રાજયમાં બાંધકામ તેમજ રોડ મટીરીયલમાં સૌથી મહત્વના ગણાતા ક્વોરીના ઉત્પાદકોની હડતાળ છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ શહેરમાં રોડ- રસ્તાની કામગીરી પર સીધી અસર પડી છે. કપચી ઉત્પાદકોની હડતાળના કારણે અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી રોડ રિસરફેસ અને નવા બનાવવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.જે કોન્ટ્રાક્ટરો પાસે અગાઉથી મંગાવેલો માલ પડ્યો છે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જો આ હડતાળ વધુ લાંબી ચાલશે તો અમદાવાદ શહેરમાં તમામ રોડ-રસ્તાના કામ બે દિવસમાં સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.
હડતાળના કારણે હાલમાં રોડના કામો બંધ છે
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કપચી ઉત્પાદકોની હડતાલના કારણે હાલમાં રોડના કામો બંધ છે. આશરે 500થી 800 મેટ્રિક ટન જેટલું કામ અને કોન્ટ્રાક્ટરો પાસે માલ પડયો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કપચી ઉત્પાદકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
અત્યારે 500 મેટ્રિક ટન જેટલું કામ શહેરમાં ચાલી રહ્યું છે
અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની કામગીરીને લઇને પહેલાથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન પર માછલા ધોવાઈ રહ્યા છે. રોડ એન્ડ બિલ્ડિંગ ખાતા દ્વારા કામગીરી ધીમી ચાલતી હોવાની મ્યુનિસિપલ કમિશનરની નારાજગી બાદ શહેરમાં રોડના કામો ઝડપથી શરૂ થયા હતા. દરેક ઝોનમાં રોડની કામગીરી કરવામાં આવી રહી હતી અને રોજના 4000 મેટ્રિક ટન જેટલો ડામર વાપરીને કામગીરી થઈ રહી હતી. જોકે છેલ્લા દસ દિવસથી રાજ્યમાં કપચી ઉત્પાદકો દ્વારા હડતાળ પાડવામાં આવતા કામગીરી પર મોટી અસર પડી છે.
લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં જે કોન્ટ્રાક્ટરો કામગીરી કરી રહ્યા છે તેમની પાસે ખૂબ જ ઓછો માલ છે અને અત્યારે 500 મેટ્રિક ટન જેટલું કામ શહેરમાં ચાલી રહ્યું છે. કપચી ઉત્પાદકોની હડતાલના કારણે શહેરમાં જે ખરાબ રોડ છે તેને રિપેર કરવાની અને રિસરફેસ તેમ જ જ્યાં નવા રોડ બનાવવાની જરૂરિયાત છે તેની કામગીરી પર અસર પડી છે. જો કપચી ઉત્પાદકો ની હડતાલ ઝડપથી પૂર્ણ નહીં થાય તો આગામી એક મહિનામાં ચોમાસા પહેલા રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાની હોય તે પૂરી નહીં થઈ શકે અને ચોમાસા દરમિયાન રોડ બનાવવાની કામગીરી બંધ રહે છે જેથી શહેરમાં ચોમાસા દરમિયાન રોડ પર લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.