અમદાવાદમાં કળયુગના કંસ મામાનો કિસ્સો સામે આવ્યો છે. એક મામાએ ઘરમાં બાળકોના અવાજથી કંટાળી તેની ભાણીને ક્રુરતાપૂર્વક માર માર્યો. સાથે જ બનેવીની માતાની હત્યા પણ કરી નાખી હતી. મૃતક વૃદ્ધાએ દીકરાના સાળાને ગાળો બોલવાની ના પાડતા દંડો ફટકારી આરોપીએ હત્યા કરી નાખી હતી.
ગિરિશને ગુસ્સો આવતા ભાણીને માર માર્યો
પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. તેનું નામ ગિરિશ છે. ગિરિશ હાલ હત્યા અને મારામારીના ગુનામાં પોલીસ પકડમાં છે. આરોપીની બહેન અને બનેવી કામધંધે ગયા હતા. ત્યારે ઘરમાં બાળકોનો ખુબ જ અવાજ થઈ રહ્યો હતો. જેનાથી કંટાળી આરોપી ગિરિશને ગુસ્સો આવતા ભાણીને માર માર્યો હતો. સાથે જ તે ગાળો બોલતા બનેવીની માતા કમળાદેવીએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી આરોપી આવેશમાં આવી ગયો અને તેણે વૃદ્ધાની દંડો ફટકારી હત્યા કરી નાખી હતી.
સુરજસિંહને ચિંતા છે તેમની દીકરીની
આરોપીના પિતાના મકાનમાં તે અને તેની સાથે તેના બનેવી સુરજસિંહ ગીલ પરિવાર સાથે રહે છે. એક તરફ માતાની હત્યા સાળાએ કરી નાખી હતી. જ્યાં બીજી તરફ સુરજસિંહને ચિંતા છે તેમની દીકરીની. કારણ કે તેના સાળાએ બેરહેમીથી તેમની બાળકીને ફટકારી હતી. બાળકીને એટલી હદે માર માર્યો કે મામાથી હવે આ બાળકી ડરી ગઇ છે. આટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં સુરજસિંહ દીકરીની સારવાર માટે ગયો ત્યારે ડોક્ટરો પણ પૂછપરછ કરતા ચોંકી ગયા હતા.
નિર્દય મામા સામે કડક કાર્યવાહી કરવા માગ
હાલ બાળકીનો એક્સ રે પડાવવાની સાથે તેને આ ઘાની રૂઝ આવે તેમજ આવા નિર્દય મામા સામે કડક કાર્યવાહી થાય તેવી માગ સુરજસિંહ કરી રહ્યા છે. આ ઘટના બની ત્યારે આસપાસની મહિલાઓ પણ ત્યાં આવી ગઈ હતી. જો કે, આરોપીએ તમામ લોકોને ગાળો બોલી કાઢી મુક્યા હતા. સાથે જ ફરિયાદીનું કહેવું છે કે, આરોપી અગાઉ પણ અનેકવાર આ રીતે નશામાં બબાલ કરી ચૂક્યો છે. તે ઘણા સમયથી ઝઘડા કરી ત્રાસ આપતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.