સમીક્ષા બેઠક:અમદાવાદમાં મંત્રી જગદીશ પંચાલે અધિકારીઓ સાથે બેઠક કરી, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની કામગીરીની સમીક્ષા કરી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુટિર ઉદ્યોગ મંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી - Divya Bhaskar
કુટિર ઉદ્યોગ મંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી
  • અધિકારીઓ મીટિંગો કરીને પાલન કરાવવાની માત્ર વાતો કરે છે કાર્યવાહી કરાતી નથી

રાજ્યમાં કોરોનાના કેસો હવે કાબુ બહાર વધી રહ્યાં છે. તેની સાથે અમદાવાદમાં પણ સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. ત્યારે શહેરમાં કોરોના નિયંત્રિત થાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમિક્ષા કરવા માટે પ્રભારીઓને આદેશ આપવામાં આવ્યો છે. કુટિર ઉદ્યોગ અને સહકારના મંત્રી જગદીશ પંચાલે શહેરના પૂર્વ વિસ્તારમાં કોરોનાની કામગીરીની સમીક્ષા કરી હતી. બીજી તરફ શહેરમાં અધિકારીઓ માત્ર મીટિંગો કરીને પાલન કરાવવાની વાતો કરે છે પરંતુ ક્યાંય ગાઈડ લાઈનનું પાલન થતું જોવા મળતું નથી.શહેરમાં અનેક સ્થળો પર માસ્ક વિના લોકોની ભીડ જામે છે છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જગદીશ પંચાલે કોરોનાની કામગીરીની સમીક્ષા કરી
મંત્રી જગદીશ પંચાલે સમીક્ષા બેઠકમાં શહેરના પૂર્વ ઝોનના અધિકારીઓ, પદાધિકારીઓ અને કાઉન્સિલરો સાથે ચર્ચાઓ કરી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે એન્ટીજન ટેસ્ટ, સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક અને કોવીડને અનુરૂપ વર્તન વ્યવહારની અમલવારી કરાવવા તંત્રને તાકીદ કરી હતી. તે ઉપરાંત ધન્વન્તરી રથનો મહત્તમ ઉપયોગ થાય, જે વિસ્તારોમાં મહોલ્લામાં કે ચાલીઓમાં રસીનો બીજો ડોઝ બાકી હોય તેઓને તાત્કાલિક રસીનો બીજો ડોઝ આપવાની કામગીરી પણ ઝડપથી આગળ વધારવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં જાહેર સ્થળોએ કોઈ પણ પ્રકારનું પાલન થતું નથી
અમદાવાદમાં જાહેર સ્થળોએ કોઈ પણ પ્રકારનું પાલન થતું નથી

AMTS અને BRTSના મુસાફરો માટે કોઈ SOP નથી
એએમટીએસ બસ સ્ટોપ પર આવતા મુસાફરો માટે સ્ટેન્ડ પર ઉભા રહેવાની પણ સારી સગવડતા નથી હોતી ત્યાં તેમનું ટેમ્પરેચર ચેક કે પછી હેન્ડ સેનેટાઈઝ કરાવવાની વાત તો દૂર રહી.બીઆરટીએસમાં આવતા પેસેન્જરોને ટિકિટ આપતા પહેલા સેનેટાઈઝર આપી તેમનું ટેમ્પરેચર ચેક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ તે નિયમનું પાલન નહીંવત થઈ રહ્યું છે. એક બીઆરટીએસ સ્ટેશન પર પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ત્યાં પેસેન્જરોની ભારે અવર-જવર હોવા છતાં સેનેટાઈઝરની બોટલ 20 દિવસ સુધી ખાલી નથી થતી. તેમજ કોઈનું પણ ટેમ્પરેચર ચેક કરવામાં નથી આવતું.

સિટી બસોમાં પણ મુસાફરોના વેક્સિન સર્ટિની તપાસ કરવામાં આવતી નથી
સિટી બસોમાં પણ મુસાફરોના વેક્સિન સર્ટિની તપાસ કરવામાં આવતી નથી

સેનેટાઈઝર કે ટેમ્પરેચર ચેકની રિવરફ્રન્ટ પર કોઈ વ્યવસ્થા નથી
રિવરફ્ર્ન્ટ પર ફક્ત વેક્સિનના ડોઝ લીધા કે નહીં તેનું સર્ટિફિકેટ માગવામાં આવે છે પણ પ્રવેશ કરનારનું ટેમ્પરેચર ચેક કે તેને હેન્ડ સેનિટાઇઝર કરાવવામાં નથી આવતા.કાંકરિયામાં એન્ટ્રી લેતી વખતે ટિકિટ જરૂરી છે વેક્સિન સર્ટિફિકેટ નહીં. ત્યાં ટેમ્પરેચર ચેક નથી થતું અને સેનેટાઈઝરની બોટલ તો સાઈડમાં પડેલી જ જોવા મળે છે.