અમદાવાદમાં કોરોનાના કપરા સમયમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી પ્રવૃત્તિ પર કોઈ અંકુશ નથી. અમદાવાદ પશ્ચિમ હોય કે પૂર્વ તમામ વિસ્તારમાં પોલીસની ગુનેગારો સાથેની સાંઠ ગાંઠ તેમજ ક્યાંક કોઈની પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. હવે શહેરમાં સંયુક્ત પોલીસ કમિશ્નરની કચેરી બહાર ફાઈનાન્સરના રૂપિયા પડાવી લીધા હોવાનો ફાઈનાન્સરનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાઓમાં એન્ટી કરપ્શન બ્યુરોના ઈન્ચાર્જ અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારી દ્વારા એક્શન લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.
ફાઈનાન્સરના કેસની તપાસ શરુ કરવામાં આવી
અમુક લોકો પર ઉચ્ચ અધિકારીઓ વ્હાલા દવલાની નીતિ રાખીને બચાવી લેવાના પ્રયાસ પણ કરે છે. રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરે તો એક PIને સસ્પેન્ડ કરાય છે જ્યારે બીજાને બચાવી લેવાય છે. આ અંગે સંયુક્ત પોલીસ કમિશ્નર ગૌતમ પરમારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ મામલો મારા ધ્યાન પર આવ્યો છે. જેની તપાસ શરુ કરવામાં આવી છે. જે પણ હકિકત હશે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ અનેક જગ્યાએ બદનામ
કિસ્સો 1
અમદાવાદ શહેરમાં IPLની મેચ દરમિયાન બુકીને છેક સ્ટેડિયમ સુધી લઈ જવાની મદદ કરવા માટે PSI સક્રિય હતો. જ્યાં સામાન્ય લોકો ન જઇ શકે તે જગ્યા માટે આઈબીના PSI કિશનસિંહએ સેટીંગ કર્યું અને એ તપાસમાં ખુલ્યું.પણ કોઈ રહસ્યમય કારણસર તપાસ કરનાર IPS તેમના સુધી પહોંચી શકતા નથી.
કિસ્સો 2
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કોરોનાનાં સમયમાં રીતસર મંડપ બાંધીને બે મહિનાથી જુગારધામ ચાલતું હતું. જે અંગેની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આપવામાં આવી હતી.અહીં SMCની ટીમે રેડ કરી પણ સ્થાનિક PI સામે હજી સુધી કોઈ એક્સન લેવામાં આવ્યા નથી. તેની બીજી તરફ માધુપુરા પોલિસ સ્ટેશનની હદમાં જુગારની રેડ થઈ તેના PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.આમ ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક સરખા કેસમાં બેવડું વલણ ખૂબ જ ગંભીર બાબત છે. જેનાથી શહેરના સર્વોચ્ચ પોલીસ અધિકારીની ઇમેજને નુકશાન થાય છે.
કિસ્સો 3
શહેરના પૂર્વ વિસ્તારમાં નોકરી કરતા એક મહિલા PSIએ કાર ખરીદી અને તેના હપ્તા ભરવા માટે રાજ નામના પોલીસ કોન્સ્ટેબલ મારફતે બૂટલેગર પાસે રૂપિયા મંગાવ્યા હતા.આ સમગ્ર ઘટનામાં આક્ષેપ કરતી અરજી એન્ટી કરપ્શન બ્યુરો અને સ્થાનિક ઉચ્ચ અધિકારી સુધી ગઈ હતી. જેની તપાસના આદેશ અપાયા પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
કિસ્સો 4
મણિનગર વિસ્તારમાં રહેતાં યુવકને રાજુ ભરવાડ અને જામભા પોલીસકર્મી કાંકરિયા ખાતે આવેલી હેરિટેજ પોલીસ ચોકીમાં લઈ જઈ મોબાઈલમાં સટ્ટો રમે છે કહી 10 લાખ રૂપિયા માગ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ચિત્રાંગ શાહ નામનો યુવક વીડિયોમાં જણાવે છે કે હું પાન પાર્લર પર ઉભો હતો. ત્યારે રાજુ ભરવાડ અને અન્ય એક પોલીસકર્મી આવ્યા હતા અને હેરિટેજ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા. જ્યાં તેનો મોબાઈલ ચેક કર્યો હતો બધું ચેક કર્યુ તેમાં તેમને કોઈ જ સટ્ટા રમવાની વિગતો મળી ન હતી. બાદમાં પોલીસકર્મીઓએ ઉઠક બેઠક કરાવી અને કશું મળ્યું નહિ છતાં પૈસા તો જોઈશે કહી 10 લાખ માગ્યા હતા. 10 લાખ ન હતા જેથી છેવટે ગમે તેમ કરી મિત્ર પાસેથી ત્રણ લાખ આપી પતાવટ કરી હતી.
બાદમાં અઠવાડિયા બાદ મને ફરી પકડ્યો હતો. જે દારૂના નામે પડકયો હોવાની વાત છે. ત્રણ લાખ રૂપિયા જે લીધા એ બાબતે મણિનગર PI ગોયલ જોડે વાત કરવાનું કહેતા પોલીસકર્મીઓએ કહ્યું હતું કે PI સાહેબ જોડે વાત થઈ ગઈ છે. અને તેમને 10 લાખ રૂપિયા મંગાવ્યા છે. મેં ના પાડી કે 10 લાખ નથી ત્રણ લાખ રૂપિયા આપી દઉં છું મારી પાસે કંઈ નથી. હું સટ્ટો રમાડતો નથી કે રમતો નથી. જેમને મને સટ્ટામાં પકડ્યા એમને જ મને ફરી પકડ્યો અને મેં કહ્યું હોસ્પિટલ લઈ જાવ ચેક કરી લો તો પણ કઈ કર્યું નથી અને આ બાબતે મેં ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજુઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.