તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad Municipal Corporation, For The First Time In The History Of BJP, The Appointments Of Lower Committees Will Be Made In A Month.

આંતરિક તકરાર:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ઇતિહાસમાં પહેલીવાર નીચલી કમિટીઓના હોદ્દેદારો એક મહિના પછી નિમાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 એપ્રિલ બાદ કોર્પોરેશનની 10થી વધુ કમિટીઓના ચેરમેન-ડેપ્યુટી ચેરમેનની નિમણુંક કરવામાં આવશે
  • ભાજપના કેટલાક નેતાઓ અને કોર્પોરેટરોમાં નારાજગી અને જુથવાદને લઈ મોડી નિમણુંક થશે

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની રચના બાદ અન્ય 10થી વધુ કમિટીઓની રચના કરી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન નીમવામાં આવે છે, જોકે ભાજપના આંતરિક જુથવાદ અને નારાજગીના કારણે મ્યુનિસિપલ ભાજપના ઇતિહાસમાં આ તમામ કમિટીઓની રચના એક મહિના મોડી એટલે કે, આગામી એપ્રિલ મહિનાના અંતમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

સ્ટેન્ડિંગ કમિટીની નિમણુંકમાં આંતરિક ખટરાગ
ભાજપના પ્રભારી તરીકે વર્ષોથી સુરેન્દ્ર પટેલ( સુરેન્દ્ર કાકા) હતા. પરંતુ તેઓને હટાવી હવે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ઔડાના ચેરમેન રહી ચૂકેલા ધર્મેન્દ્ર શાહને પ્રભારી બનાવાયા છે. સ્ટેન્ડિંગ કમિટીની નિમણુંકમાં પણ આંતરિક ખટરાગ અને વિરોધનો સુર ઉઠ્યો હતો. જોકે તે ખુલીને બહાર આવ્યો નથી. અન્ય કમિટીઓની રચનામાં પણ ભાજપનો આંતરીક વિખવાદ સામે ન આવે તેના માટે હવે કમિટીઓ મોડી જાહેર કરવામાં આવે તેવી પુરી શકયતા છે.

મહાપાલિકામાં હોદ્દાઓ સંભાળી ચૂકેલા આગેવાનોમાં નારાજગીનો સૂર શરૂ થઈ ગયો છે
મહાપાલિકામાં હોદ્દાઓ સંભાળી ચૂકેલા આગેવાનોમાં નારાજગીનો સૂર શરૂ થઈ ગયો છે

ભાજપ આંતરિક વિવાદ વકર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપે સત્તા હાંસલ કર્યા બાદ પણ ભાજપ આંતરિક વિવાદ વકરી રહ્યો છે. કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામો નક્કી કરવામાં શહેર ભાજપના નેતાઓએ પોતાની જોહુકમી ચાલતી હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ સુધી રજુઆત અને ફરિયાદો કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કમિટીઓના પદને લઇ આંતરિક વિવાદ સર્જાયો છે જેથી ધર્મેન્દ્ર શાહને ચોક્કસ જવાબદારી સોંપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2021-22ના બજેટ બાદ 15 એપ્રિલ બાદ સામાન્ય સભા બોલાવી તમામ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણુંક થશે.

ટિકિટોની ફાળવણીથી જ આંતરિક વિખવાદ શરૂ થયો
શહેર ભાજપના એક સિનિયર આગેવાન સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીથી જ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો, કેમ કે ભાજપના પાર્લમેન્ટરી બોર્ડમાં નક્કી થયેલા ઉમેદવારોમાંથી 15 જેટલાં નામો રાતોરાત બદલાઈ ગયાં હતાં, જેની રજૂઆત પક્ષ-પ્રમુખ પાટીલ સહિત પાર્લમેન્ટરી બોર્ડના સભ્યો સુધી કરવામાં આવતાં તેઓ પણ ચોંકી ગયા હતા અને ટિકિટ ફાળવણીમાં શહેરમાંથી ગોલમાલ થઈ હોવાની શંકાના આધારે કેટલાક જવાબદાર આગેવાનોના ખુલાસા પણ માગવામાં આવ્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ
ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ

સુરેન્દ્ર પટેલના નામે પક્ષમાં વિવાદની શંકા
આ ઉપરાંત મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દાનાં નામો નક્કી કરવામાં પણ ચોક્કસ આગેવાનોની મનમાની ચાલી હોવાથી અમદાવાદ ભાજપમાં વર્ષોથી કામ કરતા અને મહાપાલિકામાં હોદ્દાઓ સંભાળી ચૂકેલા આગેવાનોમાં નારાજગીનો સૂર શરૂ થઈ ગયો છે, તેમાં પણ મહાપાલિકાના કર્તાહર્તા અને માર્ગદર્શક એવા સુરેન્દ્ર પટેલના નામે મીડિયા અને સોશિયલ મીડિયા અને પક્ષમાં એક વિવાદ ચલાવવામાં આવતો હોવાની શંકાના આધારે પણ શહેર ભાજપનું એક સિનિયરનું એક જૂથ અકળાઈ ગયું છે અને ભાજપના વડીલ આગેવાન સુરેન્દ્ર કાકા સામે ચાલી રહેલી રમતોના મામલે માથું ઊંચકવા તૈયારી કરી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં અમદાવાદ મહાપાલિકામાં અને શહેર ભાજપ સામે નવો મોરચો ઊભો થઇ શકે છે.

સુરેન્દ્ર કાકાનો યુગ સમાપ્ત
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનની શરૂઆત થઈ; ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકાનો યુગ સમાપ્ત જોવા મળી રહ્યો છે. સુરેન્દ્ર કાકાના કહેવા મુજબ, કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ પક્ષના નેતાની વરણી થતી હતી. જોકે આ ટર્મથી હવે સુરેન્દ્ર કાકાનું વર્ચસ્વ ઘટી ગયું છે. ગત બુધવારે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થઈ હતી, જેમાં આંતરિક નારાજગી સાથે હોદ્દેદારોની નિમણૂક થઈ હોવાને લઇ ચર્ચા જાગી છે. કોર્પોરેશનમાં ભાજપની સત્તા આવી છે ત્યારથી સુરેન્દ્ર કાકા કહે એ જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બનવાની પરંપરા પ્રદેશ હાઇકમાન્ડે તોડી મેયર તરીકે ગોરધન ઝડફિયાના ખાસ ગણાતા કિરીટ પરમારની વરણી કરી હતી, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે છેલ્લી ઘડી સુધી આંતરિક નારાજગી વચ્ચે હિતેષ બારોટની જાહેરાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...