઇલની ટ્રક રોકી હતી. પોલીસ આવતા જ કાર્યકરો ભાગી ગયા હતા તો કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત કરાઈ.જગદીશ ઠાકોરે કહ્યું, મોઘવારીના વિરોધમાં આજે બંધનું આયોજન હતું, વેપારીઓને દુકાનો બંધ નહીં કરવા ભાજપે ધમકીઓ આપી હતી.

ધારાસભ્ય વીરજી ઠુમ્મરની પોલીસે ટીંગાટોળી કરી.
ધારાસભ્ય વીરજી ઠુમ્મરની પોલીસે ટીંગાટોળી કરી.

ધારાસભ્ય વીરજી ઠુમ્મરની પોલીસે ટીંગાટોળી કરી
અમરેલી જિલ્લામાં અમરેલી શહેર બાબરા અને સાવરકુંડલામાં જ કોંગ્રેસનું વિરોધપ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં બંધ કરાવવા નીકળેલા લાઠી-બાબરાના ધારાસભ્ય વીરજી ઠુમ્મરની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે રોડ વચ્ચે બેસી ચકાજામ કર્યો હતો, તો અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોલીસ સાથે રકઝક કરતાં પોલીસે અંતે અટકાયત કરી હતી. આ તરફ જામનગરના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ-પ્રમુખ સહિતના કાર્યકરો દુકાનો બંધ કરાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. એને લઈને પોલીસ આક્રમક બની હતી અને તમામની અટકાયત કરી હતી.

પાટણમાં દુકાન બંધ કરવા મામલે ઉગ્ર બોલાચાલી
નડિયાદ કોંગ્રેસના બંધના એલાનનો ફિયાસ્કો થઇ ગયો હતો. કોંગી કાર્યકરોએ દુકાનો બંધ કરાવી તો પોલીસે તુરંત દુકાનો ખોલાવી દીધી હતી. જેને લઇને શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું છે કે, અમે બે દિવસ પહેલા શહેરના નગરજોને આ મામલે બંધ રાખવા અપીલ કરી હતી. જેનો આજે અમને સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ અમે જ્યારે બંધ કરાવતા હતા ત્યારે ભાજપ સરકારના ઇશારે ચાલી રહેલી પોલીસે અમારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરી જે દુકાનો બંધ કરાવી હતી તેને ખોલાવી દેવડાવામાં આવી હતી આમ છતાં પણ અમને સાથ સહકાર મળ્યો છે જેથી અમે નગરજનોના આભારી છે. પાટણમાં મોંઘવારીના વિરોધમાં કોગ્રેસના કાર્યકરો દુકાનો બંધ કરાવતા શહેરના હિંગળાચાચર ચોકમાં એક દુકાનદાર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે દુકાન બંધ કરવા મામલે ઉગ્ર બોલા ચાલી થઈ હતી.

વાસદ બગોદરા હાઈવે પર ટાયરો સળગાવ્યા.
વાસદ બગોદરા હાઈવે પર ટાયરો સળગાવ્યા.

વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ
આંકલાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો દ્વારા વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવ્યા હતા. પોલીસે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી

પોલીસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
પોલીસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યૂથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચૂડાસમા અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં બંધ કરાવવા રસ્તા પર ઊતર્યા છે. રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

રાજકોટમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત.
રાજકોટમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત.

રાજકોટમાં NSUIના પ્રદેશ પ્રમુખની અટકાયત
રાજકોટમાં NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા મુદ્દે અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ અને એન.એસ.યુ. આઈના નેતાઓને કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. એ ઉપરાંત શહેરમાં દુકાનો અને ઓફિસો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ હતી. ગુંદાવાળી વિસ્તારમાંથી કોંગ્રેસનેતા અશોકભાઈ ડાંગર અને કાર્યકરોની અટકાયત કરાઈ છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની અટકાયત.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની અટકાયત.

વેજલપુરમાં દુકાનદારનું સન્માન કર્યું
શહેરના વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના નેતા રાજેન્દ્ર પટેલ, મહિલા પ્રમુખ SC/ST સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠળિયા સહિતના કાર્યકરો દ્વારા દુકાનો તથા ઓફિસો બંધ કરાવવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ઓફિસ બંધ કરાવ્યા બાદ દુકાનદારોનું ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસ બહાર પહેલેથી પોલીસ- બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ કરવા બહાર આવતાં ડિટેન કરવામાં આવ્યા હતા. નવરંગપુરાના સી.જી. રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાટકેશ્વર સર્કલ પાસેની હોટલ બંધ કરાવવામાં આવી છે.

વેજલપુરમાં દુકાનદારનું કોંગ્રેસના કાર્યકરોએ સન્માન કર્યું.
વેજલપુરમાં દુકાનદારનું કોંગ્રેસના કાર્યકરોએ સન્માન કર્યું.

NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી
NSUIના કાર્યકરોએ સવારથી શહેરમાં સી.યુ. શાહ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. બીજી તરફ શહેરના નરોડા વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ જગદીશ ઠાકોર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બંધ કરાવવા નીકળ્યા હતા. કોલેજો બંધ કરાવી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી. હાલમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં બંધ પાળવામાં આવી રહ્યો છે.

સીયુ શાહ કોલેજમાં પણ NSUIના કાર્યકરોએ બંધ કરાવવા હલ્લાબોલ કર્યો હતો.
સીયુ શાહ કોલેજમાં પણ NSUIના કાર્યકરોએ બંધ કરાવવા હલ્લાબોલ કર્યો હતો.

મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર બંધનું એલાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. એમાં હવે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાન કરાયું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિયેશનને મળી વિનંતી કરી હતી. સરકાર દ્વારા હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધ જાહેરાત કરાઇ છે.

એલડી આર્ટ્સ કોલેજમાંથી બહાર નીકળી રહ્યા છે.
એલડી આર્ટ્સ કોલેજમાંથી બહાર નીકળી રહ્યા છે.

કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન પણ કરશે
ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંશિક બંધ રાખવા વેપારી મંડળોને રજૂઆત કરવામાં આવી છે. ઘઉં, દૂધ, દહીં, તેલ, ગોળમાં જીએસટીનો વધારો અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવવધારાને કારણે સર્જાયેલી આ સ્થિતિના વિરોધમાં આપવામાં આવેલા આ સાંકેતિક બંધને વેપારી મંડળો અને નાગરિકો ટેકો આપે એ માટે કોંગ્રેસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. આજે વિવિધ સ્થળે કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...