નોકરી માટે લાઈન:અમદાવાદમાં સિગ્નલ સ્કૂલ માટે 22 શિક્ષક-સહાયકની ભરતીમાં 500થી વધુ લોકો ઉમટ્યા, રોડ પર બહાર સુધી લાઈન લાગી

અમદાવાદ5 મહિનો પહેલા
શિક્ષકની નોકરી માટે આવેલા ઉમેદવારોની તસવીર - Divya Bhaskar
શિક્ષકની નોકરી માટે આવેલા ઉમેદવારોની તસવીર
  • 10થી 15 હજારના પગાર માટે મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતીમાં લાઈન લાગી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર રસ્તા પર ભીખ માંગતા 15 વર્ષ સુધીના બાળકોને શિક્ષા મળે તેના માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિગ્નલ સ્કૂલ શરૂ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા હંગામી ધોરણે શિક્ષકો અને સહાયકો સહિત કુલ 22 જગ્યાઓ ભરતી કરવામાં આવનાર છે. આજે પાલડી સ્કાઉટ ભવન ખાતે ભરતી માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું.

11 વાગ્યાથી ઈન્ટરવ્યૂ માટે 9 વાગ્યાથી લાઈન લાગી
સવારે 11 વાગ્યાથી ઇન્ટરવ્યૂ શરૂ થવાનું પરંતુ 9 વાગ્યાથી લોકોની લાઈન લાગી હતી. આશરે 500 જેટલા લોકો ઇન્ટરવ્યૂ માટે લાઈનમાં લાગ્યા હતા. સ્કાઉટ ભવનથી બહાર રોડ પર પણ લાઈનો લાગી હતી. રૂ. 10,000 અને 15,000ની નોકરી માટે મોટી સંખ્યામાં લોકો આવતાં ચોક્ક્સપણે જણાય છે કે અમદાવાદમાં હજારો બેરોજગારો છે. માત્ર 10-15 હજારનો જ પગાર હોવા છતાં આટલી મોટી લાઈન શિક્ષકોની ભરતીમાં લાગી હતી.

બસને સ્કૂલમાં ફેરવાશે
'ભીક્ષા નહીં શિક્ષા' અંતર્ગત સિગ્નલ સ્કૂલ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ તથા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીની સંયુક્ત કામગીરીમાં પ્રોજેક્ટ શરૂ કરાશે. જેને ત્રણ ફેઝમાં કરવામાં આવશે. જેમાં 6થી 14 વર્ષના ભીખ માંગતા બાળકોને શિક્ષા તરફ વાળવામાં આવશે. વર્ગખંડને અનુરૂપ બસ તૈયાર કરીને તેમાં આ બાળકોને શિક્ષણ, પુસ્તકો, સ્કોલરશીપ જેવી યોજનાનો લાભ આપવામાં આવશે.

ફેઝ-1

  • શહેરના વિવિધ ચાર રસ્તા પર 6 થી 14 વર્ષની વય જૂથના ભીખ માંગતા બાળકોને ‘ભીક્ષા નહિ શિક્ષા’ તરફ વાળવા
  • શાળાને અનુરૂપ 8 મોટી બસની ડિઝાઈન તૈયાર કરી જે-તે સ્થળે શિક્ષણ આપવાની જોગવાઈ
  • દરેક બસમાં 2-શિક્ષક અને 1-હેલ્પરની વ્યવસ્થા
  • બાળકોને શૈક્ષણિક કીટ, પાઠય પુસ્તક, એમ.ડી.એમ., સ્કોલરશીપ યોજનાઓનો લાભ
  • બાળકોને એ.એમ.સી. આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચકાસણી
  • બાળકો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સફળતા રીતે પૂર્ણ કરે ત્યાં સુધી તેમનું ટ્રેકીંગ
  • 20 જાહેર રસ્તા પરના 139 વિદ્યાર્થીઓને 8 બસના માધ્યમથી સિગ્નલ સ્કુલ કોન્સેપ્ટથી સફળતાપૂર્વક 9.30થી 11.30 સુધી શિક્ષણ

ફેઝ-2

  • આ પ્રોજેક્ટના બીજા ચરણમાં કન્સ્ટ્રકશન સાઈટના બાળકોને આવરી લેવામાં આવશે.

ફેઝ-3

  • 'ભીક્ષા નહીં શિક્ષા' અંતર્ગત સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટના ત્રીજા ચરણમાં સ્લમ અને આંગણવાડીના બાળકોને આવરી લેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...